- પીએમ મોદી વારાણસીના પ્રવાસે
- સોમવારે વારાણસીમાં દેવ દિવાળી કાર્યક્રમમાં લેશે ભાગ
- વારાણસી તથા પ્રયાગરાજ વચ્ચે છ લેન વાળા રાષ્ટ્રીય રાજમાર્ગનું ઉદ્ઘાટન કરશે
- સારનાથ પુરાતત્વ સ્થળની કરશે મુલાકાત
નવી દિલ્હીઃ વડા પ્રધાન મોદી સોમવારે પોતાના સંસદીય વિસ્તાર વારાણસીનો પ્રવાસ કરશે અને વારાણસી તેમજ પ્રયાગરાજ વચ્ચેના છ લેન વાળા નેશનલ હાઇવેનું ઉદ્ધાટન કરશે. તેઓ ત્યાં દેવ દિવાળીના કાર્યક્રમમાં પણ સામેલ થશે.
પીએમ મોદી વારાણસીના પ્રવાસે
પ્રધાનમંત્રી કાર્યાલય તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મોદી કાશી વિશ્વનાથ મંદિર કોરીડોર પરિયોજના સ્થળનો પ્રવાસ કરશે અને સારનાથ પુરાતત્વ સ્થળ પણ જશે.
છ લેન વાળા રાષ્ટ્રીય રાજમાર્ગનું ઉદ્ઘાટન કરશે
વધુમાં જણાવવામાં આવ્યું કે, એનએચ-19 ના 73 કિલોમીટર લાંબા ભાગને પહોળો કરવામાં આવ્યો છે અને તેમાં 2447 કરોડ રુપિયાનો ખર્ચ કરીને છ લેનનો બનાવવામાં આવ્યો છે. જેનાથી પ્રયાગરાજ અને વારાણસી વચ્ચેના યાત્રા સમયમાં એક કલાકનો ઘટાડો થશે.
એક નિવેદનમાં જણાવ્યું કે, વારાણસીમાં દેવ દિવાળી વિશ્વ પ્રસિદ્ધ રોશનીનો પર્વ બન્યો છે અને જેની કાર્તિક મહીનાની પૂર્ણિમાએ ઉજવણી કરવામાં આવે છે.
સારનાથ પુરાતત્વ સ્થળની કરશે મુલાકાત
વડા પ્રધાન વારાણસીના રાજઘાટ પર દીપ પ્રગટ કરીને તહેવારની શરૂઆત કરશે, જે બાદ ગંગા નદીના બંને કિનારે 11 લાખ દીવડાઓ પ્રજ્વલિત થશે.
આ ઉપરાંત સારનાથ પુરાતત્વ સ્થળ પર 'લાઇટ એન્ડ સાઉન્ડ' શો પણ જોશે, જેનું ઉદ્ધાટન તેમણે આ મહીનાની શરૂઆતમાં કર્યું હતું.