અમદાવાદ: સપ્તાહના ત્રીજા કારોબારી દિવસે બુધવારે શેરબજારમાં મોટો ઘટાડો જોવા મળ્યો (Stock Market Updates) હતો. શરૂઆતના કારોબારમાં સેન્સેક્સ અને નિફ્ટી ખરાબ રીતે તૂટ્યા હતા. કારોબારની શરૂઆતની મિનિટોમાં સેન્સેક્સ 300 પોઈન્ટથી વધુ ઘટીને 66,062 પોઈન્ટ પર આવી ગયો હતો. બીજી તરફ નિફ્ટીની વાત કરીએ તો તે 100 પોઈન્ટ ઘટીને 19,650 પોઈન્ટની નીચે ટ્રેડ થતો જોવા મળ્યો હતો.
20થી વધુ શેરો રેડ ઝોનમાં: ટાટા ગ્રૂપની કંપની ટાટા સ્ટીલ શરૂઆતના કારોબારમાં 30 શેરવાળા બીએસઈ ઈન્ડેક્સમાં સૌથી વધુ ઘટ્યો હતો. આ શેર લગભગ 2 ટકા તૂટ્યો. આ સિવાય એલએન્ડટી, જિંદાલ સ્ટીલ, બજાજ ફાઇનાન્સના શેરમાં પણ કડાકો જોવા મળ્યો હતો. ઈન્ડેક્સના 20થી વધુ શેરો રેડ ઝોનમાં જોવા મળ્યા હતા.
સોના-ચાંદીના ભાવમાં વધારો: વૈશ્વિક બજારોમાં કિંમતી ધાતુઓના ભાવમાં વધારા વચ્ચે રાષ્ટ્રીય રાજધાનીના બુલિયન માર્કેટમાં મંગળવારે સોનું રૂ. 80 વધીને રૂ. 60,430 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. HDFC સિક્યોરિટીઝે આ માહિતી આપી હતી. છેલ્લા ટ્રેડિંગ સેશનમાં સોનું 60,350 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું. ચાંદીની કિંમત પણ 400 રૂપિયાના ઉછાળા સાથે 77,100 રૂપિયા પ્રતિ કિલો પર પહોંચી ગઈ છે.
મંગળવારે બજારની સ્થિતિ: મંગળવારે બજારમાં જબરદસ્ત ઉતાર-ચઢાવ જોવા મળ્યો હતો. બીએસઈનો 30 શેરો વાળા પ્રમુખ ઈન્ડેક્સ સેન્સેક્સ 68.36 પોઈન્ટ અથવા 0.10 ટકા ઘટીને 66,459.31 ના સ્તર પર બંધ થયા છે. ટ્રેડિંગ દરમિયાન એક સમયે તે 66,658.12 પોઈન્ટના ઉપલા સ્તરે અને 66,388.26 પોઈન્ટના નીચલા સ્તરે પણ આવ્યો હતો. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો ઈન્ડેક્સ નિફ્ટી પણ 20.25 પોઈન્ટ અથવા 0.10 ટકાના ઘટાડા સાથે 19,733.55 પર બંધ થયો હતો.