નવી દિલ્હી : ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હરિયાણામાં એક કાર્યક્રમ દરમિયાન કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધ્યું હતું. આઝાદીના સાત દાયકા પછી પણ હજારો ગામડાઓમાં વીજળી જેવી મૂળભૂત સુવિધાઓના અભાવ માટે કોંગ્રેસ પાર્ટીને જવાબદાર ઠેરવી હતી. આજે હરિયાણા ક્ષેત્રિય પંચાયતી રાજ પરિષદના ઉદઘાટન કર્યા પછી વર્ચ્યુઅલ સંબોધન કરતા તેઓએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા. તેઓએ કહ્યું કે, કોંગ્રેસ પાર્ટી આઝાદી પછીના ચાર દાયકા સુધી સમજી શકી નથી કે, ગામડાઓમાં પંચાયતી રાજ પ્રણાલી લાગુ કરવી કેટલી મહત્વપૂર્ણ છે.
વિપક્ષ પર પ્રહાર : PM મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા બે દિવસીય BJP ઈવેન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. ત્યારબાદ કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા પીએમ મોદીએ કહ્યું કે, કોંગ્રેસના ભ્રષ્ટ ઈરાદાઓને કારણે દેશની સ્થિતિ નબળી રહી હતી. વડાપ્રધાને કહ્યું કે, દેશ આજે વિકસિત ભારતના ધ્યેયને સાકાર કરવા અને અમૃત કાલના સંકલ્પોને સાકાર કરવા માટે એક થઈને આગળ વધી રહ્યો છે.
કોંગ્રેસના શાસન દરમિયાન પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત કરવા માટે કોઈ નક્કર પ્રયાસો કરવામાં આવ્યા ન હતા. કોંગ્રેસના ભ્રષ્ટ ઈરાદાઓને કારણે આઝાદીના 70 વર્ષ પછી પણ 18,000 ગ્રામવાસીઓને વીજળીની સુવિધા મળી નથી.-- નરેન્દ્ર મોદી (વડાપ્રધાન)
અમૃત કાળની આશા : નરેન્દ્ર મોદીએ વધુમાં જણાવ્યું હતું કે, આ અમૃત કાળની 25 વર્ષની સફર દરમિયાન આપણે પાછલા દાયકાઓના અનુભવોને ધ્યાનમાં રાખવા પડશે. વિકસિત ભારતનો માર્ગ ટાયર 2 અને ટાયર 3 શહેરો અને ગામડાઓમાંથી પસાર થાય છે જે આધુનિક બની રહ્યા છે. તેઓએ ઉમેર્યું હતું કે, અંતરિયાળ વિસ્તારોમાં અને નાના નગરોમાં એક નવી આશા અને ઊર્જા દેખાય છે.
બે દિવસીય BJP ઈવેન્ટ : કોંગ્રેસ પાર્ટી પર આકરા પ્રહાર કરતા વડાપ્રધાને કહ્યું કે, કોંગ્રેસ આઝાદી પછીના ચાર દાયકા સુધી સમજી શકી ન હતી કે, ગામડાઓમાં પંચાયતી રાજ પ્રણાલી લાગુ કરવી કેટલું મહત્વનું છે. તેઓએ જિલ્લા પંચાયત પ્રણાલીને પણ તેના પોતાના ભાગ્ય પર છોડી દીધી. ફરીદાબાદના સૂરજકુંડમાં આયોજિત આ કાર્યક્રમ દરમિયાન BJP રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા, હરિયાણાના મુખ્યપ્રધાન મનોહર લાલ ખટ્ટર, BJP રાજ્ય અધ્યક્ષ ઓ.પી. ધનખર અને પાર્ટીના અન્ય નેતાઓ હાજર હતા.