પુણે : કસ્ટમ વિભાગે સોનાની દાણચોરીના કેસમાં પુણે એરપોર્ટ પરથી એક મહિલાની ધરપકડ કરી છે. ઝડપાયેલા સોનાની કિંમત 20 લાખ રૂપિયા જણાવવામાં આવી છે. મહિલાએ પ્રાઈવેટ પાર્ટમાં સોનું છુપાવ્યું હતું. એવું કહેવાય છે કે, કસ્ટમ વિભાગને માહિતી મળી હતી કે એક મહિલા દુબઈથી સોનું લાવી રહી છે. જેના આધારે પોલીસે એરપોર્ટ પર ચેકિંગ વધારી દીધું હતું અને જ્યારે દુબઈની ફ્લાઈટ પુણે પહોંચી, ત્યારે સુરક્ષાકર્મીઓએ એક મહિલાને ગભરાઈને એરપોર્ટની બહાર નીકળતી જોઈ. શંકાના આધારે તેણે મહિલાને રોકી અને તેની પૂછપરછ શરૂ કરી હતી.
મહિલાએ ગુપ્તાંગમાં છુપાવ્યો માલ : આ દરમિયાન જાણવા મળ્યું હતું કે, મહિલાએ પોતાના ગુપ્તાંગમાં સોનાની ધૂળ ભરેલી કેપ્સ્યુલ છુપાવી હતી. આ પછી મહિલાને હોસ્પિટલમાં લઈ જવામાં આવી અને એક્સ-રેથી તેની તપાસ કરવામાં આવી. કસ્ટમ વિભાગે મહિલા પાસેથી 20 લાખ 30 હજાર રૂપિયાની કિંમતનો 423 ગ્રામ 41 મિલિગ્રામ ગોલ્ડ પાવડર જપ્ત કર્યો છે. ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં મુંબઈ એરપોર્ટ પર દાણચોરો વિરુદ્ધ કાર્યવાહી કરતી વખતે કસ્ટમ્સ વિભાગે કુલ 604 કિલો રિકવર કર્યું હતું. આ જપ્ત કરાયેલા સોનાની કિંમત 360 કરોડ રૂપિયા હતી. તે જ સમયે, છેલ્લા છ મહિનામાં કેન્દ્રીય ગુપ્તચર એજન્સીએ મુંબઈ એરપોર્ટ પર 144 કિલો સોનું જપ્ત કર્યું છે. આ સિવાય તાજેતરના એક દાણચોરી અભિયાનમાં એવું જોવા મળ્યું છે કે, સોનાનો પાવડર શરીરમાં છુપાવીને રાખવામાં આવ્યો હતો.
10 કિલોથી વધુ સોનું જપ્ત : અગાઉ, મહારાષ્ટ્રના ડિરેક્ટોરેટ ઑફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) મુંબઈએ બે અલગ-અલગ કેસમાં આશરે 6.2 કરોડની કિંમતનું 10 કિલોથી વધુ સોનું જપ્ત કર્યું હતું. અધિકારીઓએ આ વિશે જણાવ્યું હતું કે, આ કેસમાં ચાર પ્રવાસીઓની ધરપકડ કરવામાં આવી છે. અન્ય એક કિસ્સામાં, ચોક્કસ બાતમીના આધારે, શારજાહથી મુંબઈ જતી એર ઈન્ડિયા એક્સપ્રેસ ફ્લાઈટ નંબર IX 252 ના બે પ્રવાસીઓને અટકાવવામાં આવ્યા હતા.