નવી દિલ્હીઃ લોકસભાની કામગીરી દરમિયાન બુધવારે બપોરે 12 કલાકે ફરીથી શરૂ થઈ હતી. જેવી કાર્યવાહી શરૂ થઈ કે તરત જ રાહુલ ગાંધીએ વિપક્ષ તરફથી અવિશ્વાસ પ્રસ્તાવ પર ચર્ચા શરૂ કરી હતી. બંને પક્ષના આરોપ-પ્રત્યારોપ દરમિયાન સદનમાં વિપક્ષ તરફ સોનિયા ગાંધી ઈશારા કરતા જોવા મળ્યા હતા.
અગાઉથી જ હાજર હતા સોનિયા ગાંધીઃ 12 કલાકે સદનની કાર્યવાહી શરૂ થાય તે પહેલા જ રાહુલ ગાંધી સદનમાં દાખલ થયા તેની અગાઉ સોનિયા ગાંધી સદનમાં હાજર હતા. વિપક્ષ બેન્ચની તરફ સૌથી આગળ સોનિયા ગાંધી , ફારૂક અબ્દુ્લા બંને જણ રાહુલ ગાંધીને તેમના ભાષણ દરમિયાન સલાહ આપતા નજરે પડ્યા હતા. રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન સોનિયા ગાંધી સતત ફારૂક અબ્દુલ્લા, એ રાજા, સુપ્રિયા સુલે, કનિમોઝી અને અધીર રંજન ચૌધરી સાથે વિચાર-વિમર્શ કરતા નજરે પડ્યા હતા.
હોબાળા માટે પ્રોત્સાહિનઃ રાહુલના ભાષણ દરમિયાન સોનિયા ગાંધી ક્યારેક તાળી પાડતા તો અધીર રંજન અને ગૌરવ ગોગોઈ દ્વારા રાહુલ સુધી સંદેશો પહોંચાડતા જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીના ભાષણ દરમિયાન જ્યારે ભાજપ તરફથી વિક્ષેપ ઊભા કરવામાં આવતા ત્યારે સોનિયા ગાંધી કૉંગ્રેસ સાંસદોને હોબાળો કરવા માટે પ્રોત્સાહિત કરતા હતા.
સ્મૃતિ ઈરાનીના ભાષણ દરમિયાન પણ સૂત્રોચ્ચારઃ સ્મૃતિ ઈરાનીના ભાષણ દરમિયાન ઘણીવાર સોનિયા ગાંધીના ઈશારે કૉંગ્રેસ સાંસદોએ સદનમાં ઊભા થઈ હોબાળો તેમજ સૂત્રોચ્ચાર કર્યા હતા. અધીર રંજનને સ્મૃતિ ઈરાનીના ભાષણનો વિરોધ કરવા પણ સોનિયા ગાંધીએ જ ઊભા કર્યા હતા.
સ્મૃતિ ઈરાનીનો પલટવારઃ સોનિયા ગાંધીની સક્રિયતા અને કૉંગ્રેસ સાંસદો દ્વારા વારંવાર વિક્ષેપ, સૂત્રોચ્ચારથી નારાજ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીએ નામ લીધા વિના સોનિયા ગાંધી પર વાકપ્રહાર કરતા કહ્યું કે તેઓ મજબૂર છે અને તેમને પણ કદાચ રિમોટથી ડાયરેક્શન આપવું પડે છે. એક સમય એવો પણ આવ્યો કે જ્યારે કૉંગ્રેસ સાંસદોના હોબાળા વચ્ચે બેઠા બેઠા મણિપુર મણિપુરનો સૂત્રોચ્ચાર કર્યો હતો.