- જૉ બાઈડેને રાષ્ટ્રપતિ તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ પ્રથમ સત્તાવાર વાતચીત
- વડાપ્રધાન મોદીએ બાઈડેનને જીતવા બદલ શુભેચ્છા પાઠવીને અનેક મુદ્દાઓ પર કરી ચર્ચા
- અગાઉ વડાપ્રધાન મોદીએ કમલા હેરિસને પણ શુભેચ્છા પાઠવી હતી
નવી દિલ્હી: ગત મહિને જૉ બાઈડેને અમેરિકાનાં રાષ્ટ્રપતિ તરીકેનો પદભાર સંભાળ્યા પછી બંને વૈશ્વિક નેતાઓ વચ્ચે આ પહેલી સત્તાવાર વાતચીત છે. આ વાતચીત દરમ્યાન વડાપ્રધાન મોદીએ બાઈડેનને ચૂંટણી જીતવા બદલ અભિનંદન પણ પાઠવ્યા હતા અને વિવિધ મુદ્દાઓ પર સાથે મળીને કામ કરવાની તૈયારી દર્શાવી હતી.
દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારી મજબૂત કરાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોમવારે અમેરિકી રાષ્ટ્રપતિ જૉ બાઈડેન સાથે અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. આ સમય દરમિયાન બંને દ્વારા વ્યૂહાત્મક ભાગીદારી વધારવા સહમતિ દર્શાવવામાં આવી હતી. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, તેઓ બંને નિયમ આધારિત શાસન માટે કટિબદ્ધ છે અને દ્વિપક્ષીય વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવાની સાથે સાથે ભારતમાં શાંતિ અને સલામતી વધારવાની આશા રાખે છે.
વડાપ્રધાન મોદીએ ટ્વીટ કરીને જાણકારી આપી
વડાપ્રધાન કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યુ છે કે, વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ અમેરિકાના રાષ્ટ્રપતિને શુભેચ્છા પાઠવવાની સાથે સાથે અન્ય પ્રાદેશિક મુદ્દાઓ અને પ્રાથમિકતાઓ અંગે ચર્ચા કરી હતી. વડાપ્રધાને ટ્વીટમાં કહ્યું છે કે, બંને નેતાઓએ ક્લાઈમેટ ચેન્જ મુદ્દે એકબીજાને સહકાર આપવા સંમતિ પણ આપી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે, રાષ્ટ્રપતિ જૉ બાઈડેન અને હું કાયદા આધારિત આંતરરાષ્ટ્રીય પ્રણાલી માટે પ્રતિબદ્ધ છીએ. અમે ભારત-પ્રશાંત ક્ષેત્રમાં શાંતિ અને સલામતી માટે વ્યૂહાત્મક ભાગીદારીને મજબૂત બનાવવા માટે તત્પર છીએ.