કેવડીયા/વડોદરા: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 31 ઓક્ટોબરના રોજ ગુજરાતની પ્રથમ હેરિટેજ ટ્રેનને લીલી ઝંડી બતાવી ફ્લેગ ઓફ કરાવ્યું હતું. આ ટ્રેન કેવડિયાના એકતાનગર અને અમદાવાદ વચ્ચે દોડશે. જેનાથી પર્યટકો માટે સરદાર વલ્લભભાઈ પટેલના સ્મારક સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીનો પ્રવાસ વધુ સુવિધાજનક બનશે. ત્રણ કોચ ધરાવતી આ હેરિટેજ ટ્રેનને ઇલેક્ટ્રિક એન્જિનથી ચલાવવામાં આવશે. પરંતુ આ એન્જિન એવી રીતે ડિઝાઇન કરવામાં આવ્યું છે કે, શરુઆતના દિવસોમાં ધુમાડો ઉડાવતી અને સીટી વગાડતા સ્ટીમ એન્જિન વાળી ટ્રેન જેવો જ અનુભવ મુસાફરો કરી શકશે.
ગુજરાતની પ્રથમ હેરિટેજ ટ્રેન : એકતાનગર ખાતે એકતા દિવસની ઉજવણી દરમિયાન હેરિટેજ ટ્રેનને લીલી ઝંડી બતાવતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આ ટ્રેન હેરિટેજ અને આધુનિક સુવિધાઓનું મિશ્રણ છે. નર્મદા જિલ્લામાં આવેલું એકતાનગર, કેવડિયા તરીકે પણ ઓળખાય છે. આ હેરિટેજ ટ્રેનના ત્રણેય કોચમાં 48 સીટ છે અને પ્રવાસીઓ 28-સીટર એસી રેસ્ટોરન્ટ ડાઇનિંગ કારમાં સાગના લાકડાના ડાઇનિંગ ટેબલ અને બે-સીટર કુશનવાળા સોફા સાથે ચા અને નાસ્તાનો આનંદ લઈ શકે છે. વડોદરાના ડિવિઝનલ રેલવે મેનેજર જિતેન્દ્રકુમાર સિંહે જણાવ્યું હતું કે, આ ટ્રેન 5 નવેમ્બરથી દર રવિવારે સાપ્તાહિક સેવા તરીકે દોડશે. આગામી દિવસોમાં પ્રવાસીઓના પ્રતિસાદને ધ્યાનમાં રાખીને ટ્રેનની ટ્રીપને વધારવામાં આવશે.
વડોદરા ખાતે પાંચ મિનિટ રોકાઈ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે કેવડિયાથી વડોદરા આવી પહોંચી હતી. પરંતુ પહેલા દિવસે આ ટ્રેનને પાંચ મિનિટ સુધી વડોદરા ખાતે રોકાણ કરવામાં આવી હતી. જ્યાં ટ્રેનમાં મુસાફરી કરીને આવેલ મહિલાઓએ ટ્રેનની સુવિધાના વખાણ કર્યા હતા. એકતા નગરથી અમદાવાદ જતા સમયે વિકાસશીલ શહેર જે વડોદરા છે તો આ વડોદરા શહેરને પણ આ ટ્રેનનું સ્ટોપેજ મળવું જોઈએ તેવી વડોદરા નગરજનોએ માંગ કરી હતી.
કેવડીયાથી હેરિટેજ ટ્રેન વડોદરા આવી પહોંચતા મુસાફરોએ જણાવ્યું હતું કે ખરેખર જૂના જમાનાની ટ્રેનોની પણ યાદ અપાવી છે. આ હેરિટેજ ટ્રેનનું સ્ટીમર એન્જિન જુના જમાના પ્રમાણે તૈયાર કરવામાં આવ્યું છે. જેથી મુસાફરોને નેરોગેજ ટ્રેનમાં મુસાફરી કરતા હોય તેવો અનુભવ થયો હતો. આ ટ્રેનમાં ચાર કોચ, ટ્રેનની 100 કિલોમીટરની સ્પીડ, 144 વ્યક્તિની ક્ષમતા ધરાવે છે અને ટ્રેનની અંદર એસી રેસ્ટોરન્ટમાં 28 મુસાફરો એક સાથે જમી શકે તેવી સુલભ સુવિધાઓ આ ટ્રેનમાં ઊભી કરવામાં આવી છે.
ટ્રેનનું વિશેષ નિર્માણ : ટ્રેનના તમામ કોચમાં સાગના લાકડાનું ઇંટીરિયર છે. જે ચેન્નાઈના પેરામ્બૂરમાં સ્થિત ઈન્ટીગ્રલ કોચ ફેક્ટરીમાં ડિઝાઇન કરવામાં આવ્યા છે. વડોદરામાં રેલ્વેનો સમૃદ્ધ વારસો છે. જેમાં રેલવે સેવાને શરુ કરવાનો પ્રથમ પ્રયાસ 1862 માં વડોદરા રાજ્યના તત્કાલીન મહારાજા ખાંડેરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારબાદ ડભોઈ અને મિયાગામ વચ્ચે આઠ માઈલના ટ્રેક પર બળદોએ ટ્રેન ખેંચી હતી. 1880 સુધી રૂટ પર લોકોમોટિવ્સનો નિયમિત ઉપયોગ થતો હતો.
ટાઈમટેબલ : હેરિટેજ ટ્રેન અમદાવાદથી સવારે 6:10 વાગ્યે ઉપડશે અને સવારે 9:50 વાગ્યે કેવડિયાના એકતાનગર રેલવે સ્ટેશન પર પહોંચશે જ્યાં સરદાર સરોવર ડેમમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી છે. પરત મુસાફરી માટે આ ટ્રેન એકતાનગરથી રાત્રે 8.23 વાગ્યે ઉપડશે અને મધરાત્રે 12:05 મિનિટે અમદાવાદ પહોંચશે. આ ટ્રેનમાં વન-વે પ્રવાસનું ભાડું 885 રૂપિયા હશે. એકતાનગરથી અમદાવાદ વચ્ચેની 182 કિલોમીટરની મુસાફરી દરમિયાન હેરિટેજ ટ્રેનનું કોઈ સ્ટોપેજ નહીં હોય, એટલે કે આ ટ્રેન અમદાવાદ અને એકતાનગર વચ્ચે નોનસ્ટોપ ચાલશે.
ભારતની હેરિટેજ ટ્રેનો : વિંધ્યાચલ અને સાતપુડા પર્વતમાળામાં વસેલું કેવડિયા વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીના ઉદ્ઘાટન બાદથી વ્યાપક રીતે બદલાઈ ગયું છે. વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા ઉપરાંત કેવડિયામાં પ્રવાસીઓ માટે જંગલ સફારી, રાફ્ટિંગ, ભૂલભૂલામણી, ક્રૂઝ, લાઈટ એન્ડ સાઉન્ડ શો, ગ્લો ગાર્ડન અને નર્મદા આરતી સહિતના અનેક આકર્ષણો છે. ભારતમાં દાર્જિલિંગ હિમાલયન રેલ્વે, નીલગીરી માઉન્ટેન રેલવે, કાંગડા વેલી રેલ્વે, કાલકા-શિમલા રેલવે, માથેરાન હિલ રેલવે સહિત ઘણી હેરિટેજ ટ્રેનો છે.