રાંચી : પૂર્વ ભારતીય કેપ્ટન એમએસ ધોની સાથે કરોડો રૂપિયાની છેતરપિંડી કરવામાં આવી છે. ધોની સાથે આ છેતરપિંડી તેના નજીકના મિત્ર અને ભૂતપૂર્વ બિઝનેસ પાર્ટનર મિહિર દિવાકરે કરી છે. કેપ્ટન કૂલે અર્કા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર દિવાકર અને સૌમ્યા વિશ્વાસ વિરુદ્ધ રાંચીની કોર્ટમાં ફોજદારી કેસ દાખલ કર્યો છે. ધોનીએ તેના પૂર્વ બિઝનેસ પાર્ટનર પર 15 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે.
ધોની સાથે કરાર હતો : મીડિયા રિપોર્ટ્સ અનુસાર દિવાકરે વર્લ્ડ ક્લાસ ક્રિકેટ એકેડમીની સ્થાપના માટે 2017માં ધોની સાથે કરાર કર્યો હતો. જેના માટે કેટલાક નિયમો અને શરતો પણ મૂકવામાં આવી હતી. પરંતુ, મિહિરે આ શરતોનું પાલન કર્યું ન હતું અને નફો પણ શેર કર્યો ન હતો. કહેવામાં આવી રહ્યું છે કે આના કારણે ધોનીને 15 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
આર્કા સ્પોર્ટ્સને નોટિસ મોકલી : કેસ દાખલ કરતા પહેલાં ધોનીએ શરતોનું પાલન ન કરવા પર 15 ઓગસ્ટ 2021ના રોજ આર્કા સ્પોર્ટ્સને નોટિસ મોકલી હતી. જે બાદ અર્કા સ્પોર્ટ્સને આપવામાં આવેલા અધિકારો રદ કરવામાં આવ્યા હતા. ધોનીએ તેના બિઝનેસ પાર્ટનર વિરુદ્ધ અનેક નોટિસો પણ મોકલી હતી, પરંતુ તેમ છતાં તેનો કોઈ ફાયદો થયો ન હતો. અર્કા સ્પોર્ટ્સે ધોની સાથે છેતરપિંડી કરી છે, જેના કારણે ધોનીને 15 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
ખેલાડીઓ સાથે થતી છેતરપિંડી : ટોચના ક્રિકેટરો સાથે છેતરપિંડીનો આ કિસ્સો નવો નથી. તાજેતરમાં જ ડાબોડી વિકેટકીપર બેટ્સમેન ઋષભ પંત સાથે પણ કરોડોની છેતરપિંડીનો મામલો સામે આવ્યો હતો.2020-21માં મૃણાલ સિંહ નામના વ્યક્તિએ પંતને સસ્તા દરે સસ્તી લક્ઝરી ઘડિયાળો અપાવવાની લાલચ આપીને તેની સાથે 1.63 કરોડ રૂપિયાની છેતરપિંડી કરી હતી. પોલીસે 25 ડિસેમ્બરે આરોપીની ધરપકડ કરી હતી.