હિમાચલ પ્રદેશ : શિમલામાં અવિરત વરસાદને કારણે જનજીવન સંપૂર્ણપણે અસ્તવ્યસ્ત થઈ ગયું છે. રાજ્યભરમાંથી તારાજીની તસવીરો સામે આવી રહી છે. આકાશમાંથી વરસેલી આ આફત સામે દરેક તૈયારી પર પાણી ફરી વળ્યું છે. પરંતુ કેટલાક એવા લોકો પણ છે જેમણે આ સમસ્યાને તકમાં ફેરવી દીધી છે. તેમાંથી એક શિમલાના આશિષ સિંઘા છે. જેમણે કુલ્લુની શિવાની ઠાકુર સાથે ઓનલાઈન લગ્ન કર્યા હતા. ત્યારે આ લગ્ન લોક ચર્ચાનો વિષય બની ગયા છે.
અનોખા લગ્ન : પ્રાપ્ત માહિતી અનુસાર આશિષ સિંઘા શિમલા જિલ્લાના કોટગઢના રહેવાસી છે. તેઓના લગ્ન કુલ્લુ જિલ્લાના ભુંતરની રહેવાસી શિવાની સાથે 10 જુલાઈ સોમવારના રોજ નક્કી કરવામાં આવ્યા હતા. પરંતુ મુશળધાર વરસાદના કારણે સૌને લાગ્યું કે હવે આ લગ્ન અત્યારે થઈ શકશે નહી. પરંતુ ખાસ વાત એ છે કે, આટલા વરસાદ અને તારજી વચ્ચે પણ આ યુગલે લગ્ન કર્યા હતા. ત્યારે ઓનલાઈન લગ્ન કર્યા બાદ હવે આ કપલ ટોક ઓફ ધ ટાઉન બન્યું છે.
ઓનલાઈન લગ્ન : આ લગ્ન ખૂબ જ અનોખા રહ્યા હતા. લગ્નની સૌથી ખાસ વાત એ હતી કે, ન તો વર-કન્યાએ સાત ફેરા લીધા, ન તો દુલ્હનને વરરાજાએ સિંદૂર લગાવ્યું, ન દુલ્હને મંગળસૂત્ર પહેર્યું. કારણ કે, આ લગ્ન ઓનલાઇન થયા હતા. પૂજારીએ વર-કન્યાને વિડીયો કોલના માધ્યમથી એકબીજાની સામે બેસાડ્યા અને મંત્રોચ્ચાર કરીને તેમના લગ્ન કરાવ્યા હતા. તમામ વિધિ પણ ઓનલાઈન કરવામાં આવી હતી. હવે આ લગ્નની ચર્ચા રાજ્યભરમાં થઈ રહી છે.
બંને પરિવારોની સહમતી : વર-કન્યાના સંબંધીઓએ જણાવ્યું કે, વરસાદના કારણે હિમાચલ પ્રદેશના રસ્તાઓ બંધ થઈ ગયા છે. આ વરસાદી મોસમમાં જાન લઈ જવી અશક્ય હતી. આવી સ્થિતિમાં લગ્ન રદ કરવાને બદલે તેને ઓનલાઈન લગ્નનો વિચાર આવ્યો. ત્યારબાદ બંને પરિવારની સહમતીથી વર-કન્યાએ ઓનલાઈન લગ્ન કરી લીધા હતા. આ ઓનલાઈન લગ્ન કોઈપણ અવરોધ વિના પૂર્ણ થયા હતા.
રાકેશ સિંઘા પણ ઉપસ્થિત : આ અનોખા લગ્નનો વિડીયો સોશિયલ મીડિયા પર લાઈવ કરવામાં આવ્યો હતો. જેમાં જોવા મળે છે કે, વરરાજા હોટલમાં તૈયાર બેઠો છે. તેની સાથે તેના સંબંધીઓ અને અન્ય લોકો પણ હાજર છે. આ વિડીયોમાં પૂર્વ ધારાસભ્ય રાકેશ સિંઘા પણ ઉપસ્થિત હતા. જોકે, પરિવારના સભ્યો એક વર્ષથી ધામધૂમથી લગ્નની તૈયારી કરી રહ્યા હતા, પરંતુ વરસાદે લગ્નની તમામ તૈયારીઓ પર પાણી ફેરવી દીધું હતું.