- કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેની ધરપકડ બાદ પ્રથમ પત્રકાર પરિષદ
- નારાયણ રાણે વિરુદ્ધ 17 સપ્ટેમ્બર સુધી કોઈ કડક કાર્યવાહી નહીં થાય
- પત્રકાર પરિષદમાં રાણેએ શિવસેનાને લીધી આડેહાથ
મુંબઈ: મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે પર ટિપ્પણી કરવાના કેસમાં કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેને જામીન મળ્યા છે. આ પછી, આજે બુધવારે પત્રકાર પરિષદમાં રાણેએ કહ્યું કે તેમને શિવસેનાથી કોઈ ડર નથી. આને લગતી અન્ય ઘટનામાં રાણેની અરજી પર બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી થઈ હતી. જેમાં સરકારે કહ્યું હતું કે, રાણે સામે કોઈ જબરદસ્તી કાર્યવાહી નહીં કરવામાં આવે. ટૂંકી સુનવણી બાદ કોર્ટે આ કેસમાં આગામી સુનાવણી માટે 17 સપ્ટેમ્બરની તારીખ નક્કી કરી છે.
આગામી સુનાવણી સુધી કોઈ સખત કાર્યવાહી નહીં કરાય
આજે બુધવારે વહેલી સવારે મહારાષ્ટ્ર સરકારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે, નાસિકમાં નોંધાયેલી FIRના સંદર્ભમાં કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણે વિરુદ્ધ મુખ્યપ્રધાન ઉદ્ધવ ઠાકરે સામેની તેમની ટિપ્પણી અંગે કોઈ જબરદસ્તી કાર્યવાહી નહીં કરવામાં આવે.
સુનવણીમાં રાણેએ કરી તમામ કેસ રદ્દ કરવાની માંગણી
જસ્ટિસ એસ.એસ. શિંદે અને એન. જે. જમાદારની ડિવિઝન બેન્ચ રાણે દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર સુનાવણી કરી રહી હતી, જેમાં નાસિકમાં દાખલ કરવામાં આવેલી FIR અને ભવિષ્યમાં નોંધાય તેવા અન્ય તમામ કેસ રદ્દ કરવાની માંગણી કરવામાં આવી હતી. રાણેએ મંગળવારે દાખલ કરેલી અરજીમાં ધરપકડથી રક્ષણ પણ માંગ્યું છે.
શું હતું રાણેનું વિવાદાસ્પદ નિવેદન
ઉદ્ધવને થપ્પડ મારવાના રાણેના નિવેદન પર વિવાદ રાણેએ દાવો કર્યો છે કે, તેમના સ્વતંત્રતા દિવસના સંબોધનમાં ઠાકરે ભૂલી ગયા હતા કે, દેશની આઝાદીને કેટલા વર્ષો વીતી ગયા છે અને આ સંદર્ભમાં જ પ્રધાને આ વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. સોમવારે રાયગઢ જિલ્લામાં 'જન આશીર્વાદ યાત્રા' દરમિયાન રાણેએ કહ્યું હતું કે, "આ શરમજનક છે કે મુખ્યપ્રધાનને ખબર નથી કે આઝાદીને કેટલા વર્ષો વીતી ગયા છે. ભાષણ દરમિયાન, તે પાછળ જોતા અને તેના વિશે પૂછપરછ કરતા જોવા મળ્યા હતા. જો હું ત્યાં હોત, તો મેં તેને સખત થપ્પડ માર્યો હોત."