નવી દિલ્હી: રાજધાની દિલ્હીમાં બુધવારે સંસદ ભવનમાં ઘુસીને કલર સ્મોક છોડનારી મહિલા નીલમ અને યુવક સાગર શર્માની ઘરપકડ કરવામાં આવ્યાં બાદ તેમની ઉપર કલમ 120 બી અને ગેરકાયદે ગતિવિધિ રોકથામ અધિનિયમ એટલે કે UAPA એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. ગુરૂવારે તપાસ ટીમ દ્વારા આરોપીઓને પટિયાલા હાઉસ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યાં બાદ પુછપરછ માટે તેમને રિમાન્ડ પર લઈ જવામાં આવ્યાં. આ મામલાની તપાસ રિપોર્ટ ગૃહમંત્રાલયે ડીજી સીઆરપીએફને સોંપી છે. તપાસ ટીમમાં 200 લોકો સામેલ છે, હવે પોલીસ બંને આરોપીઓના એક અન્ય સાથી લલિતની ધરપકડ કરવામાં લાગી છે, આ મામલાનું મોનિટરિંગ ગૃહ મંત્રાલય કરશે.
જન્મટીપ સુધીની સજાની જોગવાઈ: બંને આરોપીઓ પર લગાવાઈ કલમને લઈને સુપ્રીમકોર્ટના વરિષ્ઠ વકીલ ડૉ.એપી સિંહે જણાવ્યું હતું કે, UAPA એક્ટ હેઠળ આરોપીઓને જન્મટીપ સુધીની સજાની જોગવાઈ છે. બીજી તરફ આ મામલે જામીન મળવા પણ મુશ્કેલ છે. પ્લાનિંગ કરીને કોઈ ગુનાને અંજામ આપવા પર વ્યક્તિ પર કલમ 120બી લગાડવામાં આવે છે. એવામાં આ લોકોને જેલમાંથી બહાર કાઢવા પણ મુશ્કેલ છે.
UAPA એક્ટ: તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આ કાયદાને આતંકી ગતિવિધિઓ પર રોકથામ માટે લાવવામાં આવ્યો હતો. જે અંતર્ગત ઓછામાં ઓછી પાંચ વર્ષની જેલ અને વધુમાં વધુ આજીવન કેદની સજાની જોગવાઈ છે. તો આતંકી ગતિવિધિ હોવા પર જો કોઈનું મૃત્યું થઈ જાય તો આ અધિનિયમ હેઠળ ફાંસીની સજાની પણ જોગવાઈ છે. જો કોઈ વ્યક્તિ આતંક ફેલાવવા માટે દેશની એકતા, અખંડતા, સંપ્રભુતા અને સુરક્ષાને ખંડિત કરવાનો પ્રયાસ કરે છે, કે પછી તો દેશની બહાર પણ કોઈ આતંકી ઘટનાને અંજામ આપે છે તો પણ UAPA એક્ટ હેઠળ જ આવે છે.
સજાની જોગવાઈ: જ્યારે આ અંગે અધિવક્તા રાજીવ મોહને જણાવ્યું હતું કે, UAPA એકમાત્ર એવો કાયદો છે, જે આતંકવાદ અને ગેરકાયદે ગતિવિધિઓ પર લાગુ પડે છે. તેમણે જણાવ્યું હતું કે, કલમ 120 બી માં સજા એ વાત પર આધાર રાખે છે કે, જે ગુના માટે ષડયંત્ર ઘડવામાં આવ્યું છે, તે ગુના માટે કેટલી સજાની જોગવાઈ છે. જો ગુનામાં 2 વર્ષથી વધુ સજાની જોગવાઈ છે, તો 120બીમાં પણ તેટલી સજા મળશે. જ્યારે ગુનામાં બે વર્ષથી ઓછી સજાની જોગવાઈ છે તો 120બીમાં છ મહિનાની સજા મળશે. ઉલ્લેખનીય છે કે, બુધવારે સંસદ ભવનમાં ઘુસીને કલર સ્મોક છોડવામાં આવ્યો હતો, જેના કારણે સંસદમાં અફરા-તફરીનો માહોલ સર્જાય ગયો હતો.