નવી દિલ્હીઃ સોમવારે સુપ્રીમ કોર્ટે વકીલોને સીનિયર એડવોકેટ્સ તરીકે નામાંકન કરતી પ્રક્રિયાને પડકારતી અરજી પર સુનાવણી કરી હતી. આ સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે સીનિયર એડવોકેટ્સ નામાંકન પ્રક્રિયાને યોગ્ય ઠેરવી છે. ન્યાયાધીશ સંજય કિશન કૌલની બેન્ચે વકીલ મેથ્યૂઝ અને અન્ય સાત વકીલોએ દાખલ કરેલી અરજીને ફગાવતા જણાવ્યું કે અરજીકર્તાઓ એક અપમાનજનક અભિયાન ચલાવી રહ્યા છે જે કમનસીબી છે.
અરજીકર્તાની દલીલઃ અરજીકર્તાઓએ દલીલ કરી હતી કે સીનિયર એડવોકેટ્સનો લાભ જે વર્ગને અપાય છે તેમાં ન્યાયાધીશો, વરિષ્ઠ વકીલો, રાજનેતાઓ અને પ્રધાનોના સગાસંબંધીને લાભ પહોંચાડવામાં આવે છે. બેન્ચમાં ન્યાયાધીશ સી.ટી. રવિકુમાર અને ન્યાયાધીશ સુધાંશુ ધુલિયાનો પણ સમાવેશ થાય છે. બેન્ચે જણાવ્યું કે સંવૈધાનિક અદાલતોમાં સીનિયર એડવોક્ટ્સ નામાંકન કરતી પ્રક્રિયા સમજણયુક્ત અને યોગ્ય મેટ્રિક્સ પર આધારિત છે.
વર્ષો જૂની પરંપરાઃ સંયુક્ત બેન્ચે 1961ના અધિવક્તા અધિનિયમના પ્રાસંગિક પ્રાવધાનોને યોગ્ય ગણાવતા કહ્યું કે સીનિયર એડવોકેટ્સને નામાંકન કરતી પ્રક્રિયા કૃત્રિમ અથવા વ્હાલા દવલા નીતિ આધારિત નથી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ પ્રક્રિયા કાયદા અને ન્યાયશાસ્ત્રના વિકાસની પ્રક્રિયામાં કોર્ટને મદદરૂપ થતા વકીલોની વર્ષો જૂની પરંપરાને અનુરુપ છે. અરજીકર્તાએ અધિવક્તા અધિનિયમની કલમ 16 અને 23(5)ની માન્યતાને પડકારતા જણાવ્યું કે આ પ્રક્રિયા વકીલો, સીનિયર એડવોકેટ્સને બે ભાગમાં વહેંચી દે છે.
જુનિયર સભ્યોને અન્યાયનો આરોપ ફગાવ્યોઃ સુપ્રીમ કોર્ટે ઈન્દિરા જયસિંહ વિરુદ્ધ ભારત સંઘ મામલે ચુકાદામાં સીનિયર એડવોકેટ્સની પ્રક્રિયાને સુવ્યવસ્થિત કરવા માટે વિસ્તૃત નિર્દેશ આપ્યાની નોંધ કરી છે. બેન્ચે અરજીકર્તાઓના સીનિયર એડવોકેટ્સ નામાંકન પ્રક્રિયાથી જુનિયર સભ્યોને અન્યાય થઈ રહ્યો છે તે આરોપને પણ ફગાવી દીધો હતો. સુપ્રીમ કોર્ટે કહ્યું કે મોટી સંખ્યામાં અગાઉની પેઢીના વકીલોએ મહેનતથી પોતાની ઓળખ બનાવી છે અને સીનિયર ડેઝિગ્નેશન મેળવ્યું છે.