નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર ઉત્તર પૂર્વીય રાજ્યો માટેની ખાસ જોગવાઈઓ પર આશંકા કરતી નથી. આવી આશંકા ઊભી કરવાનો કોઈ પ્રયત્ન પણ કરવામાં આવ્યો નથી. ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા ડી. વાય. ચંદ્ર ચૂડ સહિત પાંચ જજની બેન્ચ સમક્ષ સોલિસિટર તુષાર મહેતાએ ઉત્તર પૂર્વીય રાજ્યોની ખાસ જોગવાઈઓ વિશે કેન્દ્રનો મત રજૂ કર્યો હતો. એડવોકેટ મનિષ તિવારીએ જે રીતે કલમ 370 નાબૂદ કરી તે રીતે અન્ય જોગવાઈઓ કેન્દ્ર સરકાર રદ કરી શકે છે તેવી દલીલ રજૂ કરી હતી. તેના જવાબમાં તુષાર મહેતાએ કેન્દ્ર સરકારનો પક્ષ રજૂ કર્યો હતો.
મનિષ તિવારીની દલીલઃ કૉંગ્રેસ નેતા અને લોકસભા સાંસદ મનિષ તિવારી અરૂણાચલપ્રદેશના પૂર્વ ધારાસભ્ય પડી રીકોનો બચાવ કરી રહ્યા હતા. તેમણે કલમ 370ને રદ કરતી અરજીઓ સંદર્ભે પોતાની દલીલો રજૂ કરી હતી. તિવારીની દલીલના જવાબમાં તુષાર મહેતાએ જણાવ્યું કે કલમ 370 એક અસ્થાયીજોગવાઈ હતી. તેમજ આપણે 370 કલમ જેવી અસ્થાયી જોગવાઈ અને ઉત્તર પૂર્વીય રાજ્યો માટેની વિશેષ જોગવાઈ વચ્ચેનો તફાવત સમજવો જોઈએ. વિશેષ જોગવાઈઓ સાથે ચેડા કરવાનો કેન્દ્ર સરકારનો કોઈ ઈરાદો નથી અને આ અંગે કોઈ આશંકા પણ નથી અને આશંકા ઊભી કરવાની જરૂરિયાત પણ નથી. મનિષ તિવારીએ દલીલ કરી હતી કે ભારતમાં ઉત્તર પૂર્વીય રાજ્યોને મળતી ખાસ જોગવાઈ પરની સહેજ પણ આશંકા ગંભીર પરિણામો લાવી શકે છે. કલમ 370 જમ્મુ કાશ્મીરને લાગુ પડતી હતી તેનું અર્થઘટન સંભવિત રીતે અન્ય જોગવાઈઓને અસર કરી શકે છે.
કલમ 370 એક અલગ મામલોઃ સીજેઆઈ ચંદ્રચૂડે કહ્યું કે, કલમ 370 પર અમે શા માટે આશંકા કરીએ,જ્યારે કેન્દ્રનો આવો કોઈ ઈરાદો જ નથી. કેન્દ્ર સરકારના નિવેદનથી આશંકાઓ દૂર થઈ ગઈ છે. ત્યાર બાદ બેન્ચે ઉમેર્યું કે, વિશેષ જોગવાઈઓને સ્પર્શવાનો તો કોઈ ઈરાદો નથી. આ કેસમાં કલમ 370નો સંદર્ભ અને ઉત્તર પૂર્વીય રાજ્યોને મળતી વિશેષ જોગવાઈઓના ચેડા વચ્ચે કોઈ સમાનતા નથી.
હસ્તક્ષેપની અરજી રદ કરાઈઃ ન્યાયાધિશ ખંડપીઠે તુષાર મહેતાની દલીલો સાંભળીને હસ્તક્ષેપ કરતી અરજીને સત્વરે ડિસ્પોઝ કરી હતી. ખંડપીઠે કહ્યું કે, હસ્તક્ષેપ અરજીઓ જમ્મુ કાશ્મીર સંદર્ભે બંધારણના XXIમાં સમાવિષ્ટ જોગવાઈઓ સિવાય ઉત્તર પૂર્વીય પ્રદેશોને સંચાલિત કરતી વિશેષ જોગવાઈઓ છે. ખંડપીઠે આદેશ કરતા કહ્યું કે, ભારતીય સંઘ વતી સોલિસિટર જનરલની દલીલ મુજબ કોઈપણ ઘટનામાં આ પ્રકારની આશંકાઓની જરૂર નથી. કલમ 370 અને હસ્તક્ષેપની અરજી અલગ મામલો છે.