નવી દિલ્હી : સુપ્રીમ કોર્ટ 2013માં થયેલી વરિષ્ઠ પોલીસ અધિકારી ડીએસપી ઝિયા ઉલ હકની નૃશંસ હત્યાના કેસમાંં ઉત્તર પ્રદેશના વર્તમાન વિધાયક રધુરાજ પ્રતાપસિંહ ઊર્ફે રાજા ભૈયાની ભૂમિકાની સીબીઆઈ દ્વારા તપાસનો માર્ગ ખુલ્લો કરી આપ્યો છે. રાજા ભૈયા વર્તમાનમાં કુંડા વિધાનસભા સદસ્ય છે.
સુપ્રીમ કોર્ટે શું કહ્યું : જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને બેલા એમ ત્રિવેદીની બેન્ચે તેમના અભિપ્રાયમાં જણાવ્યું હતું કે, 'હાઈકોર્ટે પુનઃ-તપાસ અને વધુ તપાસ વચ્ચે હાયપર-ટેક્નિકલ અભિગમ અપનાવ્યો હતો. અલાહાબાદ હાઈકોર્ટે કહ્યું હતું કે 8 જુલાઈ, 2014ના રોજ આપવામાં આવેલ વિશેષ સીબીઆઈ કોર્ટનો આદેશ ' ફરી તપાસ ' સમાન છે. સુપ્રીમ કોર્ટે નવેમ્બર 2022ના હાઇકોર્ટ દ્વારા પસાર કરાયેલા આદેશને રદબાતલ કર્યો હતો જેણે ટ્રાયલ કોર્ટના જુલાઈ 2014ના નિર્ણય પર સ્ટે મૂક્યો હતો.
ટ્રાયલ કોર્ટે પણ તપાસ કરવા કહ્યું હતું : તેેમાં સીબીઆઈ દ્વારા રાજા ભૈયા અને તેના ચાર સાથીઓ સામે રજૂ કરાયેલ ક્લોઝર રીપોર્ટને ફગાવી દેવામાં આવ્યો હતો અને આ કેસમાં વધુ તપાસનો આદેશ આપવામાં આવ્યો હતો. ટ્રાયલ કોર્ટે સીબીઆઈને રાજા ભૈયાની ભૂમિકાની તપાસ કરવા કહ્યું હતું. રાજા ભૈયા તે સમયે રાજ્ય સરકારમાં પ્રધાનપદે હતા. આ ઉપરાંત કુંડા નગર પંચાયતના તત્કાલીન પ્રમુખ ગુલશન યાદવ અને કુંડાના ધારાસભ્યના ત્રણ સાથી હરિઓમ શ્રીવાસ્તવ, રોહિત સિંહ અને ગુડ્ડુ સિંહની પણ તપાસ કરવામાં આવી હતી.
ટ્રાયલ કોર્ટની ભૂલ નથી : નીચલી અદાલતના આદેશને બહાલ કરતી વખતે સુપ્રીમ કોર્ટેે કહ્યું કે વધુ તપાસના આદેશમાં મેજિસ્ટ્રેટ તરફથી કોઈ ભૂલ થઇ નથી. મૃતક અધિકારીની વિધવા પરવીન આઝાદ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુપ્રીમ કોર્ટનો આ નિર્ણય આવ્યો છે. જેની 2 માર્ચ 2013ના રોજ ફરજ પર હતા ત્યારે હત્યા કરવામાં આવી હતી. ઘટના બાદ તરત જ પરવીન આઝાદે પોલીસને કરેલી ફરિયાદમાં આરોપીઓના નામ આપ્યાં હતાં.
મૃતક ડીએસપી ગોળીનો શિકાર બન્યાં હતાં : પરવીન આઝાદે સર્વોચ્ચ અદાલત સમક્ષ પોતાની અરજીમાં સીબીઆઈ પર આ કેસમાં રાજા ભૈયાની ભૂમિકા તરફ ઈશારો કરતા નિર્ણાયક તથ્યોની અવગણના કરવાનો આરોપ મૂક્યો હતો. સાથે એવો પણ સવાલ ઉઠાવ્યો હતો કે પોલીસની ટીમે તેમના પતિને કેવી રીતે છોડી દીધાં કારણ કે અન્ય કોઈ પોલીસકર્મીની ધરપકડ કરવામાં આવી ન હતી. ચાર લોકો દ્વારા ગામના વડા નન્હે યાદવની હત્યા કર્યા બાદ ડીએસપી હક કુંડાના બલ્લીપુર ગામમાં પહોંચ્યાં હતાં. તેઓ યાદવને હોસ્પિટલ લઈ ગયા હતાં પરંતુ તેને બચાવી શકાયો નહીં. બાદમાં જ્યારે તે યાદવના મૃતદેહને ગામમાં પરત લાવી રહ્યા હતાં ત્યારે 300 લોકો એકઠા થઈ ગયા હતાં અને ડીએસપી ટોળાના હુમલાનો શિકાર બન્યાં ત્યારે રાજા ભૈયાના એક કથિત સહયોગીએ પોલીસ અધિકારીને ગોળી મારી દીધી. જે તેમના માટે જીવલેણ સાબિત થઈ. સીબીઆઈએ 31 જુલાઈ, 2013ના રોજ તેમની ફરિયાદ પર ક્લોઝર રિપોર્ટ સબમિટ કર્યા બાદ આઝાદે વિરોધ અરજી દાખલ કરી હતી.