ચેન્નાઈઃ દિવાળીના પર્વે સૌ નાગરિકો ફટાકડા ફોડીને ઉજવણી કરતા હોય છે. જો કે તમિલનાડુના કેટલાક ગામોમાં પક્ષી અને પર્યવારણની જાળવણી માટે દિવાળીની ઉજવણી ફટાકડા ફોડ્યા વિના ખૂબ જ શાંતિથી કરવામાં આવે છે. દક્ષિણ તમિલનાડુના શિવગંગા જિલ્લાના ત્રણ ગામો મુખ્ય છે. આ વિસ્તારમાં વેટ્ટાનગુડી ગામને 1977માં તમિલનાડુ સરકારે પક્ષી અભ્યારણ તરીકે જાહેર કર્યું હતું.
શિવગંગા જિલ્લો એક ટૂરિસ્ટ સ્પોટ પણ છે. જેના પક્ષી અભ્યારણમાં 217થી વધુ વિદેશી પક્ષીઓની જાતો જોવા મળે છે. તેથી વેટ્ટાનગુડી અને તેની આસપાસના ગામો પેરિયા કોલ્લુક્કુડી અને ચિન્ના કોલ્લુક્કુડીના સ્થાનિકો 40 વર્ષથી દિવાળી પર ફટાકડા ફોડતા નથી.
પેરિયા કોલ્લુક્કુડીના સ્થાનિક ચેલ્લામણિ જણાવે છે કે આ પક્ષી અભ્યારણનું નામ ભૂલથી વેટ્ટાંગુડીપટ્ટી અપાઈ ગયું છે તેનું નામ કોલ્લુગુડીપટ્ટી હોવું જોઈએ. અહીં મોટેરાઓ તો ઠીક બાળકો પણ ફટાકડા નથી ફોડતા. શર્મી અને પ્રણવ નામના બે બાળકો જણાવે છે કે શહરમાં કોઈ ફટકડા નથી ફોડતું, જેને ફટાકડા ફોડવા હોય તે શહેરથી દૂર જાય છે. આ સમયે ઈંડામાંથી બચ્ચા બહાર આવવાનો સમય હોય છે તેથી ફટાકડાના અવાજથી પક્ષીઓ ડરી જાય છે. આ કારણથી અમે ફટાકડા ફોડતા નથી.
જ્યારે કોઈમ્બતુર જિલ્લાના કિટ્ટમપાલયમ ગામના લોકો છેલ્લા 20 વર્ષથી દિવાળી અને અન્ય કોઈ તહેવાર કે પ્રસંગે ફટાકડા ફોડતા નથી. આ સંદર્ભે કિટ્ટમપાલયમના સ્થાનિકોનું કહેવું છે કે અમારુ લક્ષ્ય છે કે અમે ગામને સમૃદ્ધ બનાવવા માટે વૃક્ષો વાવીએ. અમે વાવી શકીએ તેટલા વૃક્ષો વાવીએ છીએ. આના વિકલ્પના રુપમાં અમે શહરમાં પક્ષીઓ પ્રજનન કરે તેવો નિર્ણય કર્યો છે.
અલગ અલગ વિસ્તારોના અને અલગ અલગ પ્રજાતિના ચામાચીડિયા તેમજ બીજા પક્ષીઓ અમારા ગામમાં આવે છે, તેમના ખોરાક લીધા બાદ જે બીજ વધીને જમીન પર પડે છે તેનાથી વૃક્ષ ઉગે છે. ચામાચીડિયાના હિતમાં અમારા ગામે 20 વર્ષ પહેલા આ નિર્ણય લીધો હતો. ચામાચીડિયા માટે ધર્મપુરી જિલ્લાના એક ગામમાં તો ઘણા વર્ષોથી ફટાકડા ફોડવામાં નથી આવતા. ધર્મપુરી જિલ્લાના પલક્કોડુ સર્કલ અંતર્ગત બલેનહલ્લી ગામમાં 200થી વધુની વસ્તી છે.
શહેરમાં ત્રણ સદી જૂનું વિશાળ આંબલીનું અને વડનું ઝાડ છે. આ વિશાળકાય ઝાડ અંદાજિત અડધા એકરમાં ફેલાયેલું છે. આ ઝાડમાં જ્યાં પત્તા અને ડાળીનો ઘુમ્મટ બને છે ત્યાં એક મુનિઅપ્પન સ્વામી(તમિલનાડુના એક ગ્રામીણ દેવતા)નું મંદિર છે. આ મંદિરમાં શ્રદ્ધાળુઓ ખૂબ જ આસ્થાથી પૂજા અર્ચના કરે છે.
આ મંદિરની ઉપરના વૃક્ષ પર હજારોની સંખ્યામાં ચામાચીડિયા રહે છે. કહેવાય છે કે ચામાચીડિયા રાત્રે શિકાર કરે છે અને આખો દિવસ ઝાડ પર આરામ કરે છે. આ ચામાચીડિયાને કોઈ ખલેલ ન પહોંચે તે હેતુથી ઘણા વર્ષોથી સ્થાનિકો દિવાળી કે અન્ય કોઈ તહેવાર કે પ્રસંગે ફટાકડા ફોડતા નથી.
તમિલનાડુના ઈરોજ જિલ્લામાં વેલ્લોડ પક્ષી અભિયારણ અંદાજિત 240 એકરમાં ફેલાયેલ છે. કેટલાક વર્ષો પહેલા 2 કરોડ 35 લાખથી વધુનો ખર્ચ કરીને આ પક્ષી અભ્યારણનો જીર્ણોદ્ધાર કરવામાં આવ્યો હતો. અભ્યારણની ચારે તરફ ફરતે કાંટાળી વાડ કરવામાં આવી હતી. આ સંદર્ભે પક્ષી અભ્યારણની આસપાસના 10થી વધુ ગામો જેવાકે મેટ્ટુપાલયમ, પૂંગમબાડી, થલયાનકટ્ટુ વલાસુ, થાચનકરાઈ, સેમ્મમપાલયમ અને એલાયાલયમ છેલ્લા 17 વર્ષથી ફટાકડા ફોડ્યા વિના દિવાળી ઉજવે છે.