મુઝફ્ફરનગરઃ શહેરની નેહા પબ્લિક સ્કૂલમાં એક વિધર્મી વિદ્યાર્થીને સાથે અભ્યાસ કરતા અન્ય વિદ્યાર્થીઓ દ્વારા લાફો મારવાની ઘટનાનો વિવાદ વકર્યો છે. આ મામલો રાષ્ટ્રીય માનવાધિકાર આયોગ સુધી પહોંચી ગયો છે. આયોગે આ ઘટનાને ગંભીરતાથી લેતા કડક કાર્યવાહી કરી છે. આયોગે આ ઘટનાને માનવાધિકારનું ઉલ્લંઘન ગણ્યું છે અને ઉત્તરપ્રદેશ સરકારને નોટિસ ફટકારી છે. આયોગે સરકારના મુખ્ય સચિવ અને ડીજીપી 4 અઠવાડિયામાં તપાસ કરીને વિસ્તૃત રિપોર્ટ રજૂ કરવા આદેશ કર્યો છે.
રાષ્ટ્રીય માનવાધિકાર આયોગની કાર્યવાહીઃ આ ઘટનામાં આયોગે જાતે જ ઘટનાની માહિતી મીડિયામાંથી મેળવી હતી. જેમાં શિક્ષક દ્વારા વિધર્મી વિદ્યાર્થીને મારવાના આદેશ અન્ય વિદ્યાર્થીઓને અપાયા હતા. આ ઘટના મુઝફ્ફરનગરના ખુબ્બાપુરા ગામની ખાનગી શાળામાં ઘટી હતી. પીડિત વિદ્યાર્થીના પરિવારજનો કહે છે કે વર્ગમાં ઘડિયા બોલવામાં ભૂલ થતા વિદ્યાર્થીને સહપાઠીઓ દ્વારા મારવામાં આવ્યો છે. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારબાદ શિક્ષક અને સ્કૂલ વિરૂદ્ધ કાર્યવાહીની માંગણી પણ કરવામાં આવી હતી. આયોગે મીડિયામાં વાયરલ થયેલા વીડિયો પરથી કાર્યવાહી શરૂ કરી છે. આયોગ માને છે કે જો વીડિયો સાચો હોય તો તેમાં માનવાધિકારનું સ્પષ્ટપણે ઉલ્લંઘન જોવા મળે છે.
નોટિસના આદેશોઃ રાષ્ટ્રીય માનવાધિકાર આયોગે સરકારના મુખ્ય સચિવ અને ડીજીપીને વિસ્તૃત તપાસના આદેશ આપ્યા છે. જેમાં શિક્ષક વિરૂદ્ધ નોંધવામાં આવેલી એફઆરઆઈની સ્થિતિ, પીડિત પરિવારને અપાયેલ વળતરની વાસ્તવિક સ્થિતિ વિશે સચોટ માહિતી દર્શાવતો રિપોર્ટ આયોગમાં જમા કરાવવાનો સ્પષ્ટ ઉલ્લેખ છે. આયોગે આ રિપોર્ટ જમા કરાવવા 4 અઠવાડિયાનો સમય આપ્યો છે.