ભુવનેશ્વરઃ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ફરીથી પથ્થરમારો કરવામાં આવ્યો છે. આ વખતે ઓડિશામાં સેમી એક્સપ્રેસ ટ્રેનને નિશાન બનાવવામાં આવી છે. રાઉરકેલા-ભુવનેશ્વર વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન પર ટોળાએ પથ્થરમારો કર્યો છે. આ ઘટના ભુવનેશ્વર-સંબલપુર રેલ લાઈનના ઢેંકનાલ-અંગુલ રેલવે સેકશનમાં મેરામંડલી અને બુધંડા વિસ્તારમાં ઘટી હતી. આ પથ્થરમારામાં એક પણ પ્રવાસી ઘાયલ થયો નથી, જો કે એક્ઝિક્યૂટિવ ક્લાસ કોચના કાચને નુકસાન થયું છે. પથ્થરમારાના સમાચાર મળતા જ આરપીએફ અને અન્ય કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
સમગ્ર ઘટનાની જાણકારી સ્થાનિક પોલીસ સ્ટેશનને કરી દેવામાં આવી છે. પોલીસે કહ્યું કે આરોપીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે. આરપીએફ તેમજ ઈસીઓઆર બંને સ્થાનિક પોલીસ સાથે મળીને આરોપીઓને શોધી રહી છે.
ઈસ્ટ કોસ્ટ રેલવેની સીક્યૂરિટી બ્રાન્ચે આ ઘટનાને ગંભીરતાથી લીધી છે. આરપીએફને એલર્ટ પર રાખવામાં આવી છે. જાણકારી અનુસાર રેલવે ટ્રેક પાસે વધુ વસ્તીવાળા વિસ્તારોમાં જાગૃતિ કાર્યક્રમો નિયમિતરુપે ચલાવવામાં આવી રહ્યા છે. ઓપરેશન સાથી પણ આ વિસ્તારોમાં નિયમિત ચાલી રહ્યું છે. નાગરિકોને પથ્થરમારાની ઘટના અને તેના પરિણામો વિશે માહિતી આપવામાં આવી રહી છે. આવી ઘટનાઓ જે વિસ્તારોમાં બને છે તે વિસ્તારોમાં દારુડીયા અને અસામાજિક તત્વો પર નિયમિત નિરીક્ષણ રાખવામાં આવી રહ્યું છે. જો કે સ્થાનિક તંત્ર દ્વારા પ્રવાસી ટ્રેનો પર થતા પથ્થરમારાને અંકુશમાં લાવવામાં સફળતા મળી રહી નથી.
ઈમરજન્સી હેલ્પ માટે પ્રવાસીઓ ડાયરેક્ટ રેલવે હેલ્પલાઈન પોર્ટલ પર અથવા હેલ્પલાઈન નંબર 139(નેશનલ ઈમરજન્સી નંબર 112 સાથે સંકળાયેલ)નો સંપર્ક કરી શકે છે. આ માધ્યમથી પ્રવાસીઓ ફરિયાદ પણ દાખલ કરી શકે છે. ઈસ્ટ કોસ્ટ રેલવે જણાવે છે કે રેલવે તંત્ર વિવિધ સોશિયલ મીડિયાના માધ્યમો દ્વારા પ્રવાસીઓ સાથે સંપર્કમાં છે તેમજ આવા મામલા વિષયક જાણકારી તેમજ જરુરી માહિતીનો પ્રસાર કરી રહ્યું છે.