- ફોન ટેપિંગનો મામલો સદીઓ જૂનો
- હરીફોની ગતિવિધિ માટે ટોચના સત્તાધીશો માટે હાથવગું સાધન
- વિશ્વની સરકારોમાં ફોન ટેપિંગના કંઇ કેટલાય કિસ્સા નોંધાયા છે
ન્યૂઝ ડેસ્ક: 10 માર્ચ, 1876ના રોજ એલેક્ઝાંડર ગ્રેહામ બેલે થોમસ વોટસનને તેના શોધાયેલા ટેલિફોનથી ( Telephone ) પહેલો કોલ કર્યો હતો. આ પહેલી ઔપચારિક ટેલિફોનિક વાતચીત હતી. ગ્રેહામ બેલે કહ્યું, શ્રીમાન વોટ્સન, અહીં આવો, હું તમને જોવા માંગુ છું. ટેલિફોનની શોધ કરનાર ગ્રેહામ બેલને કદાચ આ વાતનો ખ્યાલ નહીં હોય કે 21મી સદીમાં ટેલિકમ્યુનિકેશન ક્ષેત્રે મોટી ક્રાંતિ થશે. કોઈને જોવા માટે બોલાવવાની જરૂર રહેશે નહીં. લોકો વીડિઓ કોલિંગથી મળી લેશે. તેમને જરાપણ ખ્યાલ નહીં હોય કે જો કોઈ વ્યક્તિ પોતાનો ગુપ્તતા જાળવવા માટે પોતાનો સંચાર ઉપકરણ એટલે કે મોબાઇલ ફોન બંધ રાખશે, તો પણ હેકર્સ પેગાસસ સ્પાયવેર દ્વારા તેની દરેક ગતિવિધિ પર નજર રાખશે.
ધ વાયર મીડિયાએ દાવો કર્યો છે કે પેગાસસ સ્પાયવેર ( Pegasus spyware ) દ્વારા ભારતના પત્રકારો, રાજકારણીઓ અને માનવાધિકાર કાર્યકર્તાઓ સહિત 300 લોકોની જાસૂસી કરવામાં આવી હતી. પેગાસસ સ્પાયવેરની વિશેષતા એ છે કે તે તમારા મોબાઇલ ફોનમાં સંદેશાઓ અને લિંક્સ ઉપરાંત વોઇસ કોલિંગ દ્વારા ઇન્સ્ટોલ કરી શકાય છે. ફોન બંધ હોય ત્યારે પણ વીડિઓ અને ઓડિઓને સક્રિય રાખે છે. આની સાથે મોબાઇલ ફોનના માલિકની દરેક પ્રવૃત્તિ હેકર્સ સુધી પહોંચે છે. આ દરમિયાન તમામ ડેટા પણ રેકોર્ડ કરી શકાય છે.
જાસૂસી માટે 1895માં પહેલીવાર કરાયું વાયર ટેપિંગ
જ્યારે હેકિંગ અને કોલ રેકોર્ડિંગની વાત થઈ રહી છે તો પછી તમને જણાવી દઈએ કે ટેલિફોનની ( Telephone ) શોધ થઈ ત્યારે લોકોમાં રેકોર્ડિંગના આઇડિયાઝ પણ આવવા લાગ્યાં. આ દિમાગ પણ તે જ દેશમાં ચાલ્યું જ્યાંથી ટેલિફોન આવ્યો હતો. યુનાઈટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકા. 1876 માં અમેરિકાના ગ્રેહામ બેલે ટેલિફોનની પેટન્ટ લીધી હતી. 19 વર્ષ પછી, 1895માં, વાયર ટેપિંગનો વિચાર ન્યૂયોર્કના ટેલિફોન વિભાગના પૂર્વ કર્મચારીને આવ્યો. સંદેશાવ્યવહાર વિભાગની નોકરી છોડીને તે પોલીસ વિભાગમાં જોડાયો. ન્યૂયોર્કના તત્કાલીન મેયર વિલિયમ એલ. સ્ટ્રોંગને પોતાનો આઈડિયા પહોંચાડ્યો. તેમણે દલીલ કરી હતી કે આના દ્વારા ગુનેગારોને સરળતાથી શોધી શકાય છે. મેયર ખુશ થયાં અને તેમના આશીર્વાદથી ન્યૂયોર્કમાં વર્ષોથી ગુપ્ત રીતે વાયર ટેપિંગ ફુલ્યુંફાલ્યું. પોલીસે પણ મજા માણી. પોલીસ કર્મચારીઓ ટેલિફોન કંપનીની ઓફિસોમાં જતા અને તેમના ટાર્ગેટનું ઠેકાણું જાણી લેતાં. ત્યારબાદ કોઈ ધમાલ વગર બદમાશોને પકડતાં હતાં. ટેપિંગ લાઇન સામાન્ય રીતે ઘરના ભોંયરામાં અથવા બાહ્ય દિવાલ પરના બોક્સમાં રાખવામાં આવતી હતી. બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન પણ ફોન ટેપિંગ જબરદસ્ત રીતે કરવામાં આવી હતી.
