કોટાઃ હોસ્ટેલ સંચાલકો દ્વારા રવિવારે સન્ડે ફન્ડે અંતર્ગત "સ્માઈલિંગ કોટા કેમ્પેઈન"નું આયોજન કરવામાં આવ્યું હતું. એક તરફ આ અભિયાનની ઉજવણી ચાલતી હતી ત્યારે બીજી તરફ ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવવાને કારણે બે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી હતી. આ સમગ્ર અભિયાનને આત્મહત્યા સંદર્ભે એક ઝાટકો લાગ્યો છે. મૃતકના ભાઈ-બહેન પણ હવે કોટામાં રહીને અભ્યાસ કરવા માંગતા નથી. તેઓ કહે છે કે તેમણે અહીં તેમના ભાઈને ગુમાવ્યો છે તથી તેઓ અહીં વધુ અભ્યાસ નહીં કરી શકે અને તેઓ બિહાર પરત જતા રહેશે. મૃતક આદર્શના કાકા કોટા પહોંચી ગયા છે અને મૃતદેહનો કબજો લીધો છે. તેમણે કહ્યું કે, આ એક દુઃખદ ઘટના છે. મેં મૃતકના ભાઈબંધો સાથે વાતચીત કરી છે પણ કોઈ ખાસ બાબત જાણવા મળી નથી. ત્રણેય વિદ્યાર્થીઓ એક જ ફ્લેટમાં રહીને અભ્યાસ કરતા હતા. મૃતકના ભાઈ બહેન પણ આ ઘટના પાછળનું કારણ સમજી શકતા નથી. તો અન્ય વ્યક્તિ તો ક્યાંથી સમજી શકે. આ એક અનહોની ઘટના છે.
પોસ્ટમોર્ટમ બાદ વિદ્યાર્થીઓની આત્મહત્યાનું કારણ શોધવામાં આવી રહ્યું છે. રવિવારે થયેલા ટેસ્ટમાં વિદ્યાર્થીઓના ઓછા માર્ક્સ આવ્યા હતા. ત્યારબાદ આ ગમખ્વાર ઘટના ઘટી હતી. કોચિંગ સેન્ટર્સ રવિવારે શા માટે ટેસ્ટ ગોઠવે છે તેની પુછપરછ કરાઈ છે. જે રીતે ટૂરિસ્ટ અને સાયબર સેલ ખોલવામાં આવે છે તે જ રીતે કોચિંગ સેલ પણ ખોલવામાં આવશે. તેના માટે તેઓ પોલીસ હેડક્વાર્ટરને બે દિવસમાં પ્રસ્તાવ મોકલી આપશે. જો પરમિશન મળશે કોટામાં કોચિંગ સેલ પણ શરૂ કરવામાં આવશે. અત્યારે અહીં પોલીસ સ્ટુડેન્ટ હેલ્પ સેલ ચાલુ છે...ગંગાસહાય શર્મા (સ્ટેશન ઈન્ચાર્જ, કુન્હાડી પોલીસ સ્ટેશન)
સમગ્ર ઘટનાક્રમઃ રોહતાસના રહેવાસી આદર્શના મામાના દીકરા આશીષનું કહેવું છે કે હવે તે અહીં રહીને અભ્યાસ નહીં કરી શકે. તેની બહેન શિવાની કહે છે કે ભાઈ મયંકની સાથે તે પણ પરત ફરી રહી છે. ભાઈ આદર્શ સાથે રમીને હું મોટી થઈ છું. મેં આદર્શ સાથે અભ્યાસ કર્યો છે. હું તેને ગુમાવવાની પીડા સહન નહીં કરી શકુ.આદર્શે મીડિયાને માહિતી આપી કે, તેઓ રવિવારે બહુ ખુશ હતા. તેમણે કોચિંગમાંથી પરત આવીને રસોઈ બનાવી અને સાથે જમ્યા હતા. ત્યારબાદ સૌ પોત પોતાના રૂમમાં જઈને સુઈ ગયા હતા. સાંજે આ સમગ્ર કરૂણ ઘટના ઘટી હતી. મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરીને પરિવારને સોંપવામાં આવ્યો હતો.
