ભુવનેશ્વરઃ ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકના પૂર્વ અંગત સચિવ અને આઈએએસ એવા વી. કે.પાંડિયને સરકારી સેવાઓમાંથી સ્વૈચ્છિક નિવૃત્તિ લીધાના 24 કલાકમાં કેબિનેટ રેન્ક મળ્યો છે. પાંડિયનને '5ટી'(પરિવર્તનકારક પહેલ)ના અધ્યક્ષ નિમવામાં આવ્યા છે. આ જાણકારી એક સત્તાવાર સૂચના દ્વારા આપવામાં આવી છે. જનરલ એડમિનિસ્ટ્રેશન ડિપાર્ટમેન્ટ તરફથી મળતી જાણકારી અનુસાર વી. કે. પાંડિયનને કેબિનેટ રેન્ક મળ્યો છે. તેઓ સીધા મુખ્ય પ્રધાનના આધીન કામ કરશે.
સોમવારે સ્વૈચ્છિક સેવા નિવૃત્તિઃ ઉલ્લેખનીય છે કે ઓડિશાના મુખ્ય પ્રધાન નવીન પટનાયકના પૂર્વ અંગત સચિવ પાંડિયને વિધાનસભા ચૂંટણી પહેલા જ સોમવારે સ્વૈચ્છિક સેવા નિવૃત્તિ લીધી હતી. ત્યારબાદ સત્તાધીશ પાર્ટી બીજુ જનતા દળ(BJD)ના સુત્રો અનુસાર તેમણે પાર્ટીમાં જોડાવવાની સંભાવના વ્યક્ત કરી હતી. પાંડિયન ઓડિશા મુખ્ય પ્રધાનના અત્યંત અંગત માનવામાં આવે છે અને તેઓ સતત વિવાદોમાં ઘેરાયેલા જોવા મળે છે. વિપક્ષો હંમેશા પાંડિયન પર પદના દુરઉપયોગનો અને રાજકીય લાભ માટે સત્તાના ગેરલાભનો આક્ષેપ લગાડે છે.
વી. કે. પાંડિયન વિશેઃ પાંડિયન ગંજામના રહેવાસી છે અને 2000 બેચના ઓડિશા કેડરના આઈએએસ ઓફિસર છે. વર્ષ 2011માં મુખ્ય પ્રધાન કાર્યાલય (સીએમઓ)માં તેમની નિમણુંક થઈ હતી. ત્યારથી તેઓ મુખ્ય પ્રધાન પટનાયકના મુખ્ય સચિવ તરીકે ફરજ બજાવતા હતા. 2019માં નવીન પટનાયક 5મી વાર મુખ્ય પ્રધાન બન્યા ત્યારબાદ પાંડિયનને સરકારી વિભાગોમાં પરિવર્તનકારી પહલોને અમલ કરવા માટે '5ટી સચિવ' તરીકેની વધારાની જવાબદારી સોંપાઈ હતી. પાંડિયનની કારકિર્દીની શરુઆત 2002માં કાલાહાંડી જિલ્લાના ધર્મગઢમાં નાયબ કલેક્ટર તરીકે થઈ હતી. 2005માં મયૂરભંજ જિલ્લાના ડીડીઓ તરીકે તેમને નિમણુંક કરવામાં આવ્યા. વર્ષ 2007માં પાંડિયનની ટ્રાન્સફર ગંજામમાં કરી દેવાઈ. આ દરમિયાન પાંડિયન મુખ્ય પ્રધાન નવીન પટનાયકના અંગત વ્યક્તિ બન્યા હતા.
પાંડિયન અને વિવાદોઃ વી. કે. પાંડિયને તોફાન દરમિયાન જન ફરિયાદો સાંભળવા માટે કુલ 190 બેઠકો કરી હતી. આ બેઠકોને લીધે વિપક્ષોની નજરમાં પાંડિયન ખટકતા હતા. ભાજપ અને કૉંગ્રેસે પાંડિયનને રાજીનામુ આપીને બીજેડીમાં સત્તાવાર રીતે જોડાઈ જવાની સલાહ પણ આપી હતી. સરકારી સેવામાં હોવા છતા પાંડિયને પક્ષનો ખૂબ પ્રચાર કર્યો હોય તેવા આક્ષેપો પણ તેમના પર લાગ્યા છે. કૉંગ્રેસ સાંસદ સપ્તગીરી ઉલ્કાએ પાંડિયને રાજીનામુ આપ્યું તેના પર કહ્યુ કે પાંડિયન મુખ્ય પ્રધાન પદ સંભાળી લેશે તો ય મને નવાઈ નહીં લાગે.