નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટે 30 ઓક્ટોબરના રોજ મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષને જરૂરી નિર્દેશ કર્યો હતો. જેમાં કોર્ટે વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકરને 31 ડિસેમ્બર સુધીમાં શિવસેનાની અરજી તથા 31 જાન્યુઆરી, 2024 સુધીમાં NCP ની પક્ષપલટાની અરજી પર નિર્ણય લેવા કહ્યું છે. ભારતના મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડ, જસ્ટિસ જે.બી. પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની ખંડપીઠે શિવસેનાના ધારાસભ્યો અને NCP ધારાસભ્યો સામેની ગેરલાયકાતની કાર્યવાહીમાં મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ દ્વારા વહેલી તકે નિર્ણય લેવાની માંગ કરતી અરજીઓની સુનાવણી કરી હતી.
ત્રણ જજોની ખંડપીઠનું નેતૃત્વ કરી રહેલા મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડને સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, અગાઉની સુનાવણી મુજબ તેમણે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ સાથે વાત કરી હતી. એસ.જી. મહેતાએ કોર્ટ સમક્ષ રજૂઆત કરી હતી કે દિવાળી અને નાતાલની રજાઓને ધ્યાનમાં રાખીને અધ્યક્ષ 31 જાન્યુઆરી, 2024 સુધીમાં સુનાવણી પૂર્ણ કરવાનો પ્રયાસ કરશે. ઉપરાંત તેમણે કોર્ટને જાન્યુઆરીમાં સુનાવણીની યાદી આપવા અને કેસની પ્રગતિ જોવાનો અનુરોધ કર્યો હતો.
પરંતુ મુખ્ય ન્યાયાધીશ ડી.વાય. ચંદ્રચુડે કહ્યું કે, કોર્ટ ઇચ્છે છે કે સ્પીકર 31 ડિસેમ્બર સુધીમાં કાર્યવાહી સમાપ્ત કરે. શિવસેના નેતા સુનીલ પ્રભુ (ઉદ્ધવ ઠાકરે જૂથ)ની અરજી સાથે પક્ષપલટોની અરજીઓ પર નિર્ણય માંગતી NCP નેતા જયંત પાટીલ (શરદ પવાર જૂથ) ની અરજી પણ 30 ઓક્ટોબરના રોજ સુનાવણી માટે સૂચિબદ્ધ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપ્યો છે કે, મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષે આવતા વર્ષે 31 જાન્યુઆરી સુધીમાં NCP પક્ષપલટોની અરજીઓ પર સુનાવણી પૂર્ણ કરવી જોઈએ.
17 ઓક્ટોબરના રોજ સર્વોચ્ચ અદાલતે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને ઉદ્ધવ ઠાકરે અને મુખ્યપ્રધાન એકનાથ શિંદેની આગેવાની હેઠળના શિવસેનાના બે હરીફ જૂથો દ્વારા એકબીજા સામે દાખલ કરાયેલ પક્ષપલટાની પેન્ડિંગ અરજીઓ પર નિર્ણય લેવા માટેનું ટાઈમ ટેબલ રજૂ કરવાની છેલ્લી તક આપી હતી. આપી હતી. મુખ્ય ન્યાયાધીશની આગેવાની હેઠળની ખંડપીઠે સોલિસિટર જનરલ (SG) તુષાર મહેતાની રજૂઆત સ્વીકારી હતી. તુષાર મહેતાએ કોર્ટને ખાતરી આપી હતી કે તેઓ દશેરાની રજાઓ દરમિયાન સ્પીકર સાથે વ્યક્તિગત રીતે વાતચીત કરશે.
તુષાર મહેતાએ સમયમર્યાદા નક્કી કરવા માટે સ્પીકર પાસે વધુ સમય માંગ્યા પછી મુખ્ય ન્યાયાધીશે સ્પીકરના તાજેતરના ઇન્ટરવ્યૂ પર તુષાર મહેતાને ચાબખા માર્યા હતા. રાહુલ નાર્વેકરે કહ્યું હતું કે, ધારાસભાની સંપ્રભુતા જાળવવી રાખવી તેમની ફરજ છે અને બંધારણે ન્યાયતંત્ર, ધારાસભા અને કાર્યપાલિકાને સમાન દરજ્જો આપ્યો છે અને કોઈની ઉપર અન્ય કોઈની દેખરેખ નથી. 13 ઓક્ટોબરના રોજ સુપ્રીમ કોર્ટે શિવસેના અને NCP દ્વારા દાખલ કરવામાં આવેલી ડિસક્વોલિફિકેશન અરજીઓની સુનાવણી કરવા અને નિર્ણય લેવામાં મોડું કરવા બદલ રાહુલ નાર્વેકરને સખત ઠપકો આપ્યો હતો.