નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટે શુક્રવારે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની લોકસભા સભ્યપદની પુનઃસ્થાપનાને પડકારતી અરજીને ફગાવી દીધી હતી અને અરજદાર પર 1 લાખ રૂપિયાનો દંડ લાદ્યો હતો. જસ્ટિસ બી.આર. ગવઈની આગેવાની હેઠળની બેન્ચે કહ્યું કે અરજી કાયદાની પ્રક્રિયાનો દુરુપયોગ છે કારણ કે અરજદારના કોઈ મૂળભૂત અધિકારનું ઉલ્લંઘન કરવામાં આવ્યું નથી. સુપ્રીમ કોર્ટ રાહુલ ગાંધીની લોકસભા સભ્યપદની પુનઃસ્થાપનાને પડકારતી વકીલ અશોક પાંડેની અરજી પર સુનાવણી કરી રહી હતી.
સુપ્રીમ કોર્ટે સજા પર લગાવી રોક: સુપ્રીમ કોર્ટે 4 ઓગસ્ટના રોજ રાહુલ ગાંધીને તેમના 'મોદી' સરનેમ પરની ટિપ્પણી સંબંધિત કેસમાં દોષિત ઠેરવવા પર રોક લગાવ્યા બાદ લોકસભા સચિવાલયે ગાંધીનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું હતું. કોંગ્રેસના નેતાને માર્ચ 2023માં સંસદના નીચલા ગૃહમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા. આ કેસમાં ગુજરાત હાઈકોર્ટે 7 જુલાઈએ જ રાહુલ ગાંધીની સજા પર સ્ટે મૂકવાની અરજીને ફગાવી દીધી હતી. જો કે રાહુલ ગાંધીએ આ અંગે સુપ્રીમ કોર્ટના દ્વાર ખટખટાવ્યા હતા, જ્યાં સુપ્રીમ કોર્ટે સુરતની સેશન્સ કોર્ટે કરેલ સજા પર રોક લગાવી દીધી હતી.
પૂર્ણેશ મોદીએ કર્યો હતો કેસ: ભાજપના નેતા પૂર્ણેશ મોદીએ 2019માં રાહુલ ગાંધી વિરુદ્ધ ફોજદારી માનહાનિનો કેસ દાખલ કર્યો હતો. આ મોદી સરનેમ અંગેની ટિપ્પણી 13 એપ્રિલ, 2019ના રોજ કર્ણાટકના કોલારમાં એક ચૂંટણી રેલી દરમિયાન કરવામાં આવી હતી. ફરિયાદી પૂર્ણેશ મોદીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરુદ્ધ માનહાનિના કેસમાં 7 જુલાઈએ સુપ્રીમ કોર્ટમાં કેવિયેટ દાખલ કરી હતી.