ફોનનું એ હતું પહેલું વહેલું સ્વરુપ
તે દિવસોમાં ટેલિફોનનાં ( Telephone ) ભાગો જુદાં હતાં. રીસીવર અલગ, સ્પીકર અલગ અને ટ્રાન્સમીટર અલગ. જો કે, 1927માં, અમેરિકન ટેલિફોન અને ટેલિગ્રાફ કંપની (એટી એન્ડ ટી) એ E1A હેન્ડસેટ રજૂ કર્યો, જેમાં સંયુક્ત ટ્રાન્સમીટર-રીસીવર ગોઠવણી કરવામાં આવી. રિંગર અને ટેલિફોન ઇલેક્ટ્રોનિક્સનો મોટો ભાગ એક અલગ બોક્સમાં રહેતો હતો. 1947ના યુગની વિદેશી ફિલ્મો જુઓ, હાથમાં ડગલાવાળા હીરો અને કાનમાં રીસીવર તેમની સાથે વાત કરવાની મજા લેતાં હતાં. 1937માં, પ્રથમ વખત એવો ટેલિફોન બનાવવામાં આવ્યો હતો, જેને તમે સંયુક્ત સેટ કહી શકો છો. જ્યારે આ સેટ આવ્યો ત્યારે તે ખૂબ સફળ રહ્યો. કંપનીએ 25 મિલિયન ડિવાઇસ બનાવ્યા. સંપૂર્ણ ટેલિફોન 1949માં બનાવવામાં આવ્યો હતો. તે જ, જેમાં ગોળ ગોળ ફેરવવાનું ડાયલિંગ હતું. જેમાં આંગળી નાખીને વારંવાર નંબર ફેરવતાં. પુશ-બટન ડાયલિંગ 1960ના દાયકામાં રજૂ થયું હતું. દરેક બટનને દબાવવાથી "ડ્યુઅલ-ટોન" સિગ્નલ ઉત્પન્ન થતો અને કોલ કનેક્ટ થતો હતો.
વોટરગેટ કાંડઃ Phone Tapping નું સૌથી મોટું સ્કેમ, જેણે નિક્સનની ગાદી છોડાવી દીધી
આ સંદેશાવ્યવહાર માધ્યમ ખૂબ વિકસિત થયું પછી ટેપિંગ પણ પ્રગતિશીલ બન્યું. પોલીસ અને ગુપ્તચર એજન્સીઓ પર ( Phone Tapping ) ટેપિંગ કરવાના આક્ષેપો થયા હતાં. પરંતુ 1969માં અમેરિકાના રાષ્ટ્રપતિએ મોટો ધમાકો કર્યો. તેમના ચાર વર્ષના કાર્યકાળના કાર્યોને અંતે વોટરગેટ કૌભાંડ તરીકે તેમને વિશ્વ જાણે છે. તેમણે ચૂંટણી જીતવા માટે ડેમોક્રેટિક પાર્ટીની જાસૂસી કરી. તેમણે કેટલાક લોકોને ડેમોક્રેટિક પાર્ટીની રાષ્ટ્રીય સમિતિની ઓફિસમાં એટલે કે વોટરગેટ હોટલ સંકુલની જાસૂસી કરવાનું કામ સોંપ્યું હતું. સંચાલકોએ વોટરગેટ હોટલ સંકુલમાં એક ગુપ્તચર ઉપકરણ સ્થાપિત કર્યું હતું. હવે રિપબ્લિકન ઉમેદવાર રિચાર્ડ નિક્સનને ડેમોક્રેટ પાર્ટીની