નવી દિલ્હીઃ ઓડિશાના બાલાસોરમાં થયેલા ભયાનક ટ્રેન દુર્ઘટનાને લઈને સુપ્રીમ કોર્ટમાં જનહિતની અરજી દાખલ કરવામાં આવી છે. આ અરજીમાં, સુપ્રીમ કોર્ટને 2 જૂન, 2023 ના રોજ થયેલા ઓડિશા ટ્રેન દુર્ઘટના પર નિવૃત્ત ન્યાયાધીશની અધ્યક્ષતામાં તપાસ પંચ બનાવવાની માંગ કરવામાં આવી છે. સુપ્રીમ કોર્ટના વકીલ વિશાલ તિવારીએ આ અરજી દાખલ કરી છે.
ટ્રેન દુર્ઘટના મામલે અરજી: અરજીમાં કહેવામાં આવ્યું છે કે પંચે બે મહિનામાં કોર્ટમાં પોતાનો રિપોર્ટ દાખલ કરવો જોઈએ. અરજીમાં રેલ્વે પ્રણાલીમાં વર્તમાન જોખમ અને સલામતી માપદંડોનું વિશ્લેષણ અને સમીક્ષા કરવા અને સૂચનો કરવા માટે ટેકનિકલ સભ્યો સાથે નિવૃત્ત સુપ્રીમ કોર્ટના જજની અધ્યક્ષતામાં નિષ્ણાત કમિશનની રચનાની પણ માંગ કરવામાં આવી છે. જાહેર સલામતી સુનિશ્ચિત કરવા માટે ભારતીય રેલ્વેમાં કવચ સુરક્ષા સિસ્ટમ તરીકે ઓળખાતી ઓટોમેટિક ટ્રેન પ્રોટેક્શન સિસ્ટમના અમલીકરણ માટે તાત્કાલિક અસરથી માર્ગદર્શિકા જારી કરવામાં આવશે. રેલ સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે માર્ગદર્શિકા પણ બનાવવી જોઈએ.
ઉચ્ચ સ્તરીય તપાસ કરાશે: જો કે કેન્દ્રીય રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવ, વડાપ્રધાન મોદી અને ઘણા મોટા નેતાઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને બચાવ કામગીરીની સમીક્ષા કરી હતી. વૈષ્ણવે શનિવારે જણાવ્યું હતું કે વિગતવાર ઉચ્ચ સ્તરીય તપાસ હાથ ધરવામાં આવશે અને રેલવે સુરક્ષા કમિશનર પણ સ્વતંત્ર તપાસ કરશે.
288 લોકોના મોત: ઉલ્લેખનીય છે કે 2 જૂન, 2023ના રોજ બાલાસોર જિલ્લામાં શુક્રવારે સાંજે લગભગ 7 વાગ્યે શાલીમાર-ચેન્નઈ સેન્ટ્રલ કોરોમંડલ એક્સપ્રેસ અને બેંગલુરુ-હાવડા એક્સપ્રેસ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી અને માલગાડી સાથે અથડાઈ હતી, જેમાં લગભગ 288 લોકોના મોત થયા હતા. અને 1,100 થી વધુ મુસાફરો ઘાયલ થયા હતા.