- પશ્ચિમ બંગાળમાં ભાજપનો પ્રથમ વખત સત્તા મેળવવા માટે સંઘર્ષ
- આસામમાં સતત બીજી વખત સત્તા પર આવવાનો પ્રયાસ
- સંબોધન અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટ કરીને આપી માહિતી
નવી દિલ્હી: વિધાનસભાની ચૂંટણી પૂર્વે આસામ અને પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પ્રચાર માટે વડાપ્રધાન મોદી ગુરૂવારે બન્ને રાજ્યોની મુલાકાતે જશે. સંબોધન અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, બંગાળના લોકોના મનમાં પરિવર્તનની ઇચ્છા જાગૃત થઈ છે અને ભાજપનો સુશાસનનો એજન્ડા લોકોમાં પોતાનું સ્થાન બનાવી રહ્યો છે.
પ.બંગાળના પુરૂલિયા ખાતે જાહેર સભાને કરશે સંબોધન
વડાપ્રધાન મોદીએ ટ્વિટ કરીને કહ્યું કે, આવતીકાલે એટલે કે 18 માર્ચે મને પશ્ચિમ બંગાળમાં મારા ભાઈ-બહેનો વચ્ચે હાજર રહેવાની તક મળશે. હું પુરૂલિયામાં જાહેર સભાને સંબોધન કરીશ. સમગ્ર પશ્ચિમ બંગાળમાં પરિવર્તનની ઇચ્છા જાગૃત થઈ છે. લોકો ભાજપના સુશાસનના એજન્ડાને પસંદ કરી રહ્યા છે. બીજા એક ટ્વિટમાં તેમણે કહ્યું કે, આવતીકાલે એટલે કે 18 માર્ચે હું આસામમાં હોઈશ. છેલ્લા પાંચ વર્ષમાં આસામમાં વિવિધ ક્ષેત્રોમાં સકારાત્મક પરિવર્તન જોવા મળ્યું છે. NDAને તેનો વિકાસ એજન્ડા ચાલુ રાખવા માટે જનતાના આશિર્વાદની જરૂર છે.
આસામમાં 3 અને પ.બંગાળમાં 8 તબક્કામાં યોજાશે ચૂંટણી
પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી આઠ તબક્કામાં યોજાવાની છે જ્યારે આસામમાં તે ત્રણ તબક્કામાં યોજાશે. ભાજપ પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસને સત્તામાંથી હાંકી કાઢવા માટે સંઘર્ષ કરી રહ્યું છે, જ્યારે આસામમાં સતત બીજી વખત સત્તા પર આવવાનો પ્રયાસ કરી રહ્યું છે.