નવી દિલ્હીઃ માર્ગ અને કેન્દ્રીય પ્રધાન નીતિન ગડકરી બુધવારે કહ્યું કે ઈથેનોલથી ચાલતી ટોયોટા ઈનોવા કાર 29 ઓગસ્ટે લોન્ચ કરવામાં આવશે. ગડકરી હંમેશા બિનપરંપરાગત ઈંધણથી ચાલતા વાહનોને પ્રાધાન્ય આપે છે. જે ગ્રીન વ્હિકલ્સ કહેવાય છે. તેમણે ગયા વર્ષે ટોયોટા મિરાઈ ઈવી હાઈડ્રોજન પાવર્ડ કાર લોન્ચ કરી હતી.
બાયો ફ્યુઅલની અનિવાર્યતાઃ મિન્ટ સસ્ટેઈનબિલિટી સમિટને સંબોધન કરતી વખતે ગડકરી એ કહ્યું કે, 29 ઓગસ્ટના રોજ હું 100 ટકા ઈથેનોલથી ચાલતી ટોયોટા ઈનોવા કારનું લોકાર્પણ કરીશ. આ કાર વિશ્વની સૌપ્રથમ BS-VI(Stage-II) ઈલેક્ટ્રિફાઈડ ફ્લેક્ષ ફ્યુઅલ વ્હીકલ હશે. તેમણે જણાવ્યું કે, હું 2004થી જ્યારથી પેટ્રોલના ભાવ સતત વધી રહ્યા છે ત્યારથી બાયોફ્યુઅલમાં રસ લઈ રહ્યો છું મેં આ સંદર્ભે બ્રાઝિલની મુલાકાત પણ કરી છે.
16 લાખ કરોડનું પેટ્રોલિયમઃ તેમનો અભિપ્રાય છે કે બાયોફ્યુઅલથી પેટ્રોલિયમ આયાતમાં જે મૂડી વપરાય છે તેમાં ઘણી બચત થશે. જો આપણે સાચા અર્થમાં આત્મનિર્ભર થવું હોય તો તેલના આયાતમાં અપાતા નાણાં અટકાવવા પડશે. અત્યારે આપણે 16 લાખ કરોડ રૂપિયા ચૂકવીએ છીએ. જે આપણી અર્થવ્યવસ્થા પર બહુ મોટો ભાર છે.
65000 કરોડના રોડ પ્રોજેક્ટ્સઃ આપણે આ દિશામાં ઘણા પ્રયત્નો કરી રહ્યા છીએ પરંતુ તે પૂરતા નથી આપણે વધુ પ્રયત્નો કરવા પડશે કારણ કે પ્રદૂષણ બહુ મોટી સમસ્યા છે. ઈકોલોજી અને પર્યાવરણ બહુ મહત્વના છે. આપણે હવા અને પાણીનું પ્રદૂષણ ઘટાડવું જ પડશે. આપણે નદીઓને શુદ્ધ કરીને પાણીની ગુણવત્તા સુધારવી જ પડશે. આ એક મોટો પડકાર છે. આપણે આપણું પર્યાવરણ બચાવવું જ પડશે. દ્વારકા એક્સપ્રેસ વે સહિત 65000 કરોડના ઘણા રોડ પ્રોજેક્ટ આ વર્ષના અંત સુધીમાં પૂરા થઈ જશે.
લોજિસ્ટિક કોસ્ટમાં ઘટાડોઃ તેમણે રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના વ્યાપક વપરાશને લીધે કેન્સર જેવા રોગો થાય છે તેનો પણ ઉલ્લેખ કર્યો. વધુ હાઈવેના નિર્માણને પરિણામે લોજિસ્ટિક કોસ્ટ જે અત્યારે 14થી 16 ટકા જેટલી છે તે લગભગ ઘટીને 9 ટકા જેટલીથવાની સંભાવના છે.