કોચિંગ સેન્ટરમાં આત્મહત્યાઃ બીજી તરફ વિજ્ઞાનનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી આત્મહત્યા બાદ પોલીસે આવિષ્કાર સંભાજીનો પોસ્ટમોર્ટ કરાવીને મૃતદેહને મૃતકના નાના-નાનીને સોંપ્યો હતો. તેઓ મૃતદેહને લઈને મહારાષ્ટ્ર રવાના થયા હતા. આવિષ્કાર પાછલા બે વર્ષોથી કોટામાં રહીને મેડિકલ એન્ટ્રેન્સની તૈયારી કરી રહ્યો હતો. તેના રવિવારે થયેલા ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવ્યા હતા. તે મહારાષ્ટ્રના લાતૂર જિલ્લાના અહમદનગરનો રહેવાસી હતો.જે પોતાના નાના-નાની સાથે તલવંડીમાં પીજીમાં રહેતો હતો. તેણે ઈન્ડસ્ટ્રિયલ એરિયા સ્થિત કોચિંગ સેન્ટરના પરિસરમાં જ આત્મહત્યા કરી હતી.
બંને આત્મહત્યાનું કારણ એક જઃ રવિવારે બે વિદ્યાર્થીઓએ કરેલી આત્મહત્યાનું સામાન્ય કારણ છે ટેસ્ટમાં ઓછા માર્ક્સ આવવા. જો કે બંને વિદ્યાર્થીઓ અભ્યાસમાં કોઈ લાપરવાહી રાખતા નહતા. તેઓ હંમેશા કોચિંગ ક્લાસ અટેન્ડ કરતા હતા. આ અગાઉ થયેલી આત્મહત્યાના કેસમાં વિદ્યાર્થી કોચિંગ ક્લાસમાં નિયમિત જતા ન હતા અને પરીક્ષા પણ આપવામાં લાપરવાહી રાખતા હતા.
પંખામાં એન્ટિ સ્યુસાઈડ રોડ લગાડાશેઃ કુન્હાડી વિસ્તારના સુવાલકા પર્લ નામની ઈમારતમાં મૃતક આદર્શ પોતાના ભાઈ બહેનો સાથે રહેતો હતો. આ ઈમારતમાં તેમણે એક ફ્લેટ ભાડે રાખ્યો હતો. અહીં પંખામાં એન્ટિ સ્યુસાઈડ રોડ ન હતી. ગંગાસહાય શર્મા કહે છે કે જ્યાં પણ વિદ્યાર્થીઓ રહે છે તે સમગ્ર વિસ્તારનો સર્વે કરાવવામાં આવશે. ફલેટ ઓનર્સને પણ પંખામાં એન્ટિ સ્યૂસાઈડ રોડ લગાડવાનું કહેવામાં આવશે અને પીજીમાં પણ આ રીતની કાર્યવાહી કરવામાં આવશે. સમગ્ર વિસ્તારમાં સર્વે કરવામાં આવશે. મલ્ટી સ્ટોરી બિલ્ડિંગમાં એન્ટી સ્યુસાઈડ રોડ લગાડાશે.
રવિવારે ટેસ્ટ લેવા પર થશે કાર્યવાહીઃ આ મામલે કોટા શહેર એસ.પી. શરદ ચૌધરીએ વાંધો ઉઠાવ્યો છે. રજાના દિવસે કોચિંગ સંસ્થા દ્વારા ટેસ્ટ લેવો એ મોટી ભૂલ છે. કોચિંગ સેન્ટર્સ રવિવારે શા માટે ટેસ્ટ ગોઠવે છે તેની પુછપરછ કરાઈ છે. કોચિંગ સેન્ટર્સ જણાવે છે કે અભ્યાસમાં નબળા વિદ્યાર્થીનો જ રવિવારે ટેસ્ટ લેવામાં આવે છે. જ્યારે અન્ય વિદ્યાર્થીઓને તે દિવસે રજા આપવામાં આવે છે. આ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે જો કોચિંગ સેન્ટર દોષી સાબિત થશે તો તેની કાર્યવાહી કરવામાં આવશે. જે રીતે ટૂરિસ્ટ અને સાયબર સેલ ખોલવામાં આવે છે તે જ રીતે કોચિંગ સેલ પણ ખોલવામાં આવશે. તેના માટે તેઓ પોલીસ હેડક્વાર્ટરને બે દિવસમાં પ્રસ્તાવ મોકલી આપશે. જો પરમિશન મળશે કોટામાં કોચિંગ સેલ પણ શરૂ કરવામાં આવશે. અત્યારે અહીં પોલીસ સ્ટુડેન્ટ હેલ્પ સેલ ચાલુ છે.