નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટે પત્નીને છોડીને ઓસ્ટ્રેલિયા જતા રહેલા પતિને ભરણ પોષણ પેટે 1.25 કરોડ રુપિયા ચૂકવવાનો હુકમ કર્યો છે. ઓસ્ટ્રેલિયામાં રહેતા વરુણ નામક એનઆરઆઈને સુપ્રીમ કોર્ટે પોતાના ભાગની પૈતૃક સંપત્તિ વેચીને પત્નીને ભરણપોષણ ચૂકવવાનો આદેશ કર્યો છે. વરુણે પોતાની પત્નીનો સાથ છોડી દીધો હતો અને ભરણ પોષણ ચૂકવવાનો ઈન્કાર કર્યો હતો. વરુણ પોતાની પત્નીને છોડીને ઓસ્ટ્રેલિયા સ્થાયી થયો હતો.
6 દુકાનો શ્રેષ્ઠ કિંમતે વેચોઃ ન્યાયાધીશ એસ રવિન્દ્ર ભટની અધ્યક્ષતાવાળી બેન્ચે રજિસ્ટ્રારને વરુણની 6 દુકાનો શ્રેષ્ઠ કિંમતે વેચવાનો આદેશ કર્યો છે. બેન્ચે જણાવ્યું કે આ અદાલતમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં વરુણના પિતા દ્વારા રજૂ કરેલ સોગંદનામુ અને બેન્ક એકાઉન્ટ્સની માહિતી છે. જેના પરથી માહિતી મળે છે કે વરુણને ખૂબ મોટી માત્રામાં નાણાં સમય સમય પર ચૂકવવામાં આવ્યા છે. બેન્ચે વરુણ અને તેના પિતા મોહન ગોપાલના અપમાનજનક આચરણની આલોચના કરી હતી. બાપ બેટાએ વારંવાર બહાના કાઢીને સુપ્રીમ કોર્ટના આદેશના પાલનમાં વિઘ્નો ઊભા કર્યા હતા.
કુલ 1.25 કરોડનું ભરણપોષણઃ બેન્ચે પ્રોપર્ટી વેચવા માટે 6 મહિનાનો સમય આપ્યો છે. બેન્ચે આ પ્રોપર્ટી વેચીને રસીદ જમા કરાવીને અરજીકર્તાને રકમ ચૂકવવા આદેશ કર્યો છે. જો વેચાણ સમયસર ન થાય તો ત્યાં સુધી આ સંપત્તિ અરજીકર્તા સાથે એટેચ કરવામાં આવશે. અન્ય દુકાનોનું ભાડુ 55,000 પ્રતિ માસ આવે છે તે ચાલુ રહેશે અને વરુણ તથા તેના પિતાએ સંપત્તિ વેચીને મહિલાને 1.25 કરોડ રુપિયા ભરણ પોષણ પેટે આપવાના રહેશે.