નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે સોમવારે આંધ્ર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુની અરજી પર તાત્કાલિક સુનાવણી કરવાનો સાફ ઈનકાર કરી દીધો છે. ચંદ્રબાબુ નાયડુ વિરૂદ્ધ કૌશલ વિકાસ નિગમ કૌભાંડમાં FIR દાખલ કરવામાં આવી છે. નાયડુએ આ FIRને રદ કરતી અરજી પર તાત્કાલિક સુનાવણીની માંગ કરી હતી. સીજેઆઈ ચંદ્રચુડની અધ્યક્ષતાવાળી બેન્ચે તેલુગુ દેશમ પાર્ટીના પ્રમુખ નાયડુ તરફથી દલીલ કરતા વરિષ્ઠ વકીલ સિદ્ધાર્થ લુથરાને કહ્યું કે, આવતીકાલે ઉલ્લેખ સુચિમાં આવો, પછી અમે જોઈશું કે શું કરવું છે. નાયડુના વકીલે ઉલ્લેખ સુચિમાં ન હોવા છતાં તાત્કાલિક સુનાવણીની માંગણી કરી હતી.
નાયડુના વકીલની દલીલઃ લુથરાએ સુપ્રીમ કોર્ટમાં દલીલ કરી કે, આંધ્ર પ્રદેશમાં વિરોધ પક્ષને નિયંત્રણમાં લેવામાં આવી રહ્યો છે, ચંદ્રબાબુ નાયડુ 8 સપ્ટેમ્બરથી જેલમાં છે. સુપ્રીમ કોર્ટે આઉટ ઓફ ટર્ન ઉલ્લેખનો અસ્વીકાર કર્યો અને આવતીકાલે ઉલ્લેખ સુચિમાં સામેલ થવા માટે કહ્યું. આંધ્ર પ્રદેશ હાઈ કોર્ટના ન્યાયાધીશ શ્રીનિવાસ રેડ્ડીની બેન્ચે 22 સપ્ટેમ્બરે નાયડુની અરજી ફગાવી દીધી હતી. ત્યારબાદ નાયડુના વકીલે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી.
સુપ્રીમનો પ્રત્યુત્તરઃ સુપ્રીમમાં કરવામાં આવેલ અરજીમાં જણાવાયું છે કે 21 મહિના પહેલા કરેલ FIRમાં અચાનક નામ નોંધીને નાયડુની ધરપકડ કરવામાં આવી છે. માત્રને માત્ર રાજકીય દુષ્પ્રેરણાથી તેમની ધરપકડ કરવામાં આવી છે. આ ધરપકડથી નાયડુની સ્વતંત્રતા હણવામાં આવી છે. જ્યારે તેમના વિરૂદ્ધ કોઈ નક્કર પુરાવા જ નથી. તેમણે નાયડુ વિરૂદ્ધ તપાસ અને તેમની ધરપકડને ગેરકાયદેસર ગણાવી છે. જેમાં ભ્રષ્ટાચાર અટકાવતા અધિનિયમ 1988ની કલમ 17-એનું ઉલ્લંઘન થયું છે.
શું છે સમગ્ર મામલોઃ ઉલ્લેખનીય છે કે આંધ્ર પ્રદેશ રાજ્યમાં નાયડુની સરકાર સમયે ઉત્કૃષ્ટતા કેન્દ્રોના સમૂહની સ્થાપનાના કૌભાંડનો આરોપ લાગ્યો છે. આ યોજનામાં કુલ 3,300 કરોડની ફાળવણી થઈ હતી. સીઆઈડીએ દાવો કર્યો છે કે કથિત ભ્રષ્ટાચારથી રાજ્ય સરકારને 371 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે. 371 કરોડ રૂપિયા પ્રાઈવેટ સંસ્થાઓ દ્વારા એક પણ પૈસાનું રોકાણ કર્યા પહેલા ફાળવી દેવામાં આવ્યા હતા.