નવી દિલ્હી: લાંબા સમયથી રમત પ્રશાસક અને દિલ્હી ફૂટબોલના પ્રમુખ શાજી પ્રભાકરન શનિવારે અખિલ ભારતીય ફૂટબોલ ફેડરેશનના (All India Football Federation ) નવા જનરલ સેક્રેટરી તરીકે ચૂંટાયા હતા. AIFFની નવી રચાયેલી એક્ઝિક્યુટિવ કમિટીએ આ નિમણૂક કરી છે. AIFF પ્રમુખ પદ માટેની ચૂંટણીમાં શુક્રવારે કલ્યાણ ચૌબેએ ભાઈચુંગ ભૂટિયાને 33-1થી હરાવ્યા હતા. ચૌબેની અધ્યક્ષતામાં મળેલી કારોબારી સમિતિની પ્રથમ બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો.
પ્રભાકરનના નામની ભલામણ : ચૌબેએ મહાસચિવ પદ માટે પ્રભાકરનના (Shaji Prabhakaran appointed General Secretary ) નામની ભલામણ કરી હતી, જેને સભ્યોએ સર્વાનુમતે સ્વીકારી હતી. AIFFએ એક નિવેદનમાં આ જાણકારી આપી. પ્રભાકરન, જે એઆઈએફએફમાં ફેરફારની માંગ કરી રહેલા જૂથના નેતાઓમાંના એક હતા, તેમણે ચૂંટણી લડી ન હતી. સભ્યોનું સ્વાગત કરતાં ચૌબેએ કહ્યું કે, "આ પ્રથમ વખત છે જ્યારે માનનીય સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર છ ભૂતપૂર્વ અનુભવી ખેલાડીઓ સમિતિનો ભાગ છે."
શિસ્ત એ સફળતાની ચાવી : "આપણે સાથે મળીને કામ કરવું પડશે અને વ્યક્તિગત અહંકાર ભારતીય ફૂટબોલને આગળ લઈ જવાના અમારા ધ્યેયના માર્ગમાં ન આવવો જોઈએ," તેમણે કહ્યું. શિસ્ત એ સફળતાની ચાવી છે અને આપણે જવાબદાર બનવું પડશે.