મુંબઈઃ આજે શેરમાર્કેટના ઓપનિંગ બેલ સમયે બીએસઈ ઈન્ડેક્સ સેન્સેક્સ 526 પોઈન્ટ ઘટીને 71,018 પર ખુલ્યો જ્યારે નિફ્ટી 157 પોઈન્ટ ઘટીને 21,414 પર ખુલ્યો છે. આજે બજારમાં વેચવાલીનો માહોલ છે. એશિયન બજારોના સૂચકાંક રેડઝોનમાં ખુલ્યા છે. જો કે નરમાશ વલણનું મુખ્ય કારણ વૈશ્વિક બજારોના નબળા સંકેતોને ગણવામાં આવી રહ્યું છે.
શા માટે ઈન્ડેક્સ માઈનસમાં ખુલ્યા?: અમેરિકન શેર અને ટ્રેઝરીમાં ઘટાડો નોંધાતા તેની સીધી અસર એશિયન માર્કેટ પર પડી રહી છે. એક સંભાવના એવી પણ છે કે માર્ચમાં ફેડરલ રિઝર્વ પોતાના દરમાં ઘટાડો કરી શકે છે. જેના પગલે શેરબજારમાં નરમાશ જોવા મળી રહી છે. ઈન્ટરનેશનલ માર્કેટમાં ક્રુડની કિંમત સતત ઘટી રહી છે. પ્રતિ બેરલ ક્રુડ 80 ડૉલરની નીચે જઈ રહ્યું છે. જો કે પેટ્રોલ ડીઝલના ભાવોમાં કોઈ રાહત જોવા મળી નથી. શેરબજારમાં જે નરમાશ જોવા મળી છે તેનું એક કારણ ક્રુડની કિંમતમાં ઘટાડો પણ ગણવામાં આવી રહ્યું છે. આ કારણોને લીધે ભારતીય શેરબજારના ઈન્ડેક્સ રેડઝોનમાં ખુલ્યા છે.
બુધવારે કેવો રહ્યો વેપાર?:અઠવાડિયાના ત્રીજા દિવસે એટલે કે બુધવારે શેરબજાર રેડઝોનમાં બંધ થયું હતું. નબળા વૈશ્વિક સંકેતો અને એચડીએફસી બેંકની મંદીના લીધે બુધવારે બેંચમાર્કમાં ઝડપથી ઘટાડો થયો હતો. બીએસઈ સેન્સેક્સ 1,628 પોઈન્ટ ઘટીને 71,500 અને એનએસઈ નિફ્ટી 2.09 ટકા ઘટીને 21,571 પર બંધ રહ્યો હતો. આ નબળા વેપારને પરિણામે આજે ગુરુવારે પણ સવારમાં ઓપનિંગ બેલ વખતે શેરમાર્કેટ રેડઝોનમાં ખુલ્યું હતું.
બુધવારે બજાર તૂટવાના કારણોઃ
1. બજારોમાં આવેલી તીવ્ર તેજી પછી રોકાણકારો થોડો પ્રોફિટ બૂક કરી રહ્યા છે. મિડ અને સ્મોલ કેપ ઓવર વેલ્યૂડ થઈ ગયા છે.
2. નબળા વૈશ્વિક સંકેતોએ બજારને નીચે ગબડાવ્યું. ડાઉજોન્સમાં પણ 0.62 ટકા ઘટાડો જોવા મળ્યો હતો.
3. બેંકિગ શેરોમાં ભારે વેચવાલીથી સમગ્ર બજારને અસર થઈ. તેના કારણે બેન્ક નિફ્ટીમાં 2.5 ટકાનો ઘટાડો થયો.
4. ઈઝરાયલ હમાસ યુદ્ધ બાદ ઈરાન અને પાકિસ્તાન વચ્ચેના તણાવને કારણે ફરી જિયો ટેન્શનમાં વૃદ્ધિ થવાની અસર દુનિયાભરના સ્ટોક એક્સ્ચેન્જને થઈ છે.