- પુલવામા હુમલામાં શહીદ મેજર વિભૂતિની પત્ની નિતિકા બની લેફ્ટનન્ટ
- કોલેજમાં મળ્યા હતા વિભૂતિ અને નિતિકા
- પતિને આપેલું વચન પૂર્ણ કર્યું નિતિકા ઢૌંડિયાલે
દહેરાદૂન / ચેન્નઈ: જમ્મુ-કાશ્મીરના પુલવામા હુમલામાં શહીદ થયેલા મેજર વિભૂતિ ઢૌંડિયાલ (Major Vibhooti Dhaundiyal)ની પત્ની નિતિકા ઢૌંડિયાલ ભારતીય સેના (Indian Army) માં સામેલ થયા છે. નિતિકા ઢૌંડિયાલ (Nitika Dhaundiyal) સેનામાં લેફ્ટનન્ટ તરીકે જોડાયા છે. આપને જણાવી દઈએ કે, નિતિકા ઢૌંડિયાલ મેજર વિભૂતિ ઢૌંડિયાલ (Major Vibhooti Dhaundiyal)ના પત્ની છે, જે 18 ફેબ્રુઆરી 2019 ના રોજ પુલવામા હુમલા બાદ સર્ચ ઓપરેશન દરમિયાન શહીદ થયા હતા. જ્યારે તેના પતિને શ્રદ્ધાંજલિ આપતો વીડિયો વાયરલ થયો ત્યારે તેના જુસ્સાની સમગ્ર દેશના લોકોએ પ્રશંસા કરી હતી. નિતિકાએ પતિની શહાદત બાદ થોડા દિવસો પછી જ સેનામાં જોડાવાનું મન બનાવ્યું હતું.
આ પણ વાંચો: પુલવામા હુમલાની આજે પ્રથમ વરસી, શહીદોને અપાઈ શ્રદ્ધાંજલી
પુલવામા હુમલામાં શહીદ મેજર વિભૂતિની પત્ની નિતિકા બની લેફ્ટનન્ટ
નોઇડામાં એક સોફટવેર કંપનીમાં નોકરી કરતી નિતિકાએ નોકરી છોડી ડિસેમ્બર 2019માં અલ્હાબાદમાં વુમેન સ્પેશિયલ એન્ટ્રી સ્કીમની પરીક્ષા આપી હતી. તેણે ગયા વર્ષે જ પરીક્ષા પાસ કરી હતી. તેણે સ્ક્રીનીંગ ટેસ્ટ, સાયકોલોજિકલ ટેસ્ટ, ગ્રાઉન્ડ ટેસ્ટ, ઇન્ટરવ્યૂ અને મેડિકલ ટેસ્ટ પાસ કર્યા હતા.
માર્ચ 2020માં આનું મેરિટ લિસ્ટ જાહેર થયું. મેરિટ લિસ્ટ જાહેર થયા બાદ ચેન્નઈની ઓફિસર્સ ટ્રેનિંગ એકેડમી (OTA) તરફથી નિતિકાને કોલ લેટર મળી ગયો હતો. હવે તાલીમ પૂર્ણ કર્યા બાદ નિતિકા સૈન્યનો યૂનિફોર્મ પહેરી લેફ્ટનન્ટ તરીકે સત્તાવાર રીતે સેનામાં જોડાયા છે. ઉલ્લેખનીય છે કે, મેજર વિભૂતિની શહાદત બાદ સોશિયલ મીડિયા પર નિતિકાનો તેના પતિને વિદાય આપતો ભાવનાત્મક વીડિયો વાયરલ થયો હતો.
કોલેજમાં મળ્યા હતા વિભૂતિ અને નિતિકા
નિતિકા અને મેજર ઢૌંડિયાલ કોલેજમાં પ્રથમ વખત મળ્યા હતા. એપ્રિલ 2018માં તેમના લગ્ન થયાં પરંતુ પુલવામા એટેક પછીની લગ્નની પહેલી વર્ષગાંઠના થોડા મહિના પહેલા જ તેઓએ તેમના પતિ મેજર વિભૂતિ ઢૌંડિયાલને ગુમાવી દીધા હતા. જો કે, 18 ફેબ્રુઆરીએ નિતિકાએ તેમના પતિની પ્રથમ પુણ્યતિથિ પર સેનામાં જોડાવાની અને દેશની સેવા કરવાની વાત કહી હતી.
આ પણ વાંચો: પુલવામા હુમલાને આજે એક વર્ષ થયુ: શહીદોની યાદમાં બનાવેલા સ્મારકનું આજે ઉદ્ઘાટન
પુલવામામાં શહીદ થયા હતા મેજર વિભૂતિ
પુલવામામાં CRPFના કાફલા પર હુમલો થયા બાદ સેનાએ આતંકવાદીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરી હતી. આ કામગીરીમાં મેજર વિભૂતિ તેમની ટીમનું નેતૃત્વ કરી રહ્યા હતા. આ દરમિયાન પુલવામા હુમલાના માસ્ટર માઇન્ડને મેજર વિભૂતિની ટીમે માર્યો ગયો પરંતુ મેજર વિભૂતિએ આતંકવાદીઓ સામેની લડાઈમાં વીરગતિ પ્રાપ્ત કરી હતી.
....જ્યારે સમગ્ર દેશ થયો હતો ભાવુક
મેજર વિભૂતિ ઢૌંડિયાલની શહાદત પછી પણ નિતિકા નબળી પડી ન હતી. 19 ફેબ્રુઆરી 2019ના રોજ જ્યારે નિતિકાએ દેહરાદૂનમાં પતિના નશ્વર શરીરની પાસે ઉભા રહીને ઉષ્માભર્યા શબ્દો બોલ્યા તો ત્યાં હાજર દરેક વ્યક્તિનું હૃદય ભાવુક થઈ ગયું હતું.
"તમે ખોટું બોલતા હતા કે તમે મને પ્રેમ કરો છો
તમે તો દેશને પ્રેમ કરો છો
મને તે જોઈને ઇર્ષ્યા થાય છે કે
તમે જેને ઓળખતા પણ નહોંતા...તેના માટે જીવ આપ્યો
તમે મને ધ્યાન કેન્દ્રિત રાખવાનું શીખવ્યું
વિભૂતિ હું તમને છેલ્લા શ્વાસ સુધી પ્રેમ કરીશ
હું લોકોને કહીશ કે લોકો સહાનુભૂતિ ન દેખાડે
હું બધાને કહીશ કે ચલો જતાં-જતાં તમને સલામ કરીએ"
કાયમ માટે પરિવારને છોડી ગયેલા વિભૂતિના નશ્વર દેહની પાસે ઉભા રહીને પત્નીએ દિલથી વાત કરી હતી. આ દરમિયાન તેમના પ્રેમને જોઈને બધા રડી પડ્યા હતા. નિતિકાના પ્રેમને જોઇને દરેકની આંખોમાં આંસુ આવી ગયા હતા. તેનો આ પ્રેમ જોઈને આખો દેશ તે સમયે રડ્યો હતો. નિતિકાએ ઉત્સાહથી તેના પતિને સલામ આપી હતી. ત્યારબાદ જય હિન્દ બોલીને અંતિમ વિદાય આપી હતી. આજે તે જ નિતિકાએ પતિને આપેલા વચનને પૂર્ણ કર્યું છે.