જયપુરઃ રાજસ્થાન વિધાનસભા ચૂંટણી અંતર્ગત ચૂંટણી પંચ તરફથી મતદાન વધે તે માટે અને મતદારોને આકર્ષિત કરવા આદર્શ મતદાન કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. શહેરી વિસ્તારની દરેક વિધાનસભા બેઠકમાં બે અને ગ્રામીણ વિસ્તારની દરેક વિધાનસભા બેઠકમાં એક આદર્શ મતદાન કેન્દ્ર બનાવાયું છે. આ મતદાન કેન્દ્રને દિવાળીમાં જેમ ઘર શણગારવામાં આવે તે રીતે શણગારવામાં આવ્યું છે. મતદાતા માટે ખાસ કાર્પેટ મુકવામાં આવી છે જેના પર ચાલીને મતદાતા મતદાન કરી રહ્યા છે. મતદાતા માટે વેઈટિંગ લોંજ પણ બનાવવામાં આવી છે.
દિવાળીમાં લોકો પોતાના ઘર અને વેપારીઓ પોતાની દુકાન શણગારે છે તેમ લોકતંત્રના આ મહાપર્વને ઉજવવા માટે આદર્શ મતદાન કેન્દ્રને શણગારવામાં આવ્યા છે. જયપુર જિલ્લાની 19 વિધાનસભા બેઠકોના કુલ 4691 મતદાન કેન્દ્રમાંથી 29 મતદાન કેન્દ્રને આદર્શ મતદાન કેન્દ્રનું સ્વરુપ આપવામાં આવ્યું છે. જ્યાં મતદાતાઓ માટે કાર્પેટ બિછાવવામાં આવી છે. પાણી ઉપરાંત વેઈટિંગ લોંજની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. યુવા મતદાતાઓને આકર્ષિત કરવા માટે સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવ્યા છે. પ્રથમ વખત મતદાન કરનાર વોટર્સને જિલ્લા ચૂંટણી અધિકારીની સહીવાળું પ્રમાણ પત્ર પણ એનાયત કરવામાં આવી રહ્યું છે.
વોટર આસિસ્ટન્ટ બૂથ પર હાજર બીએલઓએ જણાવ્યું કે સામાન્ય મતદાન કેન્દ્રની સાપેક્ષે આદર્શ મતદાન કેન્દ્રમાં ટેન્ટની સગવડ કરવામાં આવી છે. કુટુંબ સાથે આવતા મતદાતાઓ વોટિંગ બાદ બેસી શકે તે માટે વેઈટિંગ લોજ પણ બનાવવામાં આવી છે. લાંબી લાઈનમાં ઊભેલા મતદાતાઓને વોલિયન્ટર્સ દ્વારા પાણી પણ પીવડાવવામાં આવી રહ્યું છે. સમગ્ર મતદાન કેન્દ્રમાં રંગોળીની સજાવટ કરવામાં આવી છે. સેલ્ફી પોઈન્ટ બનાવાયા છે. આ સેલ્ફી પોઈન્ટ પર લીધેલ સેલ્ફીને @deojaipur સાથે ટેગ કરી શકાય છે. જેમાં વધુ લાઈક મળનાર સેલ્ફીને ઈનામ આપવામાં આવશે. તેમજ વિભાગની ઓફિશિયલ વેબસાઈટ પર સેલ્ફી અપલોડ કરનારને ડિજિટલ સર્ટિફિકેટ પણ આપવામાં આવશે.
લોકતંત્રના આ મહાપર્વને પોતાના મતદાનથી ઉજવવા માટે દરેક વર્ગના મતદાતાઓ પહોંચી રહ્યા છે. આદર્શ મતદાન કેન્દ્રમાં તો મતદાતાનો ઉત્સાહ ખૂબ જ જોવા મળી રહ્યો છે. મતદાતાઓ પોતાના મતથી એવા ઉમેદવારને ચૂંટવા માંગે છે જે ઉમેદવાર જવાબદારી નિભાવી શકે. 85 વર્ષીય મતદાતા કહે છે કે તેમણે અનેક સરકાર ચૂંટવા માટે મતદાન કર્યુ છે પરંતુ આ આદર્શ મતદાન કેન્દ્ર પ્રથમવાર જોયું છે. આદર્શ મતદાન કેન્દ્રમાં મતદાતાને કોઈપણ પ્રકારની મુશ્કેલી પડતી નથી. આ કારણથી જ ચૂંટણી પંચના આ પ્રયાસને ચારેકોરથી પ્રશંસા મળી રહી છે.