- રાજ્યસભાના ચાર સાંસદોની વિદાઈ થઈ
- કોંગ્રેસના ગુલામ નબી આઝાદ સહિત ચાર સાંસદોને આજે ગૃહમાંથી વિદાય
- આજે ગૃહની શોભા વધારનાર ચાર સાથીદારોનો કાર્યકાળ પૂર્ણ: PM મોદી
નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મંગળવારે ફરી એક વાર રાજ્યસભાને સંબોધિત કરી હતી. કોંગ્રેસના ગુલામ નબી આઝાદ સહિત ચાર સાંસદોને આજે ગૃહમાંથી વિદાય આપવામાં આવી રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુલામ નબીના ખૂબ વખાણ કર્યા હતા. રાજ્યસભામાંથી નિવૃત્ત થયેલા સાંસદોનો ઉલ્લેખ કરતાં PM મોદીએ કહ્યું કે, સૌપ્રથમ તમે દેશ અને ગૃહને તમારા અનુભવ અને જ્ઞાનનો જે લાભ આપ્યો છે તે બદલ આભાર. PM મોદીએ કહ્યું કે, આજે ગૃહની શોભા વધારનાર ચાર સાથીદારોનો કાર્યકાળ પૂર્ણ થઈ રહ્યો છે. તેઓ નવા કામ તરફ આગળ વધી રહ્યા છે.
મીર મોહમ્મદ અને નાઝીર અહમદજીની પ્રતિબદ્ધતા દેશને કામ આવશે
મીર મોહમ્મદ અને નાઝીર અહમદજી એવા સાથી છે જેમના પર ગૃહમાં ઓછું ધ્યાન ગયુ હશે પરંતુ ચેમ્બરમાં ન મળ્યા હોય એવું કોઈ સત્રમાં બન્યું નથી. મારો તેની સાથે અંગત સંબંધ છે. તેમની પ્રતિબદ્ધતા અને તેમની ક્ષમતા દેશ અને ખાસ કરીને જમ્મુ-કાશ્મીર માટે કામ આવશે, મને આનો વિશ્વાસ છે.
ગુજરાતમાં થયેલા આતંકી હુમલાની ઘટનાનો ઉલ્લખ કરતાં ભાવુક થયા મોદી
મોદીએ કહ્યું, ગુજરાતના યાત્રીઓ પર જ્યારે આતંકવાદી હુમલો થયો ત્યારે સૌથી પહેલા મને ગુલામ નબી આઝાદનો ફોન આવ્યો હતો. એ ફોન ફક્ત માહિતી આપવા માટેનો નહોતો, ફોન પર ગુલામ નબી આઝાદનાં આંસુ રોકાતાં ન હતાં.
તેમણે જણાવ્યું હતું, એ સમયે પ્રણવ મુખર્જી રક્ષાપ્રધાન હતા, તો તેમને સેનાના પ્લેનની વ્યવસ્થા કરી આપવાની માગણી કરી હતી. એ દરમિયાન જ એરપોર્ટથી જ ગુલામ નબી આઝાદનો ફોન આવ્યો. જે રીતે પોતાના પરિવારના સભ્યની ચિંતા કરવામાં આવે છે એ જ રીતે આઝાદજીએ તેમની ચિંતા કરી હતી.
રાજ્યસભામાં શમશેરજીની હાજરી 96 ટકા પણ જવાબદારી 100 ટકા દર્શાવે છે
PM મોદીએ કહ્યું કે, ઘણાં વર્ષોથી મને જમ્મુ કાશ્મીરમાં પણ કામ કરવાની તક મળી. કટોકટી દરમિયાન ઘણા લોકો ખૂબ જ નાની ઉંમરે જેલમાં પણ ગયા હતા, તેમાં શમશેરજી પણ સામેલ હતા. PM મોદીએ કહ્યું કે, રાજ્યસભામાં શમશેર જીની હાજરી 96 ટકા હોવી લોકોની 100 ટકા જવાબદારી પૂરી કરવાનો પ્રયાસ દર્શાવે છે.
રાજ્યસભાથી નિવૃત્ત થવું એ દેશ સેવાની દિશામાં નવી શરૂઆત છે: નાયડુ
અધ્યક્ષ વેંકૈયા નાયડુએ કહ્યું કે, રાજ્ય સભાથી નિવૃત્ત થવું એ દેશ સેવાની દિશામાં નવી શરૂઆત છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે, નિવૃત્ત થનારા સભ્યો સંતોષ સાથે વિદાય લેશે.