દરેક પ્રવૃત્તિ વિશે સરળતાથી માહિતી મળી રહી હતી. તે ઉપકરણે ચૂંટણીના એક વર્ષ પહેલાં અચાનક કામ કરવાનું બંધ કરી દીધું હતું. ત્યારબાદ તેને ઠીક કરવા માટે એક વિશેષ ટીમ બનાવવામાં આવી હતી. ટીમ જ્યારે જૂન 17, 1972ની રાત્રે ડિવાઇસને ઠીક કરવા માટે વોટરગેટ હોટલ સંકુલમાં પહોંચી ત્યારે પોલીસે તમામની ધરપકડ કરી હતી. નિકસનની જાસૂસીનો પર્દાફાશ થયો. 30 ઓકટોબર 1973ના દિવસે નિક્સન સામે મહાભિયોગની દરખાસ્ત લાવવામાં આવી. નિકસનની મહાભિયોગની સુનાવણી 6 ફેબ્રુઆરી 1974થી શરૂ થઈ હતી. ઓગસ્ટ 8, 1973માં, નિક્સનેે ટીવી પર લાઇવ પ્રોગ્રામ દરમિયાન રાજીનામું આપવાની ઘોષણા કરી. યુએસના ઇતિહાસમાં આ પહેલીવાર બન્યું કે જ્યારે કોઈ વર્તમાન રાષ્ટ્રપતિએ તેમના કાર્યકાળ દરમિયાન રાજીનામું આપવું પડ્યું.
જવાહરલાલ નહેરુના રાજમાં પણ ફોન ટેપિંગની ફરિયાદ હતી
એવું નથી કે ફક્ત અમેરિકામાં ફોન ટેપ ( Phone Tapping ) કરવાનો હંગામો થયો હતો. ભારતમાં પણ બ્રિટીશકાળના સમયમાં ફોન આવ્યો હતો, તેથી અહીં પણ વિવાદો હતાં. ભારતમાં પ્રથમ ટેલિફોન એક્સચેંજની સ્થાપના 1881માં ઓરિએન્ટલ ટેલિફોન કંપની લિમિટેડ, ઇંગ્લેંડ દ્વારા કોલકાતા, બોમ્બે (મુંબઇ), મદ્રાસ (ચેન્નાઈ) અને અમદાવાદ ખાતે કરવામાં આવી હતી. પ્રથમ ઓપચારિક ટેલિફોન સેવા 28 જાન્યુઆરી 1882ના રોજ કુલ 93 સબ્સ્ક્રાઇબર્સ સાથે શરૂ કરવામાં આવી હતી. બોમ્બેમાં પણ 1879માં ટેલિફોન એક્સચેંજ તૈયાર હતું. આઝાદી પછી પોસ્ટ અને સંદેશાવ્યવહાર મંત્રાલય પણ બનાવવામાં આવ્યું હતું. પરંતુ તે પછી ગજબ થઈ ગયો. તત્કાલીન સંદેશાવ્યવહાર પ્રધાને જવાહરલાલ નહેરુને ફોન ટેપિંગ અંગે ફરિયાદ કરી હતી. વધુ વાત તો એ છે કે, 1959માં આર્મી ચીફ જનરલ કે એસ થિમૈયાએ આરોપ લગાવ્યો કે ફોન ટેપ કરાયો હતો. નહેરુ સરકારના જ અન્ય એક પ્રધાન ટી.ટી.કૃષ્ણમચારીએ 1962માં ફોન ટેપ થવાનો આરોપ લગાવતાં સનસનાટી મચી હતી.
