નવી દિલ્હી : ગુરુવારે, દિલ્હીની જામિયા મિલિયા ઇસ્લામિયા યુનિવર્સિટીના વિદ્યાર્થીઓએ હરિયાણાના નૂહમાં હિંસાનો વિરોધ કર્યો હતો. જેને જોતા પોલીસે કેમ્પસમાં કડક સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી. પોલીસે વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓને કેમ્પસની બહાર જવા દીધા ન હતા. પ્રદર્શનના કારણે કેમ્પસની બહાર થોડો સમય જામ થઈ ગયો હતો. આ દરમિયાન વિદ્યાર્થીઓએ આરએસએસ મુર્દાબાદના નારા પણ લગાવ્યા હતા.
વિદ્યાર્થીઓ મેવાત માટે કૂચ કરવા માંગતા હતા : એવું કહેવામાં આવી રહ્યું છે કે, યુનિવર્સિટીના કેટલાક વિદ્યાર્થી સંગઠનો જામિયાના ગેટ નંબર 7થી મેવાત માટે કૂચ કરવા માંગતા હતા. બપોરે એક વાગ્યે જામિયાથી હરિયાણા ભવન જવાનું હતું, પરંતુ પોલીસે આ કૂચની પરવાનગી આપી ન હતી. જેના કારણે રોષે ભરાયેલા વિદ્યાર્થીઓએ લગભગ અડધો કલાક સુધી કેમ્પસમાં દેખાવો કર્યા હતા. આ દરમિયાન દિલ્હી પોલીસ અને CISFના જવાનો સ્થળ પર હાજર હતા.
RSS વિરોધ નારા લગાવ્યા : જામિયાના કેમ્પસમાં હાજર NSUI, SFI અને અન્ય વિદ્યાર્થી સંગઠનોએ વિરોધ કર્યો. આ દરમિયાન આરએસએસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા. જામિયાનું કેમ્પસ આરએસએસ મુર્દાબાદ, આરએસએસ તેરી કબર ખુદગી જેવા નારાઓથી ગુંજી ઉઠ્યું હતું. જોકે આ સમગ્ર ઘટનાક્રમમાં જામિયા પ્રશાસન તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.
શું છે વિદ્યાર્થીઓની માંગઃ જામિયામાં વિરોધ કરી રહેલા વિદ્યાર્થીઓની માંગ છે કે નૂહમાં થયેલી હિંસામાં એવા ઘણા લોકો છે જેમના ઘરો પર હરિયાણા સરકારે બુલડોઝ કફેરવી દીધા હતા. વિદ્યાર્થીઓની માંગ છે કે તેમના ઘરનું નવીનીકરણ કરવામાં આવે. તેમજ જેમની સામે ખોટી રીતે એફઆઈઆર દાખલ કરવામાં આવી છે તેને પાછી ખેંચી લેવી જોઈએ.