સેલવાસ : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશમાં કરોડોના વિકાસ કાર્યોની ભેટ આપી હતી. જેમાં 35 એકરમાં ફેલાયેલી નમો મેડિકલ કોલેજ 260 કરોડના ખર્ચે બનાવવામાં આવી છે. વડાપ્રધાને કોલેજનું નિરીક્ષણ કર્યું હતું. કોલેજનું બાંધકામ કરનારા મજૂરો સાથે વાતચીત કરી. કુલ 35 એકરમાં ફેલાયેલી નમો મેડિકલ કોલેજના નિર્માણ માટે કુલ 260 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જનસભા પછી એક વિશાળ રોડ શો પણ કરવામાં આવી રહ્યો છે.
અધ્યતન મેડિકલ કોલેજ આપી ભેટમાં : નમો મેડિકલ કોલેજમાં હોસ્ટેલની સુવિધા તેમજ અદ્યતન સંશોધન કેન્દ્ર, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય જર્નલ્સથી સજ્જ કેન્દ્રીય પુસ્તકાલય છે. તેમાં નિષ્ણાત તબીબી સ્ટાફ, હાઇ-ટેક પ્રયોગશાળાઓ, સ્માર્ટ લેક્ચર હોલ, સંશોધન માટેની વિશિષ્ટ પ્રયોગશાળાઓ, શરીર રચના સંગ્રહાલય, ક્લબ હાઉસ અને રમતગમતની સુવિધાઓ પણ છે.
સેલવાસને આપી કરોડો રુપિયાની ભેટ સોગાતો : વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કેન્દ્રશાસિત પ્રદેશ દાદરા અને નગર હવેલીમાં સેલવાસ ખાતે નમો મેડિકલ કોલેજનું ઉદ્ઘાટન કર્યા બાદ એક વિશાળ જાહેર સભાને સંબોધી હતી. આ દરમિયાન વડાપ્રધાન મોદીએ ફરી એકવાર કોંગ્રેસનું નામ લીધા વગર વિકાસના મુદ્દે પ્રહારો કર્યા હતા. વડાપ્રધાન મોદીએ કહ્યું કે આપણા દેશમાં અગાઉની સરકારના શાસન દરમિયાન સરકારી પ્રોજેક્ટ લાંબા સમયથી પેન્ડિંગ હતા. ઘણી વખત શિલાન્યાસ પણ થયો પરંતુ પ્રોજેક્ટ પૂરા થયા નહીં પરંતુ છેલ્લા 9 વર્ષમાં આ ચિત્ર સંપૂર્ણપણે બદલાઈ ગયું છે.
વિપક્ષ પર કર્યા આકરા પ્રહારો : કોંગ્રેસ પર કટાક્ષ કરતા પીએમ મોદીએ કહ્યું કે દાયકાઓ સુધી વિકાસને માત્ર રાજકીય વોટ બેંકના ત્રાજવાથી માપવામાં આવતો હતો. આઝાદીના દાયકાઓ પછી પણ દમણ, દીવ કે દાદરા નગર હવેલીમાં એક પણ મેડિકલ કોલેજની સ્થાપના થઈ નથી. જેના કારણે અસંખ્ય આદિવાસી બાળકો ડોક્ટર કે એન્જિનિયર ન બની શક્યા, પરંતુ આજે દેશમાં તુષ્ટિકરણ પર નહીં પરંતુ સંતોષ પર ભાર મૂકવામાં આવે છે.