- વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) આજે ઉત્તરપ્રદેશના અલીગઢના પ્રવાસે જશે
- વડાપ્રધાન અહીં રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ (Raja Mahendra Pratap Singh)ના નામ પર એ.એમ.યુની બાજુમાં તૈયાર થનારી નવી યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે
- મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે અલીગઢ જઈને જિલ્લાના લોઢા વિસ્તારમાં યોજાનારા વડાપ્રધાનના કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી
અલીગઢ (ઉત્તરપ્રદેશ): અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી (AMU)નું નામ બદલીને રાજા મહેન્દ્ર પ્રતાપના નામ પર રાખવાની ભાજપની જૂની માગ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે આ સ્વતંત્રતા સેનાનીના નામ પર AMUની બાજુમાં બનવા જઈ રહેલી નવી યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. વડાપ્રધાન કાર્યાલયના મતે, વડાપ્રધાન મંગળવારે અલીગઢ આવીને રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામ પર બનવા જઈ રહેલી યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સોમવારે અલીગઢ જઈને વડાપ્રધાનના કાર્યક્રમ અંગેની તૈયારીઓની સમીક્ષા પણ કરી હતી.
આ પણ વાંચોઃ NATGRID: PM Modi ટૂંક સમયમાં કરી શકે છે શરૂઆત, જાણો શું છે 3,400 કરોડનો પ્રોજેક્ટ?
રાજાએ AMUની સ્થાપના માટે જમીન દાન આપી હતી
વર્ષ 2014માં ભાજપના કેટલાક નેતાઓએ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીનું નામ બદલીને રાજા મહેન્દ્ર પ્રતાપના નામે રાખવાની માગ કરી હતી. તેમની દલીલ હતી કે, રાજાએ AMUની સ્થાપના માટે જમીન દાન આપી હતી. આ મામલો ત્યારે ઉઠ્યો હતો. જ્યારે AMUની સિટી સ્કૂલની 1.2 હેક્ટર જમીનની લીઝનો સમયગાળો પૂર્ણ થઈ રહ્યો હતો અને રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના કાયદાકીય વંશજો આ લીઝના સમયગાળાને વધારવા નહતા માગતા.
આ પણ વાંચોઃ વડાપ્રધાન મોદીએ જે સરદાર ધામનું લોકાર્પણ કર્યું, જાણો તેની વિશેષતાઓ...
AMUના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, જોકે, ગયા વર્ષે આ મુદ્દો ઘણા અંશે ઉકેલાઈ ગયો હતો. જ્યારે AMUના અધિકારીઓએ સિટી સ્કૂલનું નામ બદલીને રાજા મહેન્દ્રના નામ પર રાખવાની જોગવાઈ રાખી હતી, પરંતુ આ મામલામાં કેટલીક ટેક્નિકલ અડચણોને દૂર કરવાનું કામ હજી ચાલી રહ્યું છે. મંગળવારે રાજા મહેન્દ્ર પ્રતાપ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરવા જઈ રહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અલીગઢમાં ઉત્તરપ્રદેશ ડિફેન્સ ઈન્ડસ્ટ્રિયલ કોરિડોર તથા રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ રાજ્ય યુનિવર્સિટીના મોડલનું પણ અવલોકન કરશે. મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે હાલમાં જ કહ્યું હતું કે, રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહના નામ પર યુનિવર્સિટીની સ્થાપના આ ક્ષેત્રમાં એક રાજ્ય યુનિવર્સિટી બનાવવાની જૂની માગને પૂર્ણ કરવા માટે કરવામાં આવી રહી છે અને અલીગઢ મંડળના તમામ કોલેજ આ યુનિવર્સિટીને સંલગ્ન હશે.
92 એકરથી વધુ ક્ષેત્રમાં બનાવવામાં આવશે યુનિવર્સિટી
આ યુનિવર્સિટી અલીગઢની કોલ તહેસીલના લોઢા તથા મુસેપુર કરીમ જરૌલી ગામની 92 એકરથી વધુ ક્ષેત્રમાં બનાવવામાં આવશે. અલીગઢ મંડળના 395 કોલેજને આનાથી સંલગ્ન કરવામાં આવશે.
જાણો, રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ અંગે
રાજા મહેન્દ્ર પ્રતાપ સિંહ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટીના વિદ્યાર્થી હતા અને તેઓ 1 ડિસેમ્બર 1915ના દિવસે કાબુલમાં બનેલી ભારતની પહેલી પ્રોવિઝનલ સરકારના રાષ્ટ્રપતિ પણ હતા. મુરસાન રાજ પરિવારથી સંબંધ રાખનારા રાજાએ ડિસેમ્બર 1914માં સહપરિવાર અલીગઢ છોડી દીધું હતું અને 33 વર્ષો સુધી જર્મનીમાં રહ્યા હતા. તેઓ આઝાદી પછી 1947માં ભારત પરત ફર્યા અને 1957માં મથુરા લોકસભા બેઠકથી અપક્ષ ઉમેદવાર તરીકે જનસંઘના ઉમેદવાર અટલ બિહારી વાજપેયીને હરાવીને સાંસદ બન્યા હતા.
પ્રખ્યાત ઈતિહાસકાર પ્રોફેસર શાન મોહમ્મદે કહ્યું હતું કે, જાટ સમુદાયના રાજા મહેન્દ્રપ્રતાપ સિંહ ભારતીય સ્વતંત્રતા સંગ્રામની પ્રમુખ હસ્તીઓમાંથી હતા અને એક ધર્મનિરપેક્ષ લોકતાંત્રિક ભારત પ્રત્યે તેમની સંકલ્પબદ્ધતાએ તેમનું કદ વધારી દીધું હતું. ધર્મનિરપેક્ષતા પ્રત્યે તેમના સંકલ્પની સરખામણી મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુ સાથે કરવામાં આવે છે.