શિવપુરી(મધ્ય પ્રદેશ): અમદાવાદથી મધ્ય પ્રદેશ જતી બસમાં 40 મુસાફરો સવાર હતા. શિવપુરી જિલ્લામાં સુભાષપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ બસને અકસ્માત નડ્યો છે. ગુના-શિવપુરી ફોરલેન હાઈવે પરના ડિગ્રી પુલ પાસે આ બસનું ટાયર ફાટ્યું હતું. ટાયર ફાટતા જ ડ્રાઈવરે બસ પરનો કાબૂ ગુમાવી દીધો હતો. ઘાયલોને મોહનના આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે ખસેડાયા છે. વધુ ગંભીર રીતે ઘાયલ થયેલા મુસાફરોને શિવપુરી મેડિકલ કોલેજમાં પણ દાખલ કરવામાં આવ્યા છે. આ બંને સ્થળોએ ઘાયલોની સઘન સારવાર ચાલી રહી છે. ઘાયલ મુસાફરોમાંથી 3 મુસાફરોની હાલત ગંભીર છે.
વહેલી સવારે દુર્ઘટનાઃ અમદાવાથી મધ્ય પ્રદેશના ભીંડ જતી બસ શનિવાર વહેલી સવારે અકસ્માત ગ્રસ્ત થઈ હતી. વહેલી સવાર 5 કલાકે ડિગ્રી પુલ પરથી અત્યંત ઝડપે જતી બસનું ટાયર ફાટતા ચાલકે બસ પરથી કાબૂ ગુમાવી દીધો હતો. જેના પરિણામે બસ પલટી મારી ગઈ હતી. સુભાષપુરા પોલીસ સ્ટેશનના સ્ટેશન ઈન્ચાર્જ કુસુમ ગોયલ જણાવે છે કે અકસ્માતના સમાચાર મળતા જ અમે ઘટના સ્થળે પહોંચીને સ્થિતિ સંભાળી લીધી હતી. ઘાયલોને તાત્કાલિક મેડિકલ ટ્રીટમેન્ટ માટે ખસેડવામાં આવ્યા હતા.
બે સ્થળો પર ઘાયલોને ખસેડાયાઃ શનિવાર વહેલી સવારે લગભગ 5 કલાકના સુમારે બસને અકસ્માત નડ્યો હતો. અકસ્માત થતાં જ મુસાફરોએ કાગારોળ મચાવી દીધી હતી. સ્થાનિકોએ તાત્કાલિક બચાવકાર્ય શરુ કર્યુ અને પોલીસને જાણ કરી હતી. સમચાર મળતા જ સુભાષપુરા પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. ઘટતી કાર્યવાહી કરીને એમ્બ્યૂલન્સ અને પોલીસ વાહનમાં મોહના આરોગ્ય કેન્દ્ર અને શિવપુરી મેડિકલ કોલેજમાં દાખલ કરવામાં આવ્યા. પોલીસે અકસ્માતનું કારણ જાણીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. બસમાં 40 મુસાફરો હતા. જેમાંથી 12 મુસાફરો ઘાયલ થવાના સમાચાર છે. આ ઘાયલોને હાલ બે ઠેકાણે સારવાર અપાઈ રહી છે.