ઉત્તરકાશીઃ 41 મજૂરો 14 દિવસથી સિલક્યારા ટનલમાં ફસાયા છે. ફસાયેલા મજૂરોને બહાર કાઢવા માટે અમેરિકન હેવી ઓગર મશિન ડ્રિલ કરી રહ્યું છે. જો કે ડ્રિલિંગમાં ટનલના સળિયા અને લોખંડના પાઈપ જ નડતરરુપ બની રહ્યા છે. શુક્રવાર સાંજથી ડ્રિલિંગ ચાલુ છે પણ 1 મીટર ડ્રિલિંગ થયા બાદ લોખંડના સળિયા અને પાઈપ માર્ગમાં આવી જતા ડ્રિલિંગ અટકી ગયું છે.
સિલક્યારા ટનલમાં અંદર ફસાયેલ મજૂરો બહાર નીકળવાની રાહ જોઈ રહ્યા છે. તેઓ બહાર આવે તે ક્ષણ વિશે અત્યારે કંઈ પણ કહેવું મુશ્કેલ છે. કંઈકને કંઈક નડતરને પરિણામે મજૂરોની બહાર નીકળવાની ક્ષણ દૂર થતી જાય છે. 800 એમએમના હ્યુમ્સ પાઈપ મજૂરો સુધી પહોંચવાના જ હતા ત્યાં જ કાટમાળમાં રહેલા સળિયા ઓગર મશિનના કટર સાથે ટકરાયા. જેના પરિણામે ઓગર મશિનનો કેટલોક ભાગ તુટી ગયો હતો.
શુક્રવારે ડ્રિલિંગ શરુ થયું ત્યારે આશા હતી કે મોડી રાત્રે રેસ્ક્યૂ ઓપરેશન પૂર્ણ થશે અને મજૂરો બહાર નીકળી શકશે. જો કે રેસ્ક્યૂ ઓપરેશન દરમિયાન લોખંડના સળિયા અને પાઈપ્સ બાધા બની રહ્યા છે. એનએચઆઈડીસીએલના મહાપ્રબંધક કર્નલ દીપક પાટિલે કહ્યું કે મશીનની આગળ વારંવાર લોખંડની ચીજવસ્તુઓ આવી જાય છે જેનાથી ડ્રિલિંગ પર અસર થઈ રહી છે. અત્યાર સુધી 47 મીટર ડ્રિલિંગ થયું છે. 10 મીટર જેટલું ડ્રિલિંગ થવાનું બાકી છે.
12 નવેમ્બર દિવાળીની સવારથી 41 મજૂરો ચારધામ રોડ પરિયોજનાની નિર્માણાધીન ટનલમાં ફસાયા હતા. 12 નવેમ્બરે જ આ ટનલમાં રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. દેશ અને દુનિયાના તમામ મોટા ડિઝાસ્ટર મેનેજમેન્ટના નિષ્ણાંત આ ટનલના રેસક્યૂ ઓપરેશનમાં મદદ કરી રહ્યા છે. જો કે 14 દિવસ બાદ આજ પણ સફળતા મળી નથી.