બિહાર : મુજફ્ફરપુરના રહેવાસી મોહમ્મદ શમશાદ અહેમદના બે પુત્રો આકાશ બાયજૂસમાં અભ્યાસ કરતા હતા. કોઈ બાબતે તેઓએ ત્યાં જવાનું બંધ કર્યું પરંતુ તેની સામે તેઓની ફીને લઈને સમસ્યા સામે આવતા ફરિયાદીએ ગ્રાહક આયોગમાં ફરિયાદ કરી હતી. આ મામલે જિલ્લા ગ્રાહક આયોગ દ્વારા શાહરૂખ ખાન અને ફૂટબોલર લિયોનેલ મેસ્સીને નોટિસ જાહેર કરવામાં આવી છે.
શું હતો મામલો ? મુજફ્ફરપુર જિલ્લાના ચંદવારા મોહલ્લાના રહેવાસી મોહમ્મદ શમશાદ અહેમદે તેમના પુત્રોને શૈક્ષણિક સંસ્થા આકાશ બાયજૂસની મુઝફ્ફરપુર ખાતેની બ્રાંચમાં એડમિશન કરાવ્યું હતું. રજીસ્ટ્રેશન સમયે તેમણે રજીસ્ટ્રેશન ફી ચૂકવી હતી ઉપરાંત તેમના બાળકોએ સંસ્થામાં જેટલા દિવસ સુધી અભ્યાસ કર્યો તેની સંપૂર્ણ ફી પણ તેમના દ્વારા ચૂકવવામાં આવી હતી.
આકાશ બાયજૂસ વિરુદ્ધ આમ નાગરિક : ફરિયાદીના બંને પુત્રો સંસ્થાની શૈક્ષણિક પ્રણાલીથી અસંતુષ્ટ હતા અને તેમણે સંસ્થા છોડવાનો નિર્ણય લીધો હતો. ફરિયાદી દ્વારા સંસ્થાને આ અંગે લેખિત માહિતી આપવામાં આવી હતી. ત્યારબાદ તેના બાળકોએ સંસ્થામાં જવાનું બંધ કરી દીધું હતું. થોડા દિવસો પછી ફરિયાદીને ખબર પડી કે સંસ્થાએ તેમના બંને બાળકોની શૈક્ષણિક ફી માટે બે અલગ-અલગ લોન આપી હતી.
જિલ્લા ગ્રાહક આયોગમાં ફરિયાદ : ફરિયાદી દ્વારા સંસ્થાને આ બાબતે ફરિયાદ કરવામાં આવી હતી. પરંતુ સંસ્થા દ્વારા ફરિયાદીની બાબતનું સમાધાન કરવામાં આવ્યું નહોતું. ત્યારબાદ ફરિયાદી તરફથી માનવ અધિકારના વકીલ એસ.કે. ઝા દ્વારા 30 ઓક્ટોબરના રોજ જિલ્લા ગ્રાહક આયોગ સમક્ષ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. ફરિયાદના આધાર પર આયોગના અધ્યક્ષ પીયૂષ કમલ દીક્ષિત, સભ્ય સુનિલકુમાર તિવારી અને શ્રીમતી અનુસૂયાની પૂર્ણ બેન્ચ દ્વારા કેસની સુનાવણી કરવામાં આવી હતી.
શાહરૂખ અને મેસ્સીને નોટિસ ફટકારી : ત્યારબાદ ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન, ફૂટબોલર લિયોનેલ મેસ્સી અને સંસ્થાના મેનેજિંગ ડિરેક્ટર સહિત કુલ સાત વિરોધી પક્ષકારોને નોટિસ જાહેર કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો. તમામ વિરોધી પક્ષકારોને 12 જાન્યુઆરીના રોજ આયોગ સમક્ષ હાજર થવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ફરિયાદીની દલીલ : એડવોકેટ એસ. કે. ઝાએ કહ્યું કે, આ સમગ્ર મામલો ગ્રાહક સુરક્ષા અધિનિયમ હેઠળ સર્વિસમાં ઉણપ અને નકલી જાહેરાત સાથે સંબંધિત છે, જે ગ્રાહક સુરક્ષા કાયદાની વિરુદ્ધ છે. ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાન અને ફૂટબોલર લિયોનેલ મેસ્સી તેના બ્રાન્ડ એમ્બેસેડર હોવાથી તેમને પણ વિરોધી પક્ષકાર બનાવવામાં આવ્યા છે. જો આ લોકો આયોગે નક્કી કરેલી તારીખે હાજર નહીં રહે તો આયોગ તેમની સામે આગળની કાર્યવાહી કરશે.