ભોપાલઃ વડાપ્રધાન મોદીએ કહ્યું કે દેશની કોઈ બહેન, દીકરી ધૂમાડામાં રસોઈ ન બનાવે તે માટે કેન્દ્ર સરકારે નિર્ણય લીધો છે. હવે 75 લાખ બહેનોને મફત ગેસ કનેકશન આપવામાં આવશે. કોઈપણ બહેન આ સુવિધાથી વંચિત ન રહી જાય તેવો અમારો પ્રયાસ છે. અમે એક વાર આ યોજનાનો અમલ કરી ચુક્યા છે, પરંતુ પરિવારોનો વિસ્તાર થયો છે. તેથી આ નવા વિક્સેલા પરિવાર માટે અમે આ યોજના લાવી રહ્યા છીએ.
ઉજ્જવલાના કુલ લાભાર્થીઓ 10 કરોડથી વધુઃ 75 લાખ નવા ગેસ કનેકશન ફ્રીમાં આપવામાં સરકાર કુલ રૂ 1650 કરોડનો ખર્ચ કરશે. 75 લાખ નવા ગેસ કનેકશન ફ્રીમાં મળવાને લીધે ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓની સંખ્યા 10.35 કરોડ સુધી પહોંચી જશે.બિનામાં વડાપ્રધાન મોદીએ મહિલાઓ મતદારોને ધ્યાનમાં રાખીને માટે યોજનાની જાહેરાત કરી છે. ઉજ્જવલા લાભાર્થી બહેનોને ગેસ સિલિન્ડર ચાર સો રૂપિયા સસ્તો મળી રહ્યો છે.
ગેરંટી ટ્રેક રેકોર્ડ ચેક કરોઃ વડાપ્રધાન મોદીએ વિરોધીઓ અને પોતાનો ગેરંટી ટ્રેક રેકોર્ડ તપાસવા કહ્યું. મોદીએ પાકા મકાનોનું વચન આપ્યું હતું આજે 40 લાખથી વધુ પાકા મકાનો લાભાર્થીઓને મળ્યા છે. દરેક ઘરે ટોયલેટની ગેરંટી પણ પૂરી કરવામાં આવી રહી છે. ગરીબોને મફત સારવાર મળી રહી છે. દરેક પરિવારનું બેન્ક એકાઉન્ટ ખુલ્યું છે. અમે સરકારના લાભો સીધા લાભાર્થી સુધી પહોંચાડવા માટે વચેટિયાને દૂર કર્યા છે.
દસ કરોડ પરિવારોને મળી રહ્યું છે નળથી જળઃ વડાપ્રધાન મોદીએ મહિલા વોટરને સંબોધિત કરતા જણાવ્યું કે દેશની દરેક બહેનોને ઘરમાં નળથી પાણી પહોંચે તે માટે ચાર વર્ષમાં દસ કરોડ પરિવારોને પાણી પહોંચાડ્યું છે. મધ્યપ્રદેશમાં 65 લાખ પરિવારો સુધી પાઈપથી પાણી પહોંચ્યું છે. જેમાંથી બુંદેલખંડના માતા અને બહેનોને લાભ મળ્યો છે.