પૂનાઃ રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટીના પ્રમુખ શરદ પવારે શુક્રવારે ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો વિશે નિવેદન આપ્યું છે. તેમણે રાજસ્થાન અને મધ્ય પ્રદેશ રાજ્યોમાં આવી રહેલી ચૂંટણી મુદ્દે ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષોમાં વિખવાદ ન થાય તેવી સાવચેતી રાખવા જણાવ્યું છે.
ઈન્ડિયા ગઠબંધનમાં 24થી વધુ પક્ષોઃ આવતા વર્ષે લોકસભાની ચૂંટણી આવી રહી છે. જેમાં ભાજપ અને મોદીને રોકવા માટે ઈન્ડિયા(ઈન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઈંક્લુસિવ અલાયન્સ) ગઠબંધનની રચના કરવામાં આવી છે. આ ગઠબંધનમાં 24થી વધુ પક્ષો જોડાઈ ચૂક્યા છે.
વિખવાદનું સમાધાન જરૂરીઃ પશ્ચિમ બંગાળમાં કેટલીક બેઠકો પર કૉંગ્રેસે દાવો કર્યો છે. પશ્ચિમ બંગાળ મુદ્દે ઈન્ડિયન ગઠબંધનના પક્ષોમાં તણાવ જોવા મળી રહ્યો હોવાનો પ્રશ્ન શરદ પવારને કરવામાં આવ્યો હતો. તેમણે ઉત્તર આપ્યો કે, પશ્ચિમ બંગાળમાં નજીકના ભવષ્યમાં કોઈ ચૂંટણી નથી. જે ચાર પાંચ રાજ્યોમાં ચૂંટણીઓ નજીક હોય તેનો વિચાર અમે પહેલા કરીશું. રાજસ્થાન અને મધ્ય પ્રદેશ રાજ્યોમાં દરેક સાથી પક્ષ હળીમળીને ચૂંટણી લડે તેના પર અમે કામ કરીશું. જ્યારે ચૂંટણી નજીક હોય ત્યારે સાથી પક્ષો વચ્ચે મનભેદ અને વિખવાદ થવો સ્વાભાવિક છે, પણ અમે દરેક વિખવાદના સમાધાન માટે ગઠબંધનના નિષ્પક્ષ નેતાઓને મોકલીશું.
સાથી પક્ષો સાથે વાતચીતઃ મુંબઈ પરત ફરીશ ત્યારે હું કૉંગ્રેસ અને અન્ય સાથી પક્ષો સાથે વાતચીત કરીશ. ઈન્ડિયા ગઠબંધનના સાથી પક્ષો વચ્ચે કોઈ વિખવાદ કે મનભેદ ન થાય તે અમે સુનિશ્ચિત કરીશું. આ મદ્દે અમે 8થી 10 દિવસમાં વાતચીત શરૂ કરીશું. આવનારા ભવિષ્યમાં છત્તીસગઢ, મિઝોરમ, મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને તેલંગાણામાં વિધાનસભા ચૂંટણીઓ આવી રહી છે.