મુંબઈ : આજે સતત બીજા દિવસે ભારતીય શેરબજારમાં મોટું ગાબડું પડ્યું છે. સવારે નબળી શરુઆત બાદ મંદીના વલણને જાળવી રાખી ટ્રેડિંગ સેશનના અંતે BSE Sensex લગભગ 570 પોઈન્ટ તૂટીને બંધ થયો હતો. જ્યારે NSE Nifty પણ 159 પોઈન્ટ ઘટીને 19,742 ના મથાળે બંધ રહ્યો હતો. ઉલ્લેખનિય છે કે, વિશ્વના તમામ બજારોની આજે આવી જ સ્થિતિ રહી છે. એશિયાઈ માર્કેટ સહિત યુરોપીય અને યુએસ માર્કેટમાં પણ રોકાણકારોનું ધોવાણ થયું હતું.
BSE Sensex : આજે 21 સપ્ટેમ્બર ગુરુવારના રોજ BSE Sensex ગતરોજના 66,800 પોઈન્ટના બંધની સામે 66,608 ના મથાળે લગભગ 192 પોઈન્ટ ડાઉન ખુલ્યો હતો. આજે સવારની નબળી શરુઆત બાદ ટ્રેંડિગ સેશનના અંતે BSE Sensex 570 પોઈન્ટ (0.85 %) ઘટીને 66,230 પોઈન્ટ પર બંધ થયો હતો. આજે શરુઆતથી નબળું વલણ જાળવી રાખતા BSE Sensex 66,128 સુધી ડાઉન ગયો હતો. જ્યારે સવારના ઓપનિંગ 66,608 પોઈન્ટને ડે હાઈ બનાવી હતી.
NSE Nifty : આજના ટ્રેડિંગ સેશનના અંતે NSE Nifty ઈનડેક્સ લગભગ 159 પોઈન્ટ (0.80 %) ઘટીને 19,742 પર બંધ થયો હતો. ઉલ્લેખનિય છે કે, NSE Nifty ઈનડેક્સ આજે 60 પોઈન્ટ ડાઉન 19,840 ના મથાળે ખુલ્યો હતો. શરુઆતથી ભારે વેચવાલીના પગલે NSE Nifty ડાઉન 19,709 સુધી જ ગયો હતો. ગતરોજ NSE Nifty ઈનડેક્સ 19,901 પોઈન્ટ પર બંધ થયો હતો.
માર્કેટ કેપ : શેરબજારમાં 3 દિવસથી ચાલી રહેલી વેચવાલીથી રોકાણકારોને ભારે નુકસાન થયું છે. BSE પર લિસ્ટેડ કંપનીઓનું કુલ માર્કેટ કેપ ઘટીને રૂ. 318.06 લાખ કરોડ થયું હતું. જે 15 સપ્ટેમ્બરે બજાર બંધ થયા પછી રૂ. 223.40 લાખ કરોડ હતું. એટલે કે 3 દિવસમાં રોકાણકારોને લગભગ 5.4 લાખ કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
વૈશ્વિક મંદીની અસર : અમેરિકાના ડાઉ જોન્સ અને નેસ્ડેક સતત ઘટીને આવ્યા હતા. જેને પગલે આજે એશિયાઈ સ્ટોક માર્કેટ નરમ જ ખુલ્યા હતા. આજે બપોરે યુરોપિયન સ્ટોક માર્કેટ પણ માઈનસમાં હતા. જેથી ભારતીય શેરબજારનું સેન્ટિમેન્ટ નરમાઈ તરફી જ રહ્યું હતું. યુએસ FED દ્વારા આગળ જતા વ્યાજ દર ઊંચા રહેશે તેવા સંકેત આપવામાં આવ્યા છે. ઉપરાંત વિદેશી સંસ્થાકીય રોકાણકારો દ્વારા ભારે સેલિંગ પ્રેશર જોવા મળી રહ્યું છે.
લોકલ માર્કેટનો ટેકો : ભારતીય શેરબજારની વાત કરીએ તો સપ્ટેમ્બર મહિનામાં એફઆઈઆઈમાં સતત વેચવાલી રહી છે. તેની સાથે તેજીવાળા ઓપરેટરોએ પણ નફારૂપી વેચવાલી કાઢી છે. આથી સેન્સેક્સ અને નિફ્ટી ઊંચા મથાળેથી પાછા પડી રહ્યા છે. જો કે નીચા મથાળે સ્થાનિક નાણાં સંસ્થા અને મ્યુચ્યુઅલ ફંડોએ ટેકારૂપી લેવાલી કાઢી હતી. જેથી કારણે માર્કેટ વધુ તૂટતું અટક્યું હતું. હાલ સુધીમાં FII ના 13,927.29 કરોડના નેટ સેલિંગ સામે DII દ્વારા 10,209.96 પરચેઝ રહ્યું છે.
ટોપ ગેઈનર શેર : BSE સેન્સેક્સમાં સૌથી વધુ ઊંચકાયેલા ટોપ ગેઈનર શેરમાં ટેક મહિન્દ્રા (1.46 %), એશિયન પેઇન્ટ્સ (0.83 %), ઇન્ફોસિસ (0.80 %), ભારતી એરટેલ (0.78 %) અને એચયુએલનો (0.29 %) સમાવેશ થાય છે.
ટોપ લુઝર શેર : સૌથી વધુ ગગડેલા ટોપ લુઝર શેરમાં એમ એન્ડ એમ (-3.08 %), ICICI બેંક (-2.81 %), SBI (-2.12 %), ઇન્ડસઇન્ડ બેંક (-2.02 %) અને કોટક મહિન્દ્રાનો (-1.89 %) સમાવેશ થાય છે.
નેગેટિવ ADR : આજે શેરબજારનો એડવાન્સ ડેકલાઈન રેશિયો નેગેટિવ રહ્યો હતો. આજે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 544 શેરના ભાવ વધ્યા હતા. જેની સામે 1484 શેરના ભાવ ઘટ્યા હતા. જોકે, BSE સેન્સેક્સમાં સૌથી વધુ એક્ટિવ શેરમાં HDFC બેંક, ટીસીએસ, રિલાયન્સ અને એશિયન પેઇન્ટ્સના સ્ટોક રહ્યા હતા.