પુણે: મહારાષ્ટ્રમાં મહાભારત જોવા મળી રહ્યું છે. જેમાં સત્તાને લઇને સંગ્રામ ખેલાઇ રહ્યા છે. આ વચ્ચે એક સમાચાર સામે આવ્યા છે. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પુણેમાં તારીખ 1 ઓગસ્ટ 2023ના રોજ લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. પીએમ મોદીને તેમના શાનદાર નેતૃત્વ અને નાગરિકોમાં દેશભક્તિની ભાવના જગાડવા માટે આ એવોર્ડ આપવામાં આવી રહ્યો છે. આ એવોર્ડના કારણે વિપક્ષના પેટમાં તેલ રેડાશે તેવી સ્થિતી જોવા મળી રહી છે. કારણ કે આટલા રાજકીય માહોલમાં જો આ વાત વચ્ચે આવે તો ઉકળાટ તો થવાનો જ. તેવી જ રીતે રાજકારણના પાસાઓ મહારાષ્ટ્રમાં પડી રહ્યા છે. બીજી બાજુ પ્રધાનમંત્રીને એવોર્ડ એનાયત કરવામાં આવશે.
અજિત પવાર પણ હાજર: NCPમાં બળવા પછી, વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને શરદ પવાર તારીખ 1 ઓગસ્ટ, 2023 ના રોજ ફરી એક જ મંચ પર આવશે. લોકમાન્ય તિલકની પુણ્યતિથિના અવસર પર પીએમ મોદીને પુણેમાં લોકમાન્ય તિલક રાષ્ટ્રીય પુરસ્કારથી સન્માનિત કરવામાં આવશે. તિલક સ્મારક સમિતિના વડા રોહિત તિલકે પત્રકાર પરિષદમાં માહિતી આપી છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે શરદ પવાર, મુખ્યમંત્રી એકનાથ શિંદે, નાયબ મુખ્યપ્રધાન દેવેન્દ્ર ફડવાણીસ, નાયબ મુખ્યપ્રધાન અજિત પવાર પણ હાજર રહેશે.
પીએમ મોદીને પુરસ્કાર આપવાના કારણોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'આત્મનિર્ભર ભારત'ના ખ્યાલ સાથે સ્વદેશી ઉદ્યોગોની પ્રગતિને નવી દિશા આપી છે. લોકમાન્ય તિલકનું સૂત્ર હતું 'સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે'. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ સુશાસન અને વિકાસ માટે બનાવેલી નીતિઓ એ દિશામાં લેવાયેલા પગલાં છે. તે સમાજના ગરીબ, અતિ-ગરીબ, નબળા અને હાંસિયામાં ધકેલાઈ ગયેલા વર્ગમાં સમૃદ્ધિ લાવવા માટે કામ કરી રહ્યા છે.
સન્માન કરવામાં આવ્યું હતુંઃ એવોર્ડમાં સ્મૃતિ ચિન્હ, પ્રમાણપત્ર અને એક લાખ રૂપિયાનો સમાવેશ થાય છે. આ એવોર્ડની શરૂઆત 1983માં કરવામાં આવી હતી. આ પુરસ્કાર એવા વ્યક્તિઓને આપવામાં આવે છે. જેમણે નિસ્વાર્થ ભાવે દેશની ભલાઈ માટે કામ કર્યું છે. અત્યાર સુધી એસએમ જોશી, ઇન્દિરા ગાંધી, અટલ બિહારી વાજપેયી, ડૉ. મનમોહન સિંહ, પ્રણવ મુખર્જી, શંકર દયાલ શર્મા, બાળાસાહેબ દેવરસ, ખાન અબ્દુલ ગફાર ખાન, શરદ પવાર, એનઆર નારાયણમૂર્તિ, જી. માધવન નાયર, ડૉ. કોટા હરિનારાયણ, રાહુલ બજાજ. , બાબા કલ્યાણી , ઇ શ્રીધરન , પ્રોફેસર એમએસ સ્વામીનાથન , ડો વર્ગીસ કુરિયન અને અન્યને આ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે.
ટૂંક સમયમાં જાહેર: રોહિત તિલકે કહ્યું કે તારીખ 1 ઓગસ્ટે લોકમાન્ય તિલકની 103મી પુણ્યતિથિ છે. આ અવસર પર પૂણેની તિલક મહારાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસમાં આયોજિત કાર્યક્રમમાં વડાપ્રધાન મોદીને એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ વર્ષ એવોર્ડનું 41મું વર્ષ છે. આ સમારોહમાં વરિષ્ઠ નેતા શરદ પવારને મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત કરવામાં આવ્યા છે. આ પ્રસંગે મહારાષ્ટ્રના રાજ્યપાલ રમેશ બૈસ, ટ્રસ્ટના ટ્રસ્ટી સુશીલ કુમાર શિંદે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમનું સમયપત્રક ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.