ચંદીગઢ : જાન્યુઆરી 2022માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પંજાબ મુલાકાત દરમિયાન સુરક્ષામાં ચૂક હોવાના મામલે વધુ છ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સસ્પેન્ડેડ પોલીસ અધિક્ષક સ્તરના અધિકારી સહિત આ છ પોલીસકર્મીઓ વિરુદ્ધ આ કાર્યવાહી કરવામાં આવી છે. રાજ્યના ગૃહ વિભાગના 22 નવેમ્બરના આદેશ અનુસાર, બે નાયબ પોલીસ અધિક્ષક સ્તરના અધિકારીઓ - પરસન સિંહ અને જગદીશ કુમાર, ઇન્સ્પેક્ટર જતિન્દર સિંહ અને બલવિંદર સિંહ, સબ-ઇન્સ્પેક્ટર જસવંત સિંહ અને આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર રમેશ કુમારને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
પોલીસકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા : હાલમાં ભટિંડા જિલ્લામાં તૈનાત પોલીસ અધિક્ષક ગુરબિન્દર સિંહને શનિવારે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આદેશ અનુસાર, પંજાબ સિવિલ સર્વિસીસ (સજા અને અપીલ) નિયમો, 1970ની કલમ 8 હેઠળ તમામ પોલીસકર્મીઓના નામ ચાર્જશીટમાં મૂકવામાં આવ્યા છે. 5 જાન્યુઆરી, 2022 ના રોજ પ્રદર્શનકારીઓ દ્વારા નાકાબંધીને કારણે વડાપ્રધાન મોદીનો કાફલો ફિરોઝપુરમાં ફ્લાયઓવર પર અટવાઈ ગયો હતો.
વડાપ્રધાન મોદીની સુરક્ષામાં ચૂક થઇ હતી : જે બાદ તેમને પંજાબથી કાર્યક્રમમાં હાજરી આપ્યા વિના પરત ફરવું પડ્યું હતું અને તેમની રેલી રદ કરવી પડી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા ગયા વર્ષે 12 જાન્યુઆરીના રોજ આ સુરક્ષા ખામીની તપાસ કરવા માટે એક સમિતિની નિમણૂક કરવામાં આવી હતી, જેણે તેના માટે ઘણા રાજ્ય અધિકારીઓને જવાબદાર ઠેરવ્યા હતા.