અમરસિંહ, નીરા રાડિયા, જેટલી,બધાં એ ટેપિંગનો આરોપ લગાવ્યો
રાજ્યોએ સમય જતાં કેન્દ્ર સરકાર પાસેથી ( Phone Tapping ) ટેપિંગનો ફંડા અપનાવ્યો.. 1988માં, કર્ણાટકના તત્કાલીન મુખ્યપ્રધાન રામકૃષ્ણ હેગડે પર વિપક્ષી નેતાઓના ફોન ટેપિંગનો આરોપ મૂકાયો હતો. પરિણામે તેમને ખુરશી ગુમાવવી પડી. સમાજવાદી પાર્ટીના સાંસદ અમરસિંહે 2006માં દાવો કર્યો હતો કે ગુપ્તચર બ્યુરો દ્વારા તેમનો ફોન ટેપ કરવામાં આવી રહ્યો હતો. ઓક્ટોબર 2007માં, બિહારના મુખ્યપ્રધાન નીતીશ કુમારનો ફોન ટેપ થવાનો મામલો ગરમાયો હતો. એવો આક્ષેપ કરવામાં આવ્યો હતો કે તત્કાલીન કેન્દ્ર સરકારના કહેવા પર આવું થઈ રહ્યું છે. 2જી સ્પેક્ટ્રમ કૌભાંડનો મુદ્દો ગરમ હતો ત્યારે નીરા રાડિયાએ તે સમયે પણ રાજકીય વાવાઝોડું સર્જ્યું હતું. દેશના મોટા ઉદ્યોગપતિઓ સાથે નીરા રાડિયાની વાતચીતની 800 ટેપ મળી આવી હતી. ફેબ્રુઆરી 2013માં, અરુણ જેટલીએ ટેપિંગ કરવાનો આરોપ લગાવ્યો હતો. જેટલી તે સમયે રાજ્યસભામાં વિપક્ષી નેતા હતાં. આ કેસમાં અનેક પોલીસકર્મીઓ સહિત આશરે દસ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. રાજસ્થાનનો તો હાલનો કિસ્સો છે. અશોક ગેહલોત સરકારે સ્વીકાર્યું છે કે વિરોધ કરી રહેલાં ઘણા ધારાસભ્યોના ફોન ટેપ થયાં હતાં.
મોબાઈલથી જાસૂસી ખૂબ સરળ
1973માં મોટોરોલાના માર્ટિન કૂપરે બે કિલો વજનનો મોબાઇલ ફોન બનાવ્યો. સમય જતા મોબાઇલ ફોન્સ સ્માર્ટ બન્યાં. વીડિઓ કોલિંગ અને ફાઇલ સ્વેપિંગ મિનિટમાં સરળ થઈ ગઈ. હવે 5જી મોબાઈલનો સમય છે. નવા યુગમાં કોલ રેકોર્ડિંગ હેકિંગમાં ફેરવાયું. પેગાસસ જાસૂસી સોફ્ટવેર ( Pegasus spyware ) છે..ભલે તમે મોબાઇલને તમારા ખિસ્સામાં રાખો તો પણ હેકર્સ થોડીવારમાં તમારી સામગ્રી ચોરી કરી લેશે. તો મોબાઈલવાળા લોકો, સંભાળીને રહો ...
ભારતમાં કાયદાનું પ્રાવધાન
ભારતમાં ભારતીય ટેલિગ્રાફ એક્ટ, 1885ની કલમ 5 (2) મુજબ, કેન્દ્ર અને રાજ્ય સરકારોને ફક્ત ફોન ટેપિંગ ( Phone Tapping ) કરવાનો અધિકાર છે. જો પોલીસ અથવા આવકવેરા વિભાગ જેવા કોઈ સરકારી વિભાગને લાગે છે કે કોઈ પણ પરિસ્થિતિમાં કાયદાનું ઉલ્લંઘન થઈ રહ્યું છે, તો તે ફોન ટેપિંગ કરાવી શકે છે. આઇટી એક્ટ હેઠળ મોબાઇલ અથવા કમ્પ્યુટરમાં કોઈપણ વાયરસ અને સોફ્ટવેર હેઠળ માહિતી લેવી ગેરકાયદે છે. તે હેકિંગની કેટેગરીમાં આવે છે જે ગુનો છે.
આ પણ વાંચોઃ સંસદમાં ઉછળ્યો પેગાસસ ફોન ટેપિંગનો મુદ્દો, જાણો વિજય રૂપાણીએ શું કહ્યું?