બિહાર : પટના હાઈકોર્ટે 10 વર્ષ પહેલા લખીસરાય જિલ્લામાં એક યુવકનું અપહરણ કરીને બળજબરીથી દુલ્હનને સિંદૂર લગાવવાને ગેરકાયદેસર જાહેર કર્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, મહિલાને બળપૂર્વક સિંદૂર લગાવવું એ હિંદુ કાયદા હેઠળ માન્ય લગ્ન નથી. જ્યાં સુધી કન્યા અને વર સ્વેચ્છાએ પવિત્ર અગ્નિ ફરતે ફેરા ન ફરે ત્યાં સુધી હિન્દુ લગ્ન માન્ય નથી. પટના હાઈકોર્ટે આ જબરદસ્તીથી થયેલા લગ્ન રદ કર્યા છે.
જબરદસ્તી લગ્નનો કેસ : પટના હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન પ્રતિવાદી કન્યા પક્ષ સાબિત ન કરી શક્યું કે સપ્તપદીની મૂળભૂત વિધિ પૂર્ણ થઈ હતી. પ્રતિવાદી કન્યા વતી મૌખિક પુરાવા આપનાર પુજારીને સપ્તપદી વિશે કોઈ જાણકારી ન હતી. ઉપરાંત તેણે કન્યાના કથિત લગ્ન કયા સ્થળે કરવામાં આવ્યા હતા તે વિશે જણાવ્યું ન હતું. હાઈકોર્ટે આ કથિત લગ્નને કાયદાની નજરમાં અમાન્ય હોવાનું કહીને રદ કર્યા હતા.
શું હતો મામલો ? ઉલ્લેખનિય છે કે, આ મામલો 30 જૂન 2013 નો છે. જ્યારે અપીલકર્તા રવિકાંત સેનામાં સિગ્નલમેન હતો. તેઓ લખીસરાયના અશોક ધામ મંદિરમાં પૂજા કરવા ગયા હતા. તે જ દિવસે રવિકાંતનું અપહરણ કરવામાં આવ્યું હતું અને બંદૂકની અણી પર પ્રતિવાદી યુવતીને સિંદૂર લગાવવાની ફરજ પાડવામાં આવી હતી. બળજબરીથી લગ્ન રદ કરાવવા માટે યુવકે ફેમિલી કોર્ટમાં કેસ પણ કર્યો હતો. જ્યાંથી 27 જાન્યુઆરી 2020 ના રોજ તેની અરજી ફગાવી દેવામાં આવી હતી.
હાઈકોર્ટનો ચુકાદો : હવે આ મામલે પટના હાઈકોર્ટના જસ્ટિસ બજનથ્રીએ લગ્ન રદ કરવાનો નિર્ણય આપતા કહ્યું કે, ફેમિલી કોર્ટનો નિર્ણય ખામીયુક્ત હતો. નોંધનીય છે કે, થોડા વર્ષો પહેલા સુધી બિહારમાં પકડુઆ લગ્ન ખૂબ પ્રચલિત હતા. ગ્રામીણ વિસ્તારોમાં સારા યુવકને પકડીને છોકરીના પરિવારજનો બળજબરીથી પોતાની દીકરી સાથે લગ્ન કરાવે છે. આ મુદ્દે ઘણી ફિલ્મો પણ બની છે. જોકે તાજેતરના વર્ષોમાં આવા લગ્નના કિસ્સામાં ઘટાડો થયો છે. હવે પટના હાઈકોર્ટનો આ નિર્ણય આવા લગ્નને રોકવા માટે સીમાચિહ્નરૂપ સાબિત થશે.
કેવી રીતે થાય છે પકડૌઆ : લગ્ન બિહારમાં 70-80 ના દાયકામાં પકડૌઆ લગ્નની શરૂઆત થઈ હતી. શિક્ષણ અને જાગૃતિના અભાવે તે સમયે બિહારમાં જન્મ દર ઘણો ઊંચો હતો. જેમની આર્થિક સ્થિતિ સારી ન હતી એવા પરિવારોમાં પણ વધુ બાળકો હતા. આવા સંજોગોમાં એક પરિવારમાં ચાર-પાંચ દીકરીઓ હોતી પરંતુ તેમના પિતા પાસે એટલા પૈસા નહોતા કે તે દહેજ આપીને બધી દીકરીને સારા પરિવારમાં પરણાવી શકે. તે સમય દરમિયાન દહેજ લેવાનો રિવાજ પણ ઘણો હતો અને આજે પણ છે. આવી સ્થિતિમાં ઘણા ગામડાના લોકો પોતાની દીકરીને ભણેલા અને સારા છોકરા સાથે પરણાવવા માટે યુવાનનું અપહરણ કરી લેતા હતા. પછી તેના જબરદસ્તી લગ્ન કરાવી દેવામાં આવતા હતા.