નવી દિલ્હી : જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપનાર બંધારણની કલમ 370 નાબૂદને પડકારતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટ 11 ડિસેમ્બરે પોતાનો ચુકાદો આપશે. સોમવાર, 11 ડિસેમ્બરના રોજ સર્વોચ્ચ અદાલતની વેબસાઇટ પર અપલોડ કરવામાં આવેલી સૂચિ અનુસાર, મુખ્ય ન્યાયાધીશ ડીવાય ચંદ્રચુડની આગેવાની હેઠળની પાંચ જજોની બંધારણીય બેંચ ચુકાદો આપશે. બેન્ચના અન્ય સભ્યોમાં જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાન્ત છે.
કલમ 370 પર આવશે ચુકાદો : સુપ્રીમ કોર્ટે 16 દિવસની સુનાવણી બાદ 5 સપ્ટેમ્બરે આ કેસમાં પોતાનો નિર્ણય સુરક્ષિત રાખ્યો હતો. સુનાવણી દરમિયાન, સર્વોચ્ચ અદાલતે કલમ 370 નાબૂદ કરવાનો બચાવ કરનારાઓની દલીલો સાંભળી અને એટર્ની જનરલ આર વેંકટરામણી, સોલિસિટર જનરલ તુષાર મહેતા, વરિષ્ઠ વકીલ હરીશ સાલ્વે, રાકેશ દ્વિવેદી, વી ગિરી અને અન્ય કેન્દ્ર તરફથી હાજર રહ્યા. કપિલ સિબ્બલ, ગોપાલ સુબ્રમણ્યમ, રાજીવ ધવન, ઝફર શાહ, દુષ્યંત દવે અને અન્ય વરિષ્ઠ વકીલોએ અરજદારો વતી દલીલો કરી હતી.