નવી દિલ્હી: જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા (WFI)ના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ વિરોધ કરનારા કુસ્તીબાજો વિરુદ્ધ FIR નોંધવાની માગણી કરતી અરજી દિલ્હી હાઈકોર્ટમાં દાખલ કરવામાં આવી છે. રેસલિંગ એસોસિએશન દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીમાં વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા અને અન્ય ઘણા કુસ્તીબાજો સામે સીધા FIR નોંધવાની માંગ કરવામાં આવી છે. અરજીમાં કહેવામાં આવ્યું હતું કે જો કુસ્તીબાજોનું યૌન શોષણ થયું હોય તો તેમણે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ અને કાયદાના આધારે કાર્યવાહી કરવી જોઈએ.
ખેલાડીઓ સામે FIR નોંધવાની માગ: અરજીમાં વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા સહિત ઘણા ખેલાડીઓ સામે એફઆઈઆર નોંધવાની વાત કહેવામાં આવી છે. કુસ્તીબાજો પર કાયદાકીય પ્રક્રિયાનો દુરુપયોગ કરવાનો અને કુસ્તી સંઘના વડાને રાજીનામું આપવા દબાણ કરવાનો આરોપ છે. અરજી દાખલ કર્યા પછી, અરજદારના વકીલે રજૂઆત કરી હતી કે આ કેસમાં અરજદાર વિકી છે, જે સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહના સત્તાવાર નિવાસસ્થાન 21, અશોકા રોડ ખાતે રહે છે અને તેમના રસોઈયા તરીકે કામ કરે છે. અરજીમાં વધુમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે વિરોધ કરી રહેલા ખેલાડીઓએ જાહેરમાં મહિલા કુસ્તીબાજોના જાતીય સતામણીનો ગંભીર આરોપ લગાવીને બ્રિજ ભૂષણની પ્રતિષ્ઠા અને સન્માનને કલંકિત કર્યા છે.
આ પણ વાંચો Maharashtra Politics: મહારાષ્ટ્રના રાજ્યપાલ કોશ્યારીએ સન્યાસ લેવાની ઈચ્છા કરી વ્યક્ત
શું છે સમગ્ર મામલો: તાજેતરમાં સાક્ષી મલિક, વિનેશ ફોગાટ અને બજરંગ પુનિયા સહિત અનેક મોટા કુસ્તીબાજોએ દિલ્હીના જંતર-મંતર ખાતે રેસલિંગ ફેડરેશન ઑફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ સામે જાતીય સતામણીનો આરોપ લગાવીને વિરોધ કર્યો હતો. શુક્રવારે મોડી રાત્રે, સરકારે કુસ્તીબાજોને ખાતરી આપી કે તેમની ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવશે.
રમત મંત્રાલયે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ આપ્યા તપાસના આદેશ: આ પછી કુસ્તીબાજોએ પોતાનો વિરોધ બંધ કરી દીધો અને રમત મંત્રાલયે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ તપાસના આદેશ આપ્યા છે. આ સિવાય બ્રિજ ભૂષણને રેસલિંગ એસોસિએશનથી ચાર અઠવાડિયા સુધી દૂર રહેવા માટે કહેવામાં આવ્યું છે. આ દરમિયાન એક મોનિટરિંગ કમિટી બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણી અને નાણાકીય અનિયમિતતાના આરોપોની તપાસ કરશે.