- 1 ઓક્ટોબરના રોજ ઉજવાય છે વિશ્વ શાકાહાર દિવસ
- શાકાહારને લઈને જાગૃતતા પ્રસરાવવા માટે થાય છે ઉજવણી
- વિશ્વભરમાં શાકાહારને લઈને ઉભી થઈ છે સેંકડો ગેરમાન્યતાઓ
ન્યૂઝ ડેસ્ક: દર વર્ષની જેમ આ વર્ષે પણ 1 ઓક્ટોબરના રોજ વિશ્વ શાકાહાર દિવસ (World vegetarian Day 2021) ઉજવવામાં આવે છે. આ દિવસની ઉજવણી શાકાહારી આહારના લાભ અંગે જાગૃતતા પ્રસરાવવા માટે કરાય છે. શાકાહારી ભોજનના લાભ તો અનેક છે, પરંતુ તેને લઈને કેટલીક ગેરમાન્યતાઓ પણ લોકોમાં જોવા મળે છે. જેને દૂર કરવી ખરેખર જરૂરી છે.
1. શાકાહારી ડાયટમાં પર્યાપ્ત પ્રોટીન નથી હોતું
જવાબ - આયુર્વેદિક તબીબોના જણાવ્યા મુજબ, એવા ઘણા બધા શાકાહારી ખાદ્ય પદાર્થો છે, પરંતુ લોકો તેનાંથી અજાણ છે. ટોફૂ, પનીર, દાળ, છોલે, ક્વિનોઆ, સોયા, મશરૂમ, ચણા, બીન્સ, બદામ, કાજૂ, અખરોટ જેવા અનેક શાકાહારી ખાદ્ય પદાર્થો છે, જેનો આહારમાં ઉપયોગ કરી શકાય છે.
2. શાકાહારી ભોજન બોરિંગ છે
જવાબ - સતયુગ, દ્વાપરયુગ સહિતના યુગોમાં શાકાહારી ભોજન સાત્વિક માનવામાં આવતું હતું. આયુર્વેદમાં જણાવ્યા પ્રમાણે, શાકાહારી ડાયટ દ્વારા લોકોમાં ક્રોધ અને નિરાશા ઉત્પન્ન કરનારા હાર્મોન્સને કાબૂમાં કરી શકાય છે. શાકાહારી લોકો ફળો અને શાકભાજીને ભરપૂર આનંદથી ખાય છે અને જે લોકો તેને બોરિંગ કહે છે. તે માત્ર તેમની વિચારસરણી છે.
3. શાકાહારી ભોજન કાર્બોહાઈડ્રેટ્સથી ભરપૂર છે
જવાબ - આયુર્વેદિક ડોક્ટર્સનું કહેવું છે કે, શાકાહારી ભોજન પણ ઓછા કાર્બોહાઈડ્રેટ્સ ધરાવતા હોઈ શકે છે. જેમાં ડેરીના પદાર્થ, બેરીઝ, નટ્સ, બીજ, ટામેટા, ડુંગળી, રિંગણ, શિમલા મિર્ચ અને બ્રોકલીનો સમાવેશ થાય છે. જોકે, આહારમાં ફિટ રહેવા માટે તમામ પોષક તત્વોના બેલેન્સ ડાયટ માટે કોઈ વિશેષજ્ઞની મદદ લેવી હિતાવહ છે.
4. શાકાહારી ડાયટ કસરતને અસર કરે છે
જવાબ - ફિટનેસ સાથે સંકળાયેલા મોટાભાગના લોકો માને છે કે, શાકાહારી ભોજનનું પાલન કરવાથી કમજોરી આવી જાય છે અને માંસપેશીઓની વૃદ્ધિ થતી અટકે છે. જોકે, પર્યાપ્ત શાકાહારી પોષક તત્વો પોતાની ડાયટમાં ઉમેરવાથી કસરતને કુશળતા સાથે કરી શકાય છે. શાકાહારી ભોજનમાં પણ પ્રોટીનના સ્ત્રોત છે. જેને આહારમાં શામેલ કરી શકાય છે.
5. દરેક શાકાહારી ભોજન સ્વાસ્થ્યવર્ધક હોય છે
જવાબ - જો તમને લાગતું હોય કે, શાકાહારી ચિન્હ એટલે કે ગ્રીન સ્ટેમ્પ ધરાવતા તમામ ભોજન સ્વસ્થ છે, તો આપ ખોટા હોઈ શકો છો. બજારમાં ઘણા શાકાહારી ખાદ્ય પદાર્થોમાં મીઠું તેમજ ખાંડનું પ્રમાણ ઘણું વધારે હોય છે. જે સ્વાસ્થ્યને વિપરિત અસર કરી શકે છે. જેથી સંતુલિત પોષણની સાથે સાથે તાજા ખાદ્ય પદાર્થોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે.