- એક તરફ દેશમાં ઓક્સિજનની અછતથી લોકો પરેશાન
- ઓક્સિજન પરિવહન માટે શરૂ કરાઈ ઓક્સિજન એક્સપ્રેસ
- રાજસ્થાનના પાલી જિલ્લામાં સામે આવી ઘટના
જયપુર: કોરોનાની બીજી લહેરમાં દેશભરમાં ઓક્સિજનની અછત સર્જાઈ છે. જેને પહોંચી વળવા માટે ટ્રેન મારફતે દેશભરમાં ઓક્સિજન સપ્લાય કરવામાં આવી રહ્યો છે. જોકે, ઓક્સિજન સપ્લાય સમયસર પહોંચાડવા માટે રેલવે દ્વારા ઓક્સિજન એક્સપ્રેસ શરૂ કરવામાં આવી છે. તાજેતરમાં જ આ ટ્રેનનો એક વીડિયો સામે આવ્યો છે. રાજસ્થાનના મારવાડ જંક્શન રેલવે સ્ટેશન ખાતે ઉતારવામાં આવેલા આ વીડિયોમાં ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેનમાંના એક ટેન્કરમાંથી ઓક્સિજન લીક થતો હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. આ વીડિયો સામે આવતા સંલગ્ન અધિકારીઓની કાર્યક્ષમતા પર સવાલ ઉભા થયા છે.
લોકોએ રેલવે સ્ટેશનના અધિકારીઓને જાણ કરી
દેશભરમાં ઓક્સિજનનો જથ્થો પૂહોંચાડવા માટે શરૂ કરાયેલી ઓક્સિજન એક્સપ્રેસ ટ્રેન ગુરૂવારે રાજસ્થાન તરફથી અમદાવાદ તરફ જઈ રહી હતી. ત્યારે પાલી જિલ્લાના મારવાડ જંક્શન ખાતે ટ્રેનમાંના એક ઓક્સિજન ટેન્કરમાંથી ઓક્સિજન લીક થતો હોવાનું સામે આવ્યું હતું. પૂરઝડપે હોવાથી ટ્રેન પ્લેટફોર્મ પરથી નીકળી ગઈ હતી. જોકે, તે સમયે પ્લેટફોર્મ પર હાજર લોકોએ તેનો વીડિયો ઉતારતા સંબંધિત અધિકારીઓની લાપરવાહી સામે આવી હતી. લોકો દ્વારા ઓક્સિજન લીકેજની આ ઘટના અંગે સ્ટેશનના અધિકારીઓને જાણ કરવામાં આવી હતી.