ગિરિડીહઃ ઝારખંડના ગિરિડીહમાં થયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં 6 લોકોના કરુણ મૃત્યુ થયા છે. આ તમામ મુસાફરો લગ્નમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે દુર્ઘટના સર્જાઈ હતી. તેમની કાર ઝાડ સાથે ધડાકાભેર ટકરાઈ હતી. મુફ્ફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારના બાઘમારા પાસે શનિવાર વહેલી સવારે આ અકસ્માત થયો હતો. ઘટનાની ખબર મળતા જ મુફ્ફસિલ પોલીસ સ્ટેશનના સ્ટેશન ઈન્ચાર્જ કમલેશ પાસવાન ઘટના સ્થળે દોડી આવ્યા હતા. બે બાળકો સહિત ઘાયલોને હોસ્પિટલ ખસેડાયા હતા. જેમાં સારવાર દરમિયાન એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું. આ ઉપરાંત ઘટના સ્થળેથી પાંચ મૃતદહોને પણ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
આ અકસ્માતનું કારણ કારની અતિશય ઝડપ માનવામાં આવી રહ્યું છે. આ દરમિયાન ચાલકે કાર પરથી કાબૂ ગુમાવી દીધો અને કારનું સંતુલન ખોઈ બેઠો. અતિશય ઝડપે જતી સ્કોર્પિયો કાર ઝાડ સાથે ધડાકાભેર ટકરાઈ. સ્થાનિકો અવાજ સાંભળીને ઘટના સ્થળે દોડી આવ્યા. તેમણે ઘાયલોની મદદ કરી અને પોલીસને ખબર પહોંચાડી. ખબર મળતા જ મુફ્ફસિલ પોલીસ સ્ટેશનના સ્ટેશન ઈનચાર્જ કમલેશ પાસવાન કાફલા સાથે ઘટના સ્થળે પહોંચ્યા હતા. તેમણે ઘાયલો અને મૃતદેહોને હોસ્પિટલ ખસેડ્યા હતા. જ્યાં મૃતદેહોનું પોસ્ટ મોર્ટમ કરવામાં આવ્યું.
મળતી માહિતી અનુસાર મોહમ્મદ ફારુખ અંસારીના દીકરા ચાંદ રસીદના લગ્ન મુફ્ફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારના ટિકોડીહમાં રહેતા પપ્પુ અંસારીની દીકરી મુસ્કાન પ્રવીણ સાથે નક્કી થયા હતા. 17મી નવેમ્બરે રાત્રે લગ્ન થયા હતા. આ લગ્ન સંદર્ભે વરઘોડો થોરિયાથી ટિકોડીહ પહોંચ્યો હતો. લગ્ન બાદ અંદાજિત 10 લોકો એક વાહનમાં થોરિયા જવા નીકળ્યા હતા. તેઓ જેવા મુફ્ફસિલ પોલીસ સ્ટેશન વિસ્તારના બાઘમારા પાસે પહોંચ્યા ત્યારે ચાલકે સંતુલન ગુમાવી દીધું અને અતિ ઝડપે જઈ રહેલ કાર ઝાડ સાથે ધડાકાભેર ટકરાઈ. ઘટના સ્થળે પાંચ મુસાફરોના મૃત્યુ થયા હતા. જ્યારે બે બાળકો સહિત અન્ય પાંચ લોકો ઘાયલ હતા. જેમાંથી એક ઘાયલ મુસાફરનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મૃત્યુ થયું હતું.
આ ઘટનામાં ઝારખંડ મુક્તિ મોર્ચા(માઈનોરિટી)ના જિલ્લા ઉપાધ્યક્ષ અસગર અંસારીના 31 વર્ષીય ભત્રીજા સગીર અંસારી સિવાય 70 વર્ષીય યુસુફ મિયા ગજોડીહ, 55 વર્ષીય ઈમ્તિયાઝ અંસારી, 35 વર્ષના સુભાન અંસારી ગજોડીહ સહિત પાંચ લોકોનું ઘટના સ્થળે કરુણ મૃત્યુ થયું હતું. ઉપરાંત હોસ્પિટલમાં વધુ એક ઘાયલનું મૃત્યુ થયું હતું. અસગરે જણાવ્યું કે ઊંઘ અને અતિશય ઝડપને લીધે આ કારમો અકસ્માત થયો હતો. અકસ્માતની જાણ થતાં જ કૉંગ્રેસ નેતા નરેશ વર્મા પણ સદર હોસ્પિટલ પહોંચી ગયા હતા. તેમણે મૃતકોના પરિવાર સાથે મુલાકાત કરી અને ઘાયલોને સાંત્વના આપી. તેમજ ભાકપા માલે નેતા રાજેશ સિન્હાએ મૃતકો અને ઘાયલો માટે સહાયની માંગણી કરી છે.