નવી દિલ્હીઃ સોનિયા ગાંધીએ સેન્ટ્રલ કેબિનેટ દ્વારા લાંબા સમય બાદ મહિલા આરક્ષણ વિધેયકને મંજૂરી અપાતા પોતાની પ્રતિક્રિયા આપી છે. આ વિધેયક કૉંગ્રેસ પક્ષનું છે. સોનિયા ગાંધીએ સંસદ ભવનમાં તીખી પ્રતિક્રિયા આપી હતી. જ્યારે તેમને મહિલા આરક્ષણ વિધેયકને સંસદમાં બીજીવાર પ્રસ્તાવિત કરવા વિશે પુછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું આ વિધેયક વાસ્તવમાં અમારુ છે.
કૉંગ્રેસ વર્કિંગ કમિટિમાં થઈ હતી માંગઃ સોનિયા ગાંધીની પ્રતિક્રિયાથી આ વિધેયકને સંસદમાં મંજૂરી મળવાનો માર્ગ મોકળો થયો છે. કૉંગ્રેસની બે દિવસીય વર્કિંગ કમિટિ(CWC)ની બેઠકમાં મહિલા આરક્ષણ વિધેયકને પસાર કરવાની માંગણી કરવામાં આવી હતી.
અગાઉ પણ આ વિધેયક પસાર થયું હતુંઃ સોમવારે કૉંગ્રેસ અધ્યક્ષ અને રાજ્યસભામાં વિપક્ષ નેતા મલ્લિકાર્જુન ખડગે, એનસીપી નેતા સુપ્રિયા સુલે, લોકસભામાં કૉંગ્રેસ નેતા અધીર રંજને વિશેષ સત્રમાં વિધેયક પસાર કરવાની માંગણી કરી છે. મહિલાઓ માટે 33 ટકા આરક્ષણ કરવાનું વિધેયક સૌથી પહેલા 1996માં એચ. ડી. દેવગૌડા સરકાર દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું.
મહિલા આરક્ષણ વિધેયકની આવશ્યકતાઃ દેશમાં મહિલાઓને પુરુષ સમોવડી કરવાના પ્રયત્નો વર્ષોથી થતા આવ્યા છે. કેન્દ્ર સરકારના સ્તરેથી પણ અનેક પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. સરકાર ભાજપની હોય કે કૉંગ્રેસની પણ વિવિધ ગૃહોમાં આ મહિલા આરક્ષણ વિધેયકને પ્રાસ્તાવિત કરવામાં આવ્યું જ છે. મહિલાઓને 33 ટકા આરક્ષણ મળવાને કારણે મહિલા સશક્તિકરણને પણ વેગ મળે છે. કૉંગ્રેસના પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ , પૂર્વ વડાપ્રધાન એચ ડી દેવગૌડાએ પણ આ વિધેયકને સર્વાનુમતે મંજૂરી મળે તે માટે પ્રયત્નો કર્યા હતા.
2010માં રાજસભામાં પસાર થયું હતુંઃ યુપીએ સરકાર દ્વારા 2008માં આ વિધેયકને મંજૂરી માટે ફરીથી પ્રસ્તાવિત કરવામાં આવ્યું હતું. 2010માં વિધેયક રાજ્યસભામાં પસાર કરવામાં આવ્યું હતું પરંતુ લોકસભામાં પસાર કરવામાં આવ્યું નહતું. 2014માં તેના વિઘટન બાદ તે વિલીન થઈ ગયું